મા કાલીનો હંમેશા દેશ પર આશીર્વાદ, આખા ભારતને તેમનામાં આસ્થા : મોદી - At This Time

મા કાલીનો હંમેશા દેશ પર આશીર્વાદ, આખા ભારતને તેમનામાં આસ્થા : મોદી


નવી દિલ્હી, તા.૧૦ફિલ્મ કાલીના પોસ્ટર પછી મા કાલી અંગે અપાયેલા નિવેદનો પર સર્જાયેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, મા કાલીનો હંમેશા દેશ પર આશીર્વાદ છે. મા કાલીની ચેતના આખા ભારતની આસ્થામાં છે. મોદીએ આ નિવેદનથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સાંકેતિક સલાહ આપી હોવાનું મનાય છે. બીજીબાજુ તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ ભાજપ પર વધુ એક હુમલો કર્યો છે.ફિલ્મ કાલીના પોસ્ટર વિવાદ વચ્ચે તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ મા કાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં તેમની સામે કેસ નોંધાયો છે અને ભાજપે તૃણમૂલ કોંગ્રેસમાંથી મોઈત્રાની હકાલપટ્ટીની માગણી કરી છે. આ વિવાદો વચ્ચે રવિવારે સ્વામી આત્મસ્થાનાનંદજીની જન્મ શતાબ્દીના કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને યાદ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ એવા સંત હતા, જેમણે પોતાની આંખો સામે મા કાલીનો અનુભવ કર્યો હતો. સ્વામી વિવેદાનંદનું કદ એવું હતું પરંતુ તેઓ દેવી કાલીની ભક્તિમાં એક બાળક સમાન બની જતા હતા. સ્વામી આત્મસ્થાનંદની પણ મા કાલીમાં એવી અતૂટ આસ્થા હતી. મા કાલીનો આશીર્વાદ હંમેશા ભારત પર રહ્યો છે.પીએમ મોદીના નિવેદન પછી ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા પર નિશાન સાધ્યું હતું. માલવીયે ટ્વીટ કરીને કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર બંગાળ જ નહીં, પરંતુ આખા ભારત માટે મા કાલીને ભક્તિનું કેન્દ્ર હોવા અંગે સન્માનપૂર્વક બોલે છે. બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદ તેમનું અપમાન કરે છે અને મમતા બેનરજી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે તેમનો બચાવ કરે છે.દરમિયાન મા કાલી મુદ્દે મહુઆ મોઈત્રાના વિવાદાસ્પદ નિવેદન પછી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે મહુઆ મોઈત્રાએ પર ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. મોઈત્રાએ રવિવારે ભાજપ આઈટી સેલના પ્રમુખ પર નિશાન સાધા કહ્યું કે, મા કાલી હવે તેમની છાતી પર પગ મૂકશે.મોઈત્રાએ ટ્વીટ કરીને કહ્યું, બંગાળ માટે ભાજપના ટ્રોલ-ઈન-ચાર્જને સલાહ આપીશ કે તેઓ પોતાના આકાઓને કહે કે જે બાબત અંગે તેમને કોઈ માહિતી ન હોય તે અંગે ટીપ્પણી કરવાનું બંધ કરે. દીદી ઓ દીદીએ તેમને બૂટ અપાવ્યા. હવે મા ઓ મા તેમની છાતી પર પગ મૂકશે. હકીકતમાં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી વખતે પીએમ મોદી દ્વારા 'દીદી ઓ દીદી' બોલવું ભાજપને ભારે પડી ગયું હતું અને તેણે પરાજયનો સામનો કરવો પડયો હતો.તૃણમૂલ સાંસદ મોઈત્રાએ મા કાલીના પોસ્ટર વિવાદમાં કહ્યું હતું કે તેમને એક વ્યક્તિના રૃપમાં દેવી કાલીની કલ્પના માંસ ખાનારી અને દારૃનો સ્વીકાર કરનારી દેવી તરીકે કરવાનો અધિકાર છે. તેમના આ નિવેદન પછી ભાજપે તેમની આકરી ઝાટકણી કાઢી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.