પીરાણા દરગાહ એ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન, ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં બહુ મહત્વનું સોગંદનામું - At This Time

પીરાણા દરગાહ એ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન, ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં બહુ મહત્વનું સોગંદનામું


અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022,બુધવારપીરાણા પ્રાચીન ઇમામશાહ બાવાની દરગાહ અને તેની ફરતે મુસ્લિમ ધાર્મિક સ્થાનને હિન્દુ ધાર્મિક સ્થાનમાં રુપાંતરણ કરવાની તજવીજ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી મહત્વનું સોગંદનામું રજૂ કરી વર્ષો જૂના એક ઠરાવના આધારે દાવો કર્યો હતો કે, વાસ્તવમાં આ મૂળ ધાર્મિક સ્થાન હિન્દુઓનું જ છે. આ ધાર્મિક સ્થાનના ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ સમાવિષ્ટ છે પરંતુ સંસ્થા હકીકતમાં સતપંથીઓની છે. ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઇ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.પીરાણા દરગાહની સંસ્થા સતપંથીઓની ; જાહેરહિતની રિટમાં ટ્રસ્ટ દ્વારા સત્ય હકીકતો ઉજાગર કરવાનો પ્રયાસઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામાંમાં કેટલીક બહુ મહત્વની સત્ય હકીકતો ઉજાગર કરવાનો પ્રયાસ થયો હતો. ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યું હતું કે, પીરાણામાં સ્થિત આ ધાર્મિક સ્થળ પર ૬૦૦ વર્ષ જૂની મસ્જિદ, દરગાહ અને મંદિરો રહેલા છે. આ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન છે. ટ્રસ્ટના મતે, આ મૂળભૂત રીતે મુસ્લિમ સંસ્થા છે તે કહેવું સત્ય નથી. વર્ષ ૧૯૩૯માં નીચલી કોર્ટે જારી કરેલા ચુકાદા મુજબ, મંજૂર કરાયેલી યોજનાના આધારે ટ્રસ્ટ આ દાવો કરે છે. આના આધારે જ ટ્રસ્ટની રચના કરાયેલી છે. જે સૂચવે છે કે, આ પીરાણા મંદિર એ હિન્દુ સતપંથી અથવા તા સત્સંગીઓની સંસ્થા છે. ટ્રસ્ટનું એ પણ સ્પષ્ટ કર્યું કે, સૈયદ ટ્રસ્ટીઓએ આ ધાર્મિક સ્થળને વકફ મિલ્કત જાહેર કરવાની માંગ સાથે ચેરિટી કમિશનરને રજૂઆત કરી હતી. જો કે, તે નકારવામાં આવી હતી. આ હુકમની સામે જિલ્લા કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પણ અપીલ કરાઇ હતી, તે પણ નામંજૂર થયેલી છે. મૂળ ઇમામશાહ બાવાએ ગાદીની સ્થાપના કરી ત્યારે પણ સૌથી પહેલા ગાદીપતિ તરીકે બેસાડયા તે પણ હિન્દુ હતા અને અત્યારના ગાદીપતિ પણ હિન્દુ જ છે. ખુદ ઇમામશાહ બાવાએ પોતે જીવ્યા ત્યાં સુધી હિન્દુ ફિલોસોફીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમણે કયારેય સૈયદ કે અન્ય કોઇને પ્રાધાન્ય આપ્યું જ નથી, જે વાત પણ નોંધનીય છે. પ્રસ્તુત કેસમાં માત્ર નામ જ મુસ્લિમ હોવાથી એવો ભ્રમ છે પરંતુ વાસ્તવમાં સંસ્થા સતપંથીઓની છે. નીચલી કોર્ટ દ્વારા હુકમમાં પણ સ્પષ્ટ થયુ છે કે, આ સંસ્થા સતપંથીઓની છે, તે મુજબ આજે પણ સંસ્થાનો વહીવટ એ યોજના મુજબ જ થાય છે. અગાઉ અરજદાર સુન્ની અવામી ફોરમ દ્વારા કરાયેલી પીઆઇએલમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, પીરાણા સ્થિત ઇમામશાહ બાવાની દરગાહ ૬૦૦ વર્ષ જૂની છે અને ત્યાં મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દુઆ-બંદગી અને દર્શન માટે આવે છે પરંતુ ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા સંબંધિત સત્તાવાળાઓના મેળાપીપણામાં આ પ્રાચીન દરગાહ અને તેની ફરતેના મુસ્લિમ ધાર્મિક સ્થાનોને હિન્દુ ધાર્મિક સ્થાનમાં પરિવર્તિત કરવાની તજવીજ હાથ ધરાઇ છે, જે અંગે સૈયદ ટ્રસ્ટીઓએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી. જો કે, દરગાહમાં કોઇપણ પ્રકારના નવા બાંધકામ કે ફરેફાર કરવા સામે અરજદારપક્ષ તરફથી સ્ટે આપવા અગાઉ કરાયેલી માંગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.