UPમાં ‘પંડિતજી’ અપાવશે CMની ખુરસી:PDAના જનકનું બ્રાહ્મણ કાર્ડ, અખિલેશના દાવે રાજકીય-જાતિય સમીકરણ ફેરવી નાખ્યા; માસ્ટર સ્ટોક કે પછી રિસ્ક?
2024ની લોકસભા ચૂંટણી બાદ અખિલેશ યાદવની PDA રણનીતિની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. હાંસિયામાં ધકેલાયેલી SP પછાત, દલિત અને અલ્પસંખ્યકના સહારે લોકસભામાં દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. હવે અખિલેશ જે રથ પર સવાર છે તે PDAના રથ પર જ અખતરા કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. સપા અધ્યક્ષે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે બ્રાહ્મણ નેતાની પસંદગી કરી છે. અખિલેશના આ દાવે ભલભલા રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. કેટલાક એવું કહી રહ્યા છે કે યુપીમાં 'પંડિતજી’ અખિલેશને CMની ખુરસી અપાવશે, તો કેટલાક એમ કહી રહ્યા છે કે અખિલેશનો આ નિર્ણય ક્યાંક PDAમાં ભંગાણ ના પડાવી દે. આ બધુ તો ભવિષ્યના ગર્ભમાં છે પણ એક વાત તો ચોક્કસ છે અને તે એ છે કે અખિલેશના આ દાવે દેશના સૌથી મોટા પોલિટિક્લ રાજ્યના જાતિય અને રાજકીય સમીકરણ ફેરવી નાખ્યા છે. તો આવો જાણીએ કે અખિલેશનો આ નિર્ણય માસ્ટર સ્ટોક છે કે પછી બહું મોટું પોલિટિક્લ રિસ્ક... સૌથી પહેલા એ નિર્ણય વિશે જાણીએ કે જેને યુપી સહિત સમગ્ર દેશના રાજકીય પંડિતોને ગોથે ચઢાવી દીધા. અખિલેશે ફરી એક વખત લોકોને ચોંકાવ્યા
હાલમાં જ અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા છે, ત્યારબાદ તેમણે કરહલ વિધાનસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. અખિલેશ યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેઓ દિલ્હી જતા વિધાનસભામાં વિપક્ષના નેતાની પોસ્ટ ખાલી પડતા સમાજવાદી પાર્ટીએ યુપીના મોટા બ્રાહ્મણ ચહેરા માતા પ્રસાદ પાંડેને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. બ્રાહ્મણ ચહેરાને વિરોધ પક્ષના નેતા બનાવ્યા
અત્યાર સુધી યુપી વિધાનસભામાં જે ખુરશી પર બેસીને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ જવાબદારી સંભાળી રહ્યા હતા, તે હવે પાંડે નિભાવતા જોવા મળશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે સપા કોઇ દલિત અથવા પછાત વ્યક્તિને આ મહત્વપૂર્ણ પદ આપીને પોતાના જનાધારને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, આ નવા દાવથી અખિલેશે ફરી એક વખત લોકોને ચોંકાવ્યા છે. અત્યાર સુધી અખિલેશ PDAની રાજનીતિ એટલે કે પછાત, દલિત અને અલ્પસંખ્યકની રાજનીતિમાં આગળ વધતા જોવા મળતા હતા. PDA બાદ હવે અખિલેશની નજર બ્રાહ્મણ વોટ બેંક પર પણ છે. આની પાછળ પણ એક સમજી-વિચારેલી રણનીતિ હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. કોણ છે માતા પ્રસાદ પાંડે?
