મેરિટલ રેપની અરજી:પતિ દ્વારા પત્ની સાથેની શારીરિક બળજબરી રેપ ગણી શકાય કે નહીં?
સુપ્રીમકોર્ટે જો પતિ તેની પત્ની કે જે સગીર નથી તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે તો પતિને દુષ્કર્મના ગુના માટેની કાર્યવાહીમાંથી મુક્તિ મળવી જોઇએ કે કેમ? તે અંગેના સવાલ પરની અરજીઓની સુનાવણી માટે સૂચિત કરવા માટે સંમત થઇ હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે એક પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની રજૂઆતોની નોંધ લીધી હતી કે અરજીઓને “કેટલીક પ્રાથમિકતા’ આપવામાં આવે. સીજેઆઈએ કહ્યું કે અરજીઓ સાંભળવામાં આવશે અને સંકેત આપ્યો કે તે 18 જુલાઈના રોજ સુનાવણી કરવામાં આવશે. ભારતીય દંડ સંહિતાની કલમ 375ની અપવાદ કલમ હેઠળ (જેને હવે રદ કરવામાં આવી છે અને તેનું સ્થાન ભારતીય ન્યાય સંહિતાએ લીધું છે) તે મુજબ જો કોઇ પુરુષ દ્વારા પત્ની કે જે સગીર ન હોય તેની સાથે સંભોગ અથવા જાતીય કૃત્ય કરવામાં આવે તો તે દુષ્કર્મ નથી. નવા કાયદા હેઠળ પણ, “કલમ 63 (દુષ્કર્મ)ના અપવાદ અનુસાર “પુરુષ દ્વારા તેની પોતાની પત્ની સાથે (જેની વય 18 વર્ષથી ઓછી નથી) જાતીય સંબંધ બાંધવામાં આવે તો તે દુષ્કર્મ નથી.” સુપ્રીમકોર્ટે ગત 16 જાન્યુઆરી, 2023ના રોજ IPCની જોગવાઇ વિરુદ્ધ કરાયેલી અરજીઓ પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો જેમાં જો પત્ની પુખ્ત હોય તો તેની સાથેના બળજબરીપૂર્વકના જાતીય સંબંધો બદલ પતિને કાર્યવાહી સામે રક્ષણ મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.