આ મોદી છે, અહીં કોઈનું દબાણ ચાલતું નથી…:ગાંધીનગરમાં PMએ ઓબામા સાથેની પ્રેસ-કોન્ફરન્સનો કિસ્સો યાદ કર્યો, જાણો ગ્લોબલ સમિટની 6 મોટી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ સમિટમાં મોદીએ કહ્યું હતું કે ગુજરાતની ધરતી જ્યાં શ્વેતક્રાંતિ અને મધુક્રાંતિનો ઉદય થયો, જે ભૂમિ પર સૂર્યક્રાંતિ ઊભી થઈ ત્યાં જ આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત ભારતનું એ રાજ્ય છે, જ્યાં સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ બનાવવામાં આવી હતી. પહેલા ગુજરાતમાં પોલિસી બની, પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધી. આ સમિટમાં PM મોદીએ તેમનો અને બરાક ઓબામાનો એક કિસ્સો પણ યાદ કર્યો હતો. તો આવો... જાણીએ ગાંધીનગર ગ્લોબલ સમિટની 6 મોટી વાત... ઓબામા એક વખત દિલ્હી આવ્યા હતા અને કહ્યું કે....
તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની પ્રેસ-કોન્ફરન્સને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે મને યાદ છે કે એકવાર ઓબામા દ્વિપક્ષીય બેઠક માટે અહીં આવ્યા હતા. અમે દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એ સમયે એક પત્રકારે મને પૂછ્યું હતું કે વિશ્વના વિવિધ દેશો અલગ-અલગ આંકડા જાહેર કરે છે. શું તમારા પર આવા આંકડા જાહેર કરવા માટે કોઈ દબાણ છે? અથવા કોઈ પ્રકારનું લક્ષ્ય સેટ કરવાનું દબાણ છે? મોદીએ એનો જવાબ આપતાં કહ્યું- આ મોદી છે, અહીં કોઈ દબાણ નથી. ત્યારે મેં કહ્યું કે હા, મારા પર દબાણ છે અને આ દબાણ મારા પર આપણી ભાવિ પેઢીનાં બાળકોનું છે, જેઓ જન્મ્યાં પણ નથી, જેમનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે હું દબાણમાં છું અને હું તેમના માટે કામ કરતો રહીશ. ગુજરાતી મોદીનું પાક્કું ગણિત ને 10-12 લાખની બચત
સંબોધન દરમિયાન મોદીએ દીકરી માટે 10-12 લાખની બચત સમજાવતાં કહ્યું હતું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજ ખપત 250 યુનિટ છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે. એને વર્ષે 25,000ની બચત થશે અને વીજબિલની બચત અને કમાણી મળીને 25000નો ફાયદો થાય છે. જો આ પૈસાને PPFમાં નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને 20 વર્ષ બાદ 10-12 લાખ રૂપિયા હશે. બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીમાં આ પૈસાથી મોટો લાભ થશે. ભારતે રેલવેને પણ નેટ ઝીરો બનાવવાનું લક્ષ્ય રાખ્યું
વડાપ્રધાને જણાવ્યું હતું કે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત ગ્લોબલ લીડર બનવા જઈ રહ્યું છે. સ્ટાર્ટઅપને પણ સપોર્ટ કરી રહ્યા છીએ. ભારતે દુનિયાને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગ્રીન ટ્રાન્ઝિક્શન પર પણ અમારું ફોકસ રહ્યું છે. ભારતે રેલવેને પણ નેટ ઝીરો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. નેટ ઝીરો એટલે ટ્રેનના ડબ્બામાં રોજ એક કરોડ લોકો હોય છે એટલે અમે નેટ ઝીરો બનાવવાનું નક્કી કર્યું છે. ભારતના લોકોએ ગામડે ગામડે હજારો અમૃત સરોવર પણ બનાવ્યાં છે. ભારતમાં લોકો પોતાની માના નામે એક વૃક્ષ લગાવી રહ્યા છે. ભારતમાં રિન્યૂએબલ એનર્જીની ડિમાન્ડ ઝડપી બની રહી છે. એનર્જી જનરેશનમાં જ નહીં, પણ મેન્યુફેક્ચરિંગમાં પણ પૂરી સંભાવના છે. ભારત સાચી માન્યતામાં એક્સપેન્શનની તરફ બહેતર રિટર્નની ગેરંટી છે. આ ક્ષેત્રમાં રોકાણ માટે બીજી કોઈ જગ્યા ન હોઇ શકે. હું ઉત્તરપ્રદેશનો પણ થઈ ગયો છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદેશના મિત્રોને કહીશ કે મોઢેરમાં સેંકડો વર્ષ જૂનું સૂર્યમંદિર છે અને સાથે આ ગામ સોલર વિલેજ છે. તમે બધા અયોધ્યા વિશે ઘણું બધું જાણો છો. ભગવાન રામની જન્મભૂમિ છે. પ્રદર્શનમાં ઉત્તરપ્રદેશનો સ્ટોલ પણ જોયો. હું ઉત્તરપ્રદેશવાળો પણ બની ગયો છું. અમારો પ્રયાસ છે કે અયોધ્યાનું એક એક ઘર સોલર પેનલથી ચાલે. ભારતનાં 17 શહેરોને સોલર સિટી તરીકે બનાવવાં જઈ રહ્યાં છીએ. G20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ, જે કરીને બતાવ્યું
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે અમારું લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી, પણ ટોપ પર ટકી રહેવાનું છે. અમે એનર્જી પર આધારિત નથી, આથી અમે સોલર પાવર, ન્યૂક્લિયર પાવર, વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે. G20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ, જે કરીને બતાવ્યું છે. 2030 સુધીમાં રિન્યૂએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાનો સ્ટડી કરવો જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સવાત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. એક નાનો પરિવાર 250 યુનિટ વીજળીની ખપત છે, એ હવે 25 હજારની કુલ બચત કરશે, એટલે 25 હજારનો ફાયદો થશે. ગ્રીન જોબ ઘણી ઝડપથી વધશે, હજારો વેન્ડરની જરૂર પડશે. આ યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે અમે દરેક સેક્ટર અને ફેક્ટર ચેક કર્યાં છે, જે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી છે. આપણા વિદેશી મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે 7 કરોડ ઘર બનાવી રહ્યાં છીએ. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્યક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો ઊઠ્યો નહોતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નીકળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.