તિરુપતિ લાડુ વિવાદ:સુપ્રીમ કોર્ટના નિર્દેશ - SIT તપાસ કરશે, તેમાં CBIના 2, આંધ્ર પોલીસના 2 અને FSSAIના એક અધિકારી હશે - At This Time

તિરુપતિ લાડુ વિવાદ:સુપ્રીમ કોર્ટના નિર્દેશ – SIT તપાસ કરશે, તેમાં CBIના 2, આંધ્ર પોલીસના 2 અને FSSAIના એક અધિકારી હશે


આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના પ્રસાદમ (લાડુ)માં પશુની ચરબી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે તપાસ માટે એક સ્વતંત્ર કમિટી (SIT) બનાવવાનું કહ્યું હતું. તેમાં CBI અને રાજ્ય પોલીસના 2-2 અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના એક અધિકારી હશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા, રાજ્ય સરકાર વતી મુકુલ રોહતગી, તિરુપતિ મંદિર વતી સિદ્ધાર્થ લુથરા અને તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબારેડ્ડી વતી કપિલ સિબ્બલે દલીલો કરી હતી. 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે - 'જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ પ્રસાદમાં પશુની ચરબીની તપાસ SITને સોંપી હતી, તો તેમને મીડિયામાં જવાની શું જરૂર હતી? . ભગવાનને તો રાજકારણથી દૂર રાખો. પવને કહ્યું- સનાતનને ખતમ કરનારાઓ ધૂળ ચાટતા થઈ જશે, તિરુપતિ પ્રસાદમાં ભેળસેળ એક આઈસબર્ગ જેવુ છે, તેની નીચે ઘણું બધું છે આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના પ્રસાદમ (લાડુ)માં પશુઓની ચરબી મામલે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું- પ્રસાદમાં ભેળસેળ એક આઇસબર્ગ (નાનો ભાગ) જેવુ છે. તેની નીચે ઘણું બધું છે જેની તપાસ કરવાની જરૂર છે. ખરેખરમાં લાડુનો વિવાદ સામે આવ્યા બાદ ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે 11 દિવસની પ્રાયશ્ચિત દીક્ષા લીધી હતી. 3 ઓક્ટોબરના રોજ દીક્ષા પૂર્ણ થયા બાદ, તેમણે વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા અને બાદમાં એક જાહેર સભાને સંબોધી હતી. પવને કહ્યું- સનાતનને ખતમ કરનારાઓ પોતે જ ધૂળ ચાટતા થઈ જશે. હું સનાતન ધર્મનું પાલન કરું છું અને તેના માટે બધો ત્યાગ કરી શકું છું. બીજી તરફ પ્રસાદમાં ચરબી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અગાઉ આ સુનાવણી 3 ઓક્ટોબરે થવાની હતી. જે બાદમાં મોકૂફ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે આ કેસમાં SIT તપાસ થશે કે નહીં
1 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશ પોલીસે આ કેસની SIT તપાસ અટકાવી દીધી હતી. રાજ્યના ડીજીપી દ્વારકા તિરુમાલા રાવે કહ્યું કે હાલમાં આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, SIT દ્વારા આગળ તપાસ કરવી કે નહીં તે નક્કી કરવામાં આવશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- લાડુ બનાવવામાં દૂષિત ઘીનો ઉપયોગ થતો હોવાના શું પુરાવા છે?
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, 'લેબનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો હતો. તે સ્પષ્ટ નથી. મુખ્યમંત્રીએ SIT તપાસનો આદેશ આપ્યો છે અને પછી સપ્ટેમ્બરમાં મીડિયાને નિવેદન આપે છે. બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે? કોર્ટે તિરુપતિ મંદિર વતી હાજર રહેલા વકીલ સિદ્ધાર્થ લુથરાને પૂછ્યું કે લાડુ બનાવવામાં ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થતો હોવાના શું પુરાવા છે. તેના પર વકીલે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. આ પછી જસ્ટિસ ગવઈએ પૂછ્યું, 'તો પછી તરત જ મીડિયામાં જવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. લગભગ એક કલાક સુધી સુનાવણી પછી બેન્ચે કહ્યું કે અમે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સૂચન ઈચ્છીએ છીએ કે શું આ મામલાની તપાસ SIT કે કોઈ સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા થવી જોઈએ. 30 સપ્ટેમ્બરના રોજ, SITએ તિરુમાલામાં ફ્લોર મિલનું નિરીક્ષણ કર્યું હતું અગાઉ 30 સપ્ટેમ્બરે SITએ ઘણી જગ્યાએ તપાસ કરી હતી. SIT અધિકારીઓએ તિરુમાલામાં ફ્લોર મિલનું નિરીક્ષણ કર્યું. અહીં ઘીનો સંગ્રહ થાય છે. આ ઘીનો ઉપયોગ લાડુના પ્રસાદમાં થાય છે. SIT ચીફ સર્વશ્રેષ્ઠ ત્રિપાઠી અને તેમની ટીમે તિરુમાલામાં ઘી ટેન્કરો અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) લેબની પણ તપાસ કરી હતી. તિરુપતિ મંદિરમાં નંદિની ઘીમાંથી લાડુ બનાવવામાં આવી રહ્યા છે, GPS દ્વારા ઘી સપ્લાયર પર નજર તિરુપતિ મંદિરમાં હવે નંદિની ઘીનો ઉપયોગ લાડુ બનાવવા માટે થઈ રહ્યો છે. નંદિની કર્ણાટક મિલ્ક ફેડરેશનની લોકપ્રિય બ્રાન્ડ છે. વિવાદ વચ્ચે માત્ર એક મહિના પહેલા જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ કર્ણાટક મિલ્ક ફેડરેશનને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કર્ણાટક મિલ્ક ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર એમકે જગદીશે જણાવ્યું હતું કે, અમે અમારા વાહનોમાં જીપીએસ સિસ્ટમ અને જિયો લોકેશન ડિવાઇસ લગાવ્યા છે. આ વાહનો મંદિરમાં ઘી પહોંચાડે છે. જીપીએસ સિસ્ટમ લગાવવાથી અમને ખબર પડે છે કે વાહન ક્યાં અટક્યું છે, જેથી ભેળસેળ અટકાવી શકાય. કર્ણાટક મિલ્ક ફેડરેશનને 350 ટન ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ વિવાદ કેવી રીતે સામે આવ્યો કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. તિરુપતિ મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ જગન સરકારે (YSRCP) 5 કંપનીઓને સપ્લાયનું કામ આપ્યું હતું. આમાંની એક એઆર ડેરી ફૂડ્સ ડિંડીગુલ, તમિલનાડુની છે. આ વર્ષે જુલાઈમાં તેના ઘીમાં ભેળસેળ જોવા મળી હતી. TDPની સરકાર આવી, જુલાઇમાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો, ફેટ કન્ફર્મ TDP સરકારે જૂન 2024માં વરિષ્ઠ IAS અધિકારી જે શ્યામલા રાવને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના નવા કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પ્રસાદમની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ પ્રસાદનો સ્વાદ અને ગુણવત્તા સુધારવા માટે ઘણાં સૂચનો આપ્યાં હતાં તેમજ ઘીના નમૂના ટેસ્ટિંગ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ગુજરાત મોકલવામાં આવ્યા હતા. જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં ફેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી TTDએ તામિલનાડુના ડિંડીગુલની એઆર ડેરી ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલો ઘીનો સ્ટોક પરત કર્યો અને કોન્ટ્રેક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો. આ પછી TTDએ કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું. જૂના સપ્લાયર પાસેથી 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી ખરીદવામાં આવતું હતું. હવે તિરુપતિ ટ્રસ્ટ કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) પાસેથી 475 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહ્યું છે. ઘીની શુદ્ધતા પરીક્ષણ લેબ NDDB CALF (આણંદ, ગુજરાત) ઘીની શુદ્ધતા ચકાસવા માટે તિરુપતિને એક મશીન દાનમાં આપવા સંમત થઈ છે. એની કિંમત 75 લાખ રૂપિયા છે. CM નાયડુએ લેબ રિપોર્ટ જાહેર કર્યો , વિવાદ વધ્યો જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં લાડુમાં પશુની ચરબી હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે ટીડીપીએ બે મહિના બાદ રિપોર્ટ જાહેર કર્યો હતો. સીએમ નાયડુએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ જગન સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ માટે વપરાતા ઘીમાં પશુની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. ટીડીપીએ પણ લેબ રિપોર્ટ બતાવીને પોતાના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. નાયડુએ કહ્યું, જ્યારે બજારમાં ઘી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું ત્યારે જગન સરકારે 320 રૂપિયામાં કિલો ઘી ખરીદ્યું. આવી સ્થિતિમાં સપ્લાયર દ્વારા ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવી જોઈએ. જગન સરકાર દ્વારા ઓછી કિંમતના ઘીની ખરીદી અંગે તપાસ થશે. પશુઓની ચરબી ધરાવતા ઘીમાંથી બનેલા લાડુથી તિરુપતિ મંદિરની પવિત્રતા કલંકિત થઈ છે. 300 વર્ષ જૂનું રસોડું, માત્ર બ્રાહ્મણો બનાવે છે 3.5 લાખ લાડુ તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી ધનાઢ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરરોજ લગભગ 70 હજાર ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરે છે. એનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્સ (TTD) દ્વારા નિયંત્રિત થાય છે. મંદિર પરિસરમાં બનેલા 300 વર્ષ જૂના રસોડા 'પોટુ'માં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રસાદ છે, જે લગભગ 200 બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. જાન્યુઆરી 2024માં રામમંદિરના અભિષેક સમયે ટ્રસ્ટે લગભગ એક લાખ લાડુ અયોધ્યા મોકલ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.