રક્ષાબંધન વિરપસલી પુણ્ય પ્રદાયક શ્રાવણી પૂનમ ભાઈ-બહેનના અપાર હેતનું અમર પ્રતીક
રક્ષાબંધન વિરપસલી પુણ્ય પ્રદાયક શ્રાવણી પૂનમ ભાઈ-બહેનના અપાર હેતનું અમર પ્રતીક
હિંદુસ્તાનમાં પ્રાચીનકાળથી તહેવારોની પરંપરા ચાલી આવે છે. આ બધામાં રક્ષાબંધનનો તહેવાર અત્યંત જૂના સમયથી ચાલી આવે છે. આ તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રક્ષા અને બંધન આ બે અલગ અલગ શબ્દોનો બનેલો છે. રક્ષાબંધનનો મૂળ અર્થ એવો છે કે કોઈ ખરાબ અસર ન લાગે તે માટે કાંડે બાંધવામાં આવતી દોરી એવો થાય છે. પરંતુ આ દોરી કોઈ સામાન્ય દોરી નહીં પણ ભાઈ - બહેનના પવિત્ર સ્નેહની, પ્રેમની અતુટ દોરી છે. એમાં બહેનનો ભાઈ માટે નિ:સ્વાર્થ સ્નેહ સમાયેલો છે અને ભાઈની રક્ષા થાય એવી બહેનની ભગવાનને અરજ-અભિવ્યક્તિ થયેલી છે.બધાં જ ગુજરાતી મહિના કરતાં શ્રાવણ મહિનામાં સૌથી વધુ તહેવારો આવે છે એટલે તેને તહેવારોનો રાજા કહેવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ગુજરાતી મહિનાના શ્રાવણ સુદ પૂનમને દિવસે અને અંગ્રેજી મહિનાના ઑગસ્ટમાં આવે છે.આ દિવસોમાં શ્રાવણનાં સરવડાં કે મદભર વર્ષાઋતુ ચાલતી હોય છે.ચારેબાજુ હરિયાળી,ખુશાલી અને ઉમંગનું વાતાવરણ છવાઈ જતું હોય છે. બધાં ધરતીપુત્રો, ખેડૂતો કે કૃષકો ખૂબ જ ખુશ હોય છે ને ધરતી માતા એ લીલીછમ્મ સાડી પહેરી હોય અને સમગ્ર સૃષ્ટિનો ફરીથી જન્મ થયો હોય તેમ લાગે છે રાખડી બાંધવાનો પ્રારંભ ભારતમાં ઘણાં વર્ષો જૂનો છે. ભારતના ઇતિહાસમાં મોગલ બાદશાહ હુમાયુ અને રજપુત રાણી કર્ણાવતીના રક્ષાબંધનની વાત ઘણી પ્રખ્યાત છે. કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી પોતાનો ધર્મભાઈ બનાવ્યો. ત્યારબાદ તેણે પોતાના યુદ્ધને પડતું મૂકી જાતિ, ધર્મનો ભેદ ભૂલી તેના રક્ષણની જવાબદારી સ્વીકારી હતી.આ ઉપરાંત દેવ-દાનવના સમયમાં પણ કૌરવો-પાંડવોના યુદ્ધ વખતે અભિમન્યુના રક્ષણ માટે માતા કુંતીએ તેને રાખડી બાંધી હતી. વિષ્ણુ ભગવાને બલિરાજાનું અભિમાન આજ દિવસે નષ્ટ કર્યું હતું. આમ પ્રાચીન સમયમાં જ કાચા સુતરનો તાંતણો બાંધવાનું શરૂ થઈ ગયું હતું.પોતાના ધર્મભાઈને રાખડી બાંધે છે. આ દિવસે બહેન, વીરાના ઘેર જઈ રાખડી બાંધે છે. હવે તો ખૂબ નાની, મોટી તથા ચાંદીની અને વિવિધ પ્રકારની રાખડીઓ મળે છે અને રક્ષાબંધનના તહેવાર અગાઉ જ બજારમાં રાખડીઓ આવી જાય છે ને બહેનો મોટી સંખ્યામાં ઊમટી ઉત્સાહથી ભાઈને યાદ કરી મનગમતી રાખડી ખરીદે છે.