શક્તિ કોલોનીમાં ટોકન આધારિત જુગારધામ ઝડપાયું: મહિલા સહિત આઠ શખ્સોની ધરપકડ
શહેરની એ.જી. ઓફીસ પાછળ કિશાનપર ચોક પાસે શૈલસ્મિત એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકી તુષાર કિરણભાઈ રાચ્છના ફ્લેટમાં જામેલી જુગારની રંગતમાં ભંગ પાડી મકાન માલિક 7 શખ્શોને પકડી પાડ્યા હતા. જ્યારે એક મહિલાને રાત્રીના સમયને લીધે સવારે હાજર થવાની તાકીદ સાથે પકડવા કવાયત આદરાઈ છે. 8 શખ્શો સામે ધોરણસરની કાર્યવાહી કરી દરોડા સ્થળેથી પોલીસે દારૂનો જથ્થો પણ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના શક્તિ કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગાર દરોડો પાડતા શૈલસ્મિત એપાર્ટમેન્ટના બીજા માળે તુષાર કિરણભાઈ રાચ્છના મકાનમાં જુગાર રમાતો હોવાનું બહાર આવ્યું હતું.દરમિયાન પોલીસે જુગાર રમતા મકાન માલિક તુષાર કિરણભાઈ રાચ્છ, કેતન જનક અડીએચા (રહે.રેસકોર્ષ બંગ્લોઝ, બ્લોક - 9), આનંદકુમાર હરસુખ ચરાડવા(રહે.યોગરાજ પાર્ક-2), શૈલેશ ચમન પાટડીયા, (રહે.પૂજારા પ્લોટ-શેરી-8), નીલેશ જેન્તીલાલ કારેલીયા (રહે.સત્યમ પાર્ક સોસાયટી), નીલેશ જયંતીલાલ સૂચક (રહે.અક્ષરનગર શેરી-1) તેમજ ભાવેશ રમેશ નથવાણી(રહે.દ્વારિકા હિલ્સ એપાર્ટમેન્ટ) ની ધરપકડ કરી હતી. જ્યારે યોગેશ બાબુ સાવલીયાના પત્ની રીનાબેનની ધરપકડ કરવા પોલીસે કવાયત આદરી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ.52,590, પ્લાસ્ટીકના 335 ટોકન તેમજ 9 મોબાઈલ મળી કુલ રૂ.2,22,590નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા સ્થળેથી દારૂનો જથ્થો પણ મળી આવતા પોલીસે તુષાર રાચ્છ સામે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત બીજો ગુનો નોંધ્યો હતો.
જુગારધામની સાથે રૂ.3900ના દારૂના 39 ચપલા અને રૂ. 3850ની બે દારૂની બોટલ પણ મળી આવતા કુલ રૂ. 7750નો મુદ્દામાલ કબજે કરી તુષાર કિરણભાઈ રાચ્છ સામે અલગથી પ્રોહીબીશન અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.