માતા પ્રસાદ પાંડે 81 વર્ષના છે. તેઓ સિદ્ધાર્થનગર જિલ્લાની ઈટવા સીટના ધારાસભ્ય છે. બે વખત વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. મુલાયમ સિંહ યાદવ સરકારમાં બે વખત મંત્રી પણ રહી ચૂક્યા છે. પાર્ટીના શરૂઆતના દિવસોથી જ જમીન પર કામ કરી રહ્યા છે. પાંડેએ 1980માં જનતા પાર્ટી તરફથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીતી હતી. 2002, 2007 અને 2012માં સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને વિધાનસભામાં પહોંચ્યા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2022માં ફરી એકવાર જીત્યા. પાંડે 1991માં આરોગ્ય મંત્રી અને 2003માં શ્રમ અને રોજગાર મંત્રી રહ્યા. પાર્ટીએ પાંડેને મહત્ત્વનું પદ આપીને પોતાની રણનીતિને મુસ્લિમ, યાદવથી આગળ લઇ જવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય અખિલેશે અમરોહા સીટના ધારાસભ્ય મહેબૂબ અલીને ઉપનેતા, મુરાદાબાદ જિલ્લાના ધારાસભ્ય કમાલ અખ્તરને મુખ્ય દંડક અને પ્રતાપગઢના ધારાસભ્ય રાકેશ કુમાર ઉર્ફે આરકે વર્માને ડેપ્યુટી વ્હીપ બનાવ્યા છે. તો આવો જાણીએ કે યુપીની રાજનીતિમાં બ્રાહ્મણોનો કેટલો પ્રભાવ છે. અને શા માટે PDAના જોખમે અખિલેશ બ્રાહ્મણો પર ભરોસો કરીને આટલું મોટું રિસ્ક લઇ રહ્યા છે. યુપીમાં બ્રાહ્મણો શા માટે મહત્વપૂર્ણ પહેલા કોંગ્રેસ પછી ભાજપ, માયાવતી અને એક વખત અખિલેશને પણ CMની ખુરસી સુધી પહોંચાડનાર બ્રાહ્મણોનું યુપીના રાજકારણમાં હંમેશા વર્ચસ્વ રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ રાજ્યમાં લગભગ 13% બ્રાહ્મણો છે. ઘણી વિધાનસભા બેઠકો પર 20%થી વધુ મતદારો બ્રાહ્મણો છે. આવી સ્થિતિમાં દરેક પક્ષની નજર આ વોટબેંક પર ટકેલી છે. બલરામપુર, બસ્તી, સંત કબીર નગર, મહારાજગંજ, ગોરખપુર, દેવરિયા, જૌનપુર, અમેઠી, વારાણસી, ચંદૌલી, કાનપુર, પ્રયાગરાજમાં બ્રાહ્મણ મતો 15%થી વધુ છે. અહીં બ્રાહ્મણ મતદારો ઉમેદવારની હાર-જીતમાં મહત્વનો ભાગ ભજવે છે. સૌથી પહેલા 2007માં માયાવતીએ બ્રાહ્મણ-દલિતનું સોશિયલ એન્જિનિયરિંગ કર્યું હતું. ત્યારે બ્રાહ્મણોએ દિલ ખોલીને માયાવતીને મત આપ્યા અને તે મુખ્યમંત્રી પદ સુધી પણ પહોંચી ગયા હતા. યુપીના રાજકારણમાં આ બીજી વખત હતું જ્યારે બ્રાહ્મણોએ પરંપરાગત પક્ષો કોંગ્રેસ અને બીજેપી સિવાય અન્ય કોઈપણ પક્ષને એક થઈને મત આપ્યો હોય. અગાઉ જનેશ્વર મિશ્રાના સમયમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો સમાજવાદી પાર્ટી સાથે પણ જોડાયા હતા. 2014ની લોકસભા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અનુક્રમે 72% અને 80% બ્રાહ્મણ મતો મેળવ્યા હતા. બ્રાહ્મણ મતદારોનો પ્રભાવી જનાધાર હોવાના કારણે તમામ મુખ્ય રાજકીય પક્ષો તેમને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરે છે. બ્રાહ્મણ મતદારો ભાજપ માટે મહત્વની વોટ બેંક છે અને તેઓ પાર્ટીની ચૂંટણી વ્યૂહરચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાએ બ્રાહ્મણ મતદારોને આકર્ષવા માટે ખાસ રણનીતિ અપનાવી હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે રાજ્યમાં 'બ્રાહ્મણ સંમેલન'નું આયોજન કરાવ્યું હતું. ભગવાન પરશુરામની મૂર્તિનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સપાએ તેના ચૂંટણી પ્રચારમાં ગુર્જર, આહીર, જાટવ અને બ્રાહ્મણ સમીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પાર્ટીનું માનવું હતું કે આ સમીકરણ દ્વારા તે અન્ય પછાત વર્ગો (ઓબીસી), દલિતો અને બ્રાહ્મણ સમુદાયોનું સમર્થન મેળવી શકે છે. જો કે, પરિણામોએ પાર્ટીને નિરાશ કરી. શું SP જૂના રેકોર્ડનું પુનરાવર્તન કરવાની તૈયારીમાં છે?