આમ, રક્ષાબંધનનું મહત્ત્વ ખૂબ જ પ્રાચીન સમયથી જ ચાલતું આવે છે. વર્ષોની પરંપરા મુજબ ભાઈ-બહેનને રાખડી બાંધે છે એટલે કહી શકાય કે રાખડી એ વીરા, દીદીના અમર અને અપાર હેત તથા નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. એ સંબંધ અતૂટ છે ને પવિત્ર, નિર્મળ પણ છે.બીજી પણ પ્રાચીન વાત આ તહેવારના ઉદ્ભવ પાછળ લખાઈ છે જે પુરાણોમાંથી મળે છે. દેવ અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. ઈન્દ્ર પોતાના ગુરુ બૃહસ્પતિને પોતાના ભુવનમાં બોલાવ્યા.ત્યારે ઈન્દ્રાણી પણ હાજર હતાં.બૃહસ્પતિને ઇન્દ્રાણીએ કહ્યું લડાઈમાં દેવોની વિજયની ખાતરી કેવી રીતે મળે તેની મને ખબર છે.' બીજા દિવસે શ્રાવણની પૂનમે ઇન્દ્રાણીએ ધર્મગ્રંથો અનુસાર એક માદળિયું બનાવડાવ્યું અને એના પતિના કાંડે બાંધ્યું. અંતે ઇન્દ્ર યુદ્ધમાં કાંઠે બાંધેલા માદળિયા સાથે પ્રવેશ્યા ને અસુરો વેરવિખેર થઈને મેદાન છોડી ભાગી ગયા. દેવો જીત્યા ને અસુરો હાર્યા. આથી કહી શકાય કે રક્ષાબંધનનું પર્વ આ વાતને લીધે શરૂ થયું છે.‘જો સૂતરનો કાચો દોરો તૈયાર કરી, એ માણસના કાંડા પર બળેવના દિને બાંધ્યો હોય તો એ માણસ સર્વ રીતે સફળ થાય છે.ભાઈ ભલે સાત સમંદર પાર હોય પરંતુ આ દિવસે તો એના કાંડા પર બહેનની રાખડી બાંધેલી જોઈએ.જે બહેનને ભાઈ ન હોય અને જે ભાઈને બહેન ન હોઈ તેના તરફ સૌને કરુણા જાગે છે.બ્રાહ્મણો પોતાના યજમાનને મંત્રો બોલી રક્ષા બાંધીને આશીર્વાદ આપે છે કે પોતાના યજમાનને કોઈપણ વિઘ્ન નડે નહીં. આપણે ત્યાં યજમાનોને રાખડી બાંધવાનું કાર્ય બ્રાહ્મણો કરે છે અને દક્ષિણા મેળવે છે. દક્ષિણ ભારતમાં અરસ- પરસના ઘરમાં રાખડી બાંધવાનો રિવાજ છે. રક્ષાબંધનનું મહત્ત્વ એ પણ છે કે બ્રાહ્મણોમાં પાંચથી આઠ વર્ષના દરેક બાળકને યજ્ઞોપવિત્ર સંસ્કાર અપાય છે. આ દિવસે બ્રાહ્મણો સ્નાન કરી મસ્તક પર જન્મભૂમિની માટી ચોપડી સૂર્ય સામે જનોઈ રાખી અને ગાયત્રી મંત્રો બોલી જનોઈ બદલાવે છે. તેઓ જૂની જનોઈ નદી, તળાવ કે જળાશયોમાં પધરાવે છે.રક્ષાબંધનની વહેલી સવારે દીદી પોતાના વીરાને કપાળે કંકુ ચાંદલો કરી, ચોખા ચોડી અને બહેન વીરાને કહે છે કે 'તારા મસ્તકના વિચારો સુધારજે' ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના' નાનકડી ફૂલ સમી રાખડી બાંધી ભાઈને મીઠું મોં કરાવે છે અને વીરાના મીઠાં ઓવરણાં લે છે. બહારગામ સાસરામાં કે બીજે રહેતી બહેનો પરબીડિયામાં રાખડી અને સ્નેહપત્ર મોકલે છે. સદ્વિચાર પરિવાર કે બીજી ઘણી સેવાભાવી સંસ્થાની બહેનો જેલમાં જઈ કેદીઓને રાખડી બાંધે છે.
