લોકોને પાલિકાના મની કાર્ડ નહીં પણ સુમન પ્રવાસ ટીકીટમાં વધુ રસ
- ચાર દિવસમાં રોજની એક હજાર કરતાં વધુ સુમન પ્રવાસ ટીકીટના પ્રવાસી નોંધાયા- 2018માં પાલિકાએ મની કાર્ડ યોજના શરૂ કરી હતી હજી સુધી માંડ 88 હજાર કાર્ડ ઈસ્યુ થયા: જેમાં પણ મોટા ભાગે પાલિકાના કર્મચારીઓએ કાર્ડ લીધા પ્રતિનિધિ દ્વારા સુરત, રવિવારસુરતમાં પર્યાવરણની જાળવણી સાથે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મ્યુનિ.એ સામૂહિક પરિવહન સેવા નો વધુ ઉપયોગ થાય તે માટે શરૂ કરેલી સુમન પ્રવાસ ટીકીટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના ચાર દિવસમાં રોજના સરેરાશ એક હજારથી વધુ લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. તેમાં પણ સુરતના જુદા જુદા વિસ્તારમાં જઈને રોજગારી ઉભી કરતાં ફેરિયા અને સેલ્સમેન માટે આ ટિકિટ વધુ ફાયદાકારક હોય આગામી દિવસોમાં આ ટિકિટનો વધુ ઉપયોગ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.સુરત મ્યુનિ. તંત્રએ ડિજિટલ સેવાનો વધુમા વધુ લોકો ઉપયોગ કરે તે માટે 2018માં મની કાર્ડ લોન્ચ કર્યો હતો. આ કાર્ડમાં સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી સાથે પાલિકાના વિવિધ પેમેન્ટ ભરવા અને અન્ય કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, સુરત પાલિકાની આ ડીજીટલ સર્વિસ એવી મની કાર્ડને લોકોએ મોળો પ્રતિસાદ આપ્યો છે. સુરત મ્યુનિ.માં અત્યાર સુધીમાં 88 હજાર મની કાર્ડ નીકળ્યા છે પણ તેમાં પણ મોટા ભાગના કાર્ડ પાલિકા કર્મચારીઓ કઢાવ્યા હતા. પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસમાં પેપર લેસ મુસાફરી માટે બાવેલે મની કાર્ડ લોકોને વધુ પસંદ આવ્યો નથી પરંતુ પાલિકાએ હાલમાં જાહેર કરેલી સુમન પ્રવાસ ટીકીટને લોકો વધુ પ્રતિસાદ આપી રહ્યાં છે. આ ટીકીટ શરૂ કરીને ચાર દિવસ થયા પરંતુ સરેરાશ રોજ એક હજાર લોકો સુમન પ્રવાસ ટીકીટ લઈ રહ્યા છે. માત્ર પચ્ચીસ રૂપિયામાં દિવસ દરમિયાન સીટી અને બીઆરટીએસ બસમાં અનલિમિટેડ મુસાફરી કરવાની હાય લોકોને સુમન પ્રવાસ ટીકીટ વધુ માફક આવી રહી છે. સુરતમાં અનેક લોકો એવા છે જે જુદા જુદા વિસ્તારોમાં ફરીને રોજગારી મેળવતા ફેરિયા અને સેલ્સમેન માટે આ ટીકીટ ફાયદારૂપ સાબિત થશે તેના કારણે આ ટિકિટ ની સંખ્યામાં સતત વધારો થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.