2024ની સામાન્ય ચૂંટણીમાં સપાને મોટો ફાયદો મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના ગુસ્સાનો સીધો ફાયદો SP અને ઈન્ડિયા બ્લોકને થયો છે. આવી સ્થિતિમાં સપા પણ ઇચ્છે છે કે લોકોના આ ગુસ્સાને વોટમાં ફેરવી દેવામાં આવે અને 2027ની વિધાનસભા ચૂંટણી જીતીને સરકાર બનાવવામાં આવે. આગામી સમયમાં 10 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવાની છે. સપા પહેલેથી જ તેના પરંપરાગત MY (મુસ્લિમ-યાદવ) સમીકરણને વિસ્તારી ચૂકી છે. તેની PDA ફોર્મ્યુલાએ પણ એક ધાર આપી છે. હવે સોશિયલ એન્જિનિયરિંગના આ નવા દાવથી તેને ભરપૂર આશા છે. હકીકતમાં, 2012ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ એકલા હાથે 224 બેઠકો જીતી હતી અને તેને સોશિયલ એન્જિનિયરિંગનો ચમત્કાર માનવામાં આવે છે. તે સમયે સપાની બાગડોર મુલાયમ સિંહ યાદવના હાથમાં હતી અને અખિલેશ યાદવના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. મુલાયમ સિંહ યાદવે અખિલેશને મુખ્યમંત્રી બનાવ્યા. અખિલેશે બ્રાહ્મણોને રીઝવવામાં કોઈ કસર ન છોડી. કારણ કે બ્રાહ્મણ વોર્ટ અગાઉ 2007માં બસપા સાથે ગયા હતા અને માયાવતીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. પરંતુ કથિત રીતે જ્યારે BSPના શાસનમાં બ્રાહ્મણોની ઉપેક્ષા કરવામાં આવી ત્યારે આ વર્ગ નારાજ થઈને સપામાં જોડાઈ ગયો. અખિલેશ હવે 2027ની ચૂંટણીમાં પણ પોતાની જૂની ફોર્મ્યુલા અજમાવવા માંગશે. 2017 અને 2022ની ચૂંટણીમાં બ્રાહ્મણ અને ઉચ્ચ જાતિના સમુદાયો ભાજપની તરફેણમાં જોવા મળ્યા હતા. સામાન્ય વર્ગને લઈને SPના નવા સમીકરણ?
શું સપાનું આ બ્રાહ્મણ કાર્ડ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રમવામાં આવ્યું છે? સપાના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રા કહે છે કે PDAનો અર્થ પછાત, દલિત અને ‘A’ના બે અર્થ થાય છે- અલ્પસંખ્યક અને અગડા. માતા પ્રસાદ પાંડેને અનુભવના આધારે વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. અમે સડકથી લઇને સંસદ સુધી જનતાના મુદ્દાઓને ઉઠાવવાનું કામ કરીશું. સમાજવાદી પાર્ટીએ લગભગ એ સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી હવે પોતાના MY સમીકરણની સાથે ઓબીસી, દલિત અને સામાન્ય વર્ગને લઈને નવા સમીકરણો બનાવી રહી છે, જે ભાજપ અને બસપા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો અખિલેશ એ થિયરી પર ચાલી રહ્યા છે કે બ્રાહ્મણ સહિત સામાન્ય વર્ગના લગભગ બહુમતી મતો ભાજપથી નારાજ છે અને આના પર વધુ મહેનત કરવાથી પાર્ટીને નોંધપાત્ર ફાયદો થવાથી ઈન્કાર ના કરી શકાય. આ માટે સપાનું ફોક્સ હવે મુસ્લિમ, યાદવ, ઓબીસી, દલિત અને બ્રાહ્મણ વર્ગ પર છે. શું PDA ફેક્ટરે SPને લાભ અપાવ્યો?
હકીકતમાં, સામાન્ય ચૂંટણી પહેલા સપાએ PDAનો નારો આપ્યો હતો અને જબરદસ્ત લીડ મેળવી હતી. યુપીમાં સૌથી વધુ 37 લોકસભા સીટો જીતી. સપાને 33.80 ટકા વોટ શેર મળ્યો. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે સપાને MY ફેક્ટરનો લાભ તો મળ્યો જ છે, પાર્ટીએ BSP-BJPની દલિત-પછાત વોટબેંકમાં પણ ખાડો પાડ્યો છે. પાર્ટીની નજર હવે તેનાથી પણ આગળ છે. આ જ કારણ છે કે અખિલેશ હવે બ