લોકો રક્ષાબંધનને ‘નાળિયેરી પૂર્ણિમા' તથા 'બળેવ પૂનમ' પણ કહે છે. આ દિવસે સાગર - ખેડુઓ અને તેના કુટુંબીજનો વરુણદેવની પૂજા કરે છે. ખારવા, નાખુદા, નાવિક લોકો આ દિવસે દૂધ, દહીં, પંચામૃત, શ્રીફળ,સોપારી વગેરે સમુદ્રમાં પધરાવી સાગરપૂજન કરે છે અને પોતાના નાવની (હોડીઓની) પૂજા કરી પાંચ કંકુ ચાંદલા કરી પોતાની સફરોનો આરંભ કરે છે અને દૂર દૂર દેશાવરે જાય છે.રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. બધા ધર્મોના લોકો સંપ અને પ્રેમપૂર્વક હળીમળીને ‘સૌરાષ્ટ્રભૂમિ'માં શ્રી નિરંજન રામકબીર કહે છે કે 'રક્ષાબંધન' એ ભારતીય સંસ્કૃતિનું ભાઈ-બહેનના સ્નેહનું પર્વ છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના વહાલસોયા વીરને રાખડી બાંધે છે.રાખડી અંતરની ભાવના પણ બાંધી દે છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સરખામણી બીજા કશાની સાથે થઈ શકે નહીં. તેને મૂલવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ જવાના, કારણ કે ભાવના એ મનના અનુભવની ચીજ છે. એને શબ્દોના બંધનમાં જકડવા જતાં ભાવનાની સુરખિ ઝંખવાઈ જવાની જ. એ ભાવના સાથે તાદાત્મ્ય સાધવા માટે તો જરૂર પડે છે માત્ર નિર્મળ એવા હૃદયની. એવું હૈયું જેની પાસે છે, એને જીવનના કોઈ ઝંઝાવત ડગાવી શક્યા નથી.'તો વિદ્યાનગરના કલા-સર્જકોનું ગ્રુપે જુદી જ અભિવ્યક્તિ કરી છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે લોકસત્કાર પામતું વિશિષ્ટ સર્જન રાખી કાર્ડ છે.તેઓ પોતાના વિચારો આ રીતે વ્યક્ત કરે છે. ‘મોકલું છું રાખડીને રાખડીમાં પ્રેમ, બોલ, મારા ભાઈ તારે ચાલે છે કેમ ?' 'સહિયારી રે બાળપણાંની ગોઠડી, કરું યાદ સાંભરે મુને ભઈલા, તારી ખાટી - મીઠી કે વાત.' આજ રક્ષાકાર્ડના અંદરના પૃષ્ઠ પર બહેનના હૃદય ધબકાર સાથે ધબકતા સંવેદનો જીવંત બન્યા છે : 'ભાઈ હું તો પારકી થાપણ કહેવાઉ નહીં ?' બધાં રાખી કાર્ડમાં લાગણીનો ઉઠાવ છે. આ કાર્ડમાં લોકશૈલી છે. તહેવારનો ઉમંગ છે, રક્ષાબંધનનું હાર્દ છે. બહેનના ભાઈ પ્રત્યેના નિઃસ્વાર્થ ભાવની ભાવપૂર્ણ અભિવ્યક્તિ છે. હવે વિદ્યાનગરની વિદ્યાર્થિનીઓ પોતાના ભાઈ માટે નહીં ભાઈઓ પણ પોતાની બહેન માટે આ સર્જનકાર્ડ મોકલવા માંડે છે.
