જસદણમાં મંત્રી બાવળીયાની અધ્યક્ષતામાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજન અંગે વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે બેઠક યોજાઈ
- આગામી તા.2 ફેબ્રુઆરીના 151 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું.
- આ લગ્નમાં જોડાનાર તમામ દીકરીઓને કરિયાવર સહિતની ઘરવપરાશની અઢળક વસ્તુઓ આપવામાં આવશે
જસદણ શહેરના ગીતાનગર વિસ્તારમાં આવેલ રામવાડી ખાતે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ ભાયાણી અને પૂર્વ શહેર ભાજપ મહામંત્રી હિરેનભાઈ સાકરીયાની આગેવાની હેઠળ જસદણ વિસ્તારના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સર્વ સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આગામી તા.2 ફેબ્રુઆરીના દિવસે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જસદણના વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જસદણમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 151 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપવામાં આવશે. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોના સૂચનો મેળવ્યા હતા અને વહેલી તકે 51 સભ્યોની સમૂહલગ્ન સમિતિની રચના કરવાનું નક્કી કર્યું હતું. આ બેઠકમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ સમૂહલગ્નમાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો વધુમાં વધુ જોડાય તેમજ કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવનાર પરિવારો જોડાય અને એક સમરસતાનું વાતાવરણ ઊભું થાય તેવું ઉમદાકાર્ય કરવા જણાવ્યું હતું. હાલના તબક્કે 151 દીકરીઓના લગ્ન કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમ છતાં જો આ સમૂહલગ્નમાં વધુ પરિવારો જોડાશે તો પણ તેને આવરી લેવામાં આવશે. ટૂંક સમયમાં લગ્નની ફાઈનલ તારીખ અને સ્થળ તેમજ લગ્ન નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ ભાયાણી અને પૂર્વ શહેર ભાજપ મહામંત્રી હિરેનભાઈ સાકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.