આજથી પર્વાધિરાજ પર્યુષણ જૈનો તપ-જપમાં લીન્ન બનશે - At This Time

આજથી પર્વાધિરાજ પર્યુષણ જૈનો તપ-જપમાં લીન્ન બનશે


અમદાવાદ,મંગળવારતહેવારોની હેલી
બરાબરની જામી છે. એકતરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિને આરે છે ત્યાં હવે આવતીકાલથી પર્વાધિરાજ
પર્યુષણનો પ્રારંભ થશે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહામંગલકારી
પર્વાધિરાજ પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો પોતાના મન-વચન-કાયાના દોષોરૃપી ભૂલોને માફી
માંગી ખમાવશે. આ વર્ષે શ્વેતામ્બર
મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી જૈન બંનેના પર્યુષણનો પ્રારંભ શ્રાવણ વદ-૧૨ (દ્વિતિય) ૨૪
ઓગસ્ટથી શરૃ થાય છે અને ૩૧ ઓગસ્ટના પૂર્ણ થશે. પર્યુષણ શબ્દમાં 'પરિ' એટલે ચારેય બાજુ
સારી રીતે, 'ઉષણ' એટલે કે આરાધના-આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણમાં જૈનો
તપ-જપ-પૌષધ કરે છે. આઠેય દિવસ અહિંસાનું ચુસ્ત પાલન કરે છે. પર્યુષણમાં મોટી સંખ્યામાં
જૈનો સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્યુષણ
પર્વ જિનશાસનની ભવ્ય પરંપરા છે. પ્રથમ ત્રણ દિવસ 'અષ્ટાહ્નિકા' ગ્રંથ પર પ્રવચન જ્યારે
ચોથા દિવસથી કલ્પસૂત્રનું વાચન શરૃ થાય છે. પાંચમાં દિવસે પ્રભુ મહાવીરસ્વામીનું જન્મનું
વાંચન થાય છે. પ્રભુજીની માતા ત્રિશલાને આવેલા ૧૪ મહાસ્વપ્નોનું સકળ સંઘને દર્શન કરાવવામાં
આવે છે.

આઠ દિવસના આ પર્વમાં
સાત દિવસ આરાધનાના છે જ્યારે આઠમો દિવસ ક્ષમા નામના ધર્મની સિદ્ધિનો છે. સંવત્સરીનું
પ્રતિક્રમણ થાય છે. પર્યુષણ અંગે માહિતી આપતા યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે,
'આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. ૨૫૦થી વધુ જૈન સંઘોમાં આ વર્ષે
તપાગચ્છાધિપતિ આ.ભ. મનોહરકીર્તિસાગરસૂરીજી, ગચ્છાધિપતિ આ.ભ. રાજયશસૂરીજી, ૪૦થી વધુ
પ્રભાવક જૈનાચાર્યો, ૧૨૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા મળી છે. પ્રત્યેક
સંઘમાં તપશ્ચર્યા જેવી કે ૮ ઉપવાસ, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, ૩૦ ઉપવાસ જેવી વિવિધ કઠોર તપશ્ચર્યા
મોટી સંખ્યામાં ભાવિકો કરી રહ્યા છે. '


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.