લોકો મોંઘવારીથી પરેશાન પણ સરકાર એક અંહકારી રાજાની ઈમેજ ઉજળી કરવા અબજો રૂપિયા ફૂંકી રહી છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં મોંઘવારી પર થયેલી તડાફડી વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશના લોકો પરેશાન છે અને સરકાર એક અહંકારી રાજાની ઈમેજ ચમકાવવા માટે અબજો રુપિયાનો ધૂમાડો કરી રહી છે.તેમણે કહ્યુ હતુ કે, તાનાશાહ સરકાર ઈચ્છે છે કે, તેની દરેક વાત પર ભરોસો કરવામાં આવે પણ એવુ નહીં થાય. કારણકે કોંગ્રેસ તેની સામે સતત લડતી રહેશે.રાહુલ ગાંધીએ જનતાને સંબોધીને સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, તમે એકલા નથી. કોંગ્રેસ તમારો અવાજ છે અને કોંગ્રેસ તમારી તાકાત છે. તાનાશાહના દરેક ફરમાન સામે અને લોકોનો અવાજ દબાવવાના દરેક પ્રયત્ન સામે આપણે લડવાનુ છે. તમારા માટે હું અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને આગળ પણ લડશે.તેમણે આગળ કહ્યુ હતુ કે, સંસદના ચોમાસુ સત્રમાં અમે સરકાર પાસે જનતાના સવાલોના જવાબ માંગી રહ્યા હતા પણ તમે જોયુ હશે કે સરકારે કેવી રીતે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરાવી દીધા હતા અને સંસદની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી...કાલે પણ સરકારે ચર્ચા દરમિયાન કહી દીધુ હતુ કે મોંઘવારી જેવી કોઈ સમસ્યા જ દેશમાં નથી.રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ,દેશ બેકારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સરકાર એક અહંકારી રાજાની ઈમેજ બનાવવા માટે અબજો રુપિયાનો ધૂમાડો કરી રહી છે. મોંઘવારી અને ગબ્બરસિંહ ટેક્સ સામાન્ય માણસની આવક પર સીધો પ્રહાર કરે છે. આજે દેશના નાગરિકો પોતાના સપના સાકાર કરવા માટે નહીં પણ માત્ર બે સમયનુ ભોજન મળી રહે તે માટે સંઘર્ષ કરી રહ્યા છે. સરકાર ઈચ્છી છે કે, તમે સવાલ કર્યા વગર તાનાશાહની દરેક વાત સ્વીકારી લો પણ હું તમને કહેવા માંગુ છું કે, સરકાર ડરપોક છે અને તમારી તાકાત તેમજ એકતાથી ડરે છે અને એટલે જ તમારા પર સતત હુમલા કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.