PM મોદી યુક્રેનના પ્રવાસે જઈ શકે છે:દાવો- પુતિનને મળ્યાના 45 દિવસ પછી 23 ઓગસ્ટે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી શકે છે
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ મોદીની મુલાકાતને લઈને બંને દેશોની સરકારો વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ દેશે સત્તાવાર જાહેરાત કરી નથી. જો પીએમ મોદી યુક્રેનની મુલાકાત લે છે, તો 1991માં યુક્રેન અલગ દેશ બન્યા બાદ ભારતીય પીએમની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ 5 વર્ષ બાદ રશિયા ગયા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. મોદીની મુલાકાત દરમિયાન યુક્રેન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે
રિપોર્ટ અનુસાર યુક્રેન બાદ મોદી પોલેન્ડની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત 23-24 ઓગસ્ટ વચ્ચે થવાની શક્યતા છે. મોદીની આ મુલાકાત ત્યારે થશે જ્યારે યુક્રેન 24 ઓગસ્ટે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ દિવસે 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થયું હતું. આ પહેલા 8-9 જુલાઈના રોજ રશિયામાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદી પુતિનને ભેટી પડ્યા હતા. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ જ્યારે નાટો દેશોની કોન્ફરન્સ ચાલી રહી હતી. અમેરિકાએ પણ મોદીના રશિયા પ્રવાસના સમયની ટીકા કરી હતી. ઝેલેન્સકીએ મોદીની પુતિન સાથેની મુલાકાતની ટીકા કરી હતી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ભેટે તે નિરાશાજનક છે." ખરેખરમાં, મોદી અને પુતિન જે દિવસે મળ્યા હતા, તે જ દિવસે રશિયાએ કિવમાં બાળકોની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં 41 લોકોના મોત થયા હતા. પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીએ વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો ઉકેલ શોધવાની વાત કરી હતી. સંયુક્ત નિવેદન જારી કરીને તેઓએ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં. મોદીએ યુદ્ધમાં બાળકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. ઈટલીમાં પીએમ મોદીએ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી
આ પહેલા પીએમ મોદીએ 14 જૂનના રોજ ઈટલીમાં G7 સમિટ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ ભેટ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો ઉકેલ શોધવાની વાત કરી હતી. 20 માર્ચે પીએમ મોદીએ પુતિન અને ઝેલેન્સકી બંને સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરતી વખતે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ઝેલેન્સકીએ પીએમ મોદીને લોકસભા ચૂંટણી બાદ યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ પુતિનને કહ્યું- આ યુદ્ધનો યુગ નથી
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી પીએમ મોદીએ પુતિન અને ઝેલેન્સ્કી સાથે ઘણી વખત ફોન પર વાત કરી છે. ઝેલેન્સકી અને મોદી G7 સમિટમાં પણ બે વખત મળ્યા હતા. જો કે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ એકબીજાના દેશની મુલાકાત લીધી નથી. ભારતે હંમેશા યુદ્ધમાં નાગરિકોની હત્યાની નિંદા કરી છે અને સંઘર્ષનો શાંતિપૂર્ણ અંત લાવવાની હાકલ કરી છે. PM મોદીએ વર્ષ 2022માં ઉઝબેકિસ્તાનમાં SCO સમિટના અવસર પર રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. તેમના નિવેદનની આખી દુનિયાએ પ્રશંસા કરી હતી. ગયા વર્ષે ભારતની અધ્યક્ષતામાં G20ની ઘોષણા પત્રમાં પણ આ લખવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.