જામનગરમાં અપના બજાર જેવા ભરચકક વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો રસ્તા પર સર્જાતાં લોકોના ટોળા એકઠા થયા - At This Time

જામનગરમાં અપના બજાર જેવા ભરચકક વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો રસ્તા પર સર્જાતાં લોકોના ટોળા એકઠા થયા


- રંગીલા મિજાજના પતિ સામે રણચંડી બનેલી પત્નીએ કાંઠલો પકડી જાહેરમાં ખખડાવ્યો: પોલીસે મામલો થાળે પાડ્યોજામનગર તા.25 જુલાઈ 2022,સોમવારજામનગરમાં અપના બજાર નજીક શનિવારે સાંજે એક દંપત્તિ વચ્ચેનો ઝઘડો રસ્તા પર આવ્યો હતો, અને રંગીલા મિજાજના પતિ સામે પત્ની રણચંડી બન્યા પછી તેનો કાંઠલો પકડી લઈ જાહેરમાં ખખડાવ્યો હતો, અને અનેક શબ્દોના વેણ માર્યા હતા, જેથી 'તમાશા ને તેડું' ન હોય તેમ લોકોનું ટોળું એકત્ર થયું હતું. આ ધમાચકડી બાદ આખરે પોલીસ આવી પહોંચી હતી, અને મામલો થાળે પાડ્યો હતો. આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે જામનગરમાં અપના બજાર વિસ્તારમાં શનિવારે સાંજે એક મહિલા દોડીને આવી હતી, અને એક રેંકડી પાસે અગાઉથી ઉભેલા પોતાના પતિનો જાહેરમાં કાંઠલો પકડી લઈ રીતસર ખખડાવવાનું શરૂ કરી દીધું હતું. રંગીલા મિજાજના પતિને જાહેરમાં ધમકાવીને કહ્યું હતું કે તું બીજી ને રાખીને બેઠો છો, મારો જીવન બરબાદ કરી નાખ્યું છે, તારી માતા (સાસુ) પણ સવારથી કચકચ કરીને મારી જિંદગી બગાડી નાખી છે, તારી બેને ઝેરી દવા પી લીધી તેમાં મારો શું વાંક?, તમે લોકોએ મારું જીવન બગાડ્યું છે, તારે અન્ય સ્ત્રી સાથે રહેવું છે, પણ એમ હું મરીશ નહીં, અને હું તને સાથે લઈને જઈશ. ચાલ આપણે બંને સાથે તળાવમાં પડીને આત્મહત્યા કરી લઈએ, જેવા અનેક સંવાદો સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. જેથી તમાશા ને તેડું ન હોય, તે રીતે અને લોકો એકઠા થઈ ગયા હતા, અને લોકોએ ભરપૂર મનોરંજન માણ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ સમગ્ર ઘટના નો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો પણ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ મોડેથી કોઈએ પોલીસને જાણ કરી દેતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે આવી ગઈ હતી, અને આખરે મામલો થાળી પાડ્યો હતો. જોકે આ મામલે કોઈ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા થઈ ન હતી. પરંતુ અપના બજાર વિસ્તારમાં થોડો સમય માટે લોકોએ રંગીલા મિજાજ ના પતિને પાઠ ભણાવતી રણચંડી બનેલી પત્નીનું સ્વરૂપ નિહાળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.