વડોદરા: દીવા તાળે અંધારું: વડોદરામાં પાર્કિંગનો અમલ કરાવતી કોર્પોરેશનના જ કમ્પાઉન્ડમાં પાર્કિંગનો વિકટ પ્રશ્ન
વડોદરા,તા.8 જુલાઈ 2022,શુક્રવારવડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ પાર્કિંગની સુવિધાનો અમલ કરતી કોર્પોરેશન પાસે પોતાની મુખ્ય કચેરી ખાતે પાર્કિંગની ગંભીર સમસ્યા છે. એક તરફ અહીં દૈનિક મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અરજદારો આવતા હોય છે ત્યારે અનેક લોકોને વાહન પાર્કિંગ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે ટ્રાફિક પોલીસને મળેલી ફરિયાદના આધારે મુખ્ય કચેરી ખાતેથી 40 જેટલા વાહનો ઉઠાવી જતા ભારે હોબાળો મચી ગયો હતો.કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી અંતર્ગત લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તેનું સ્વાયત સંસ્થાએ ધ્યાન રાખવાનું રહે છે. પરંતુ બીજી તરફ પાલિકાની મુખ્ય કચેરીમાં પાર્કિંગના ધાંધિયા થયા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં મોટાભાગના કર્મચારીઓ ફોરવીલર લઈને આવે છે ત્યારે વાહન પાર્ક કરવાની ગંભીર મથામણ ઊભી થતી હોય છે. કોર્પોરેશનના તંત્રએ બિન સત્તાવાર રીતે આપેલી સૂચનામાં માત્ર ક્લાસ વન અધિકારીઓએ કોર્પોરેશન સંકુલના પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરવાના રહે છે, જ્યારે અન્ય કર્મચારીઓએ પોતાના અન્યત્ર મૂકવાના હોવાથી તેઓને વાહન પાર્ક કરવા માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. ગઇકાલે કર્મચારીઓએ ફૂટપાથ નજીક મુખ્ય માર્ગને અડીને પોતાના વાહન પાર્ક કર્યા હતા ત્યારે પોલીસ તંત્રને મળેલી ફરિયાદના આધારે ૪૦થી ૪૫ જેટલા વાહનો ટ્રાફિક ક્રેઇન દ્વારા ઉપાડી લેતા સાંજે છૂટવાના સમયે કર્મચારીઓ અટવાઈ પડ્યા હતા. તેટલું જ નહીં, તેઓએ વાહન છોડાવવા દોડધામ કરવી પડી હતી. અંદાજે એક કલાક બાદ તેઓને પોતાના વાહન દંડ ભરી પરત મળી શક્યા હતા. આમ કોર્પોરેશન ખાતે કર્મચારીઓ માટે જરૂરી પાર્કિંગ સુવિધા ઉભી ન થતાં તેઓમાં નારાજગી જોવા મળી રહી છે.કોર્પોરેશન સંકુલ બહાર ઘણી જગ્યાએ આવેલી છે. જેમાં bank of baroda ખાતેની જગ્યા ભાડું મેળવવાના આશયથી ખાનગી ઇજારદારને સોંપી દેવામાં આવી છે. ત્યારે આ જગ્યામાંથી પૈસા મેળવવાના બદલે અહીં આવતા અરજદારો અને કર્મચારીઓ માટે આ જગ્યા પાર્કિંગ માટેની એલોટ રહે તેવી કર્મચારીઓની ઈચ્છા છે.પાલિકાની સામાન્ય સભા દર મહિને મળતી હોય છે. સભામાં આવતા મોટાભાગના કોર્પોરેટરો પોતાના ફોરવીલર લઈને આવતા હોવાથી ચૂંટાયેલી પાંખ બાજુ પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ છે. ઘણી વખત પાર્કિંગ ફુલ થઈ જતા અહીંનો મુખ્ય દરવાજો બંધ કરી દેવાતા અનેક કોર્પોરેટરોએ પોતાના વાહન પાર્કિંગની બહારની બાજુ મૂકવા પડતા હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.