‘ઉર ઉમંગો, અબીલ-ગુલાલ, કુમકુમ, ચોખા ચપટી રક્ષા બાંધે વીરના કાંડે બહેનની હેત હરખતી ના માંગું હું સોના, ચાંદી, હીરા, મોતી હાર, પાસ પ્રભુની માંગુ બસ હું ભાઈનો સ્નેહ અપાર.' રક્ષાબંધનને પવિત્ર સ્નેહનું પ્રતીક ગણાવે છે. ‘દરેક સંબંધો જીવનનો એક હિસ્સો હોય છે. આવા સંબંધોને અનુલક્ષીને ઘણા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભારત દેશમાં આવા એક વર્ષમાં બે ઉત્સવ આવે છે જે ભાઈ - બહેનના પવિત્ર સંબંધને અનુલક્ષીને આવે છે. એક ભાઈબીજ, તથા બીજો રક્ષાબંધન. આ રક્ષાબંધનના પવિત્ર દિને બહેન ભાઈને હાથે શુભ ભવિષ્યની આશા સાથે પ્રેમભર્યો તાંતણો ભઈલાને બાંધે છે. એ બહેનડી જે ભઈલાને બાંધે છે એ બંધન એ કે દોરો કે ઘાગો નથી પરંતુ, પ્યારી બહેનડી પ્રત્યે ભઈલાની વ્યવહારિક, સામાજિક તથા ધાર્મિક વગેરે જેવી પવિત્ર ફરજ સૂચવે છે.' ખરેખર મોટી બહેન માતાની સ્થાને પણ આવે છે. આમ ભાઈના સર્વાંગી હિત માટે તેનું લાગણીસભર હૈયું સદા મૂક પ્રાર્થના કરતું રહે છે : 'બિખર જાયે યે ચાંદ સિતારે, બિખર જાયે યે સંસાર, ઈસ દુનિયા મે અમર રહેગા ભાઈ-બહેનકા પ્યાર. 'ગોહરબાનુ મુસ્લિમ સ્ત્રી હતી. જેણે શિવાજીને કદીયે રાખડી બાંધી જ ન હોતી. છતાં શિવાજીએ એની સાથે ભાઈ - બહેનના સંબંધો નિભાવી તેનું રક્ષણ કર્યુ હતું. રક્ષાબંધન શબ્દમાં બીજો શબ્દ 'બંધન' એટલે બાંધવું કે ભાઈ - બહેનના પવિત્ર પ્રેમનું બંધન હોઈ શકે છે. આ દિવસે બહેન ભાઈના ભાલ પ્રદેશમાં ભુકુટિની મધ્યમાં તિલક કરે છે. શાસ્ત્ર કહે છે કે કપાળ પર મધ્યે આપણા આત્માનું રહેવાનું સ્થાન છે. બહેન ભાઈને મોઢું મીઠું કરાવે છે એટલે મુખમાંથી સદા મીઠાં જ વચનો આવવા જોઈએ.રક્ષાબંધનને બીજા 'પાપનાશક', 'વિષતોડક', 'પુણ્યપ્રદાયક’ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાપનો નાશ કરે તે, જે કામ, ક્રોધ, મોહ, અહંકાર જેવાં વિષ દૂર કરે તે વિષતોડક ને આ પર્વ પુણ્ય પ્રદાન કરનાર કોઈ પુણ્ય પ્રદાયક તરીકે પણ ઓળખાય છે (સો આપણા લોક ઉત્સવો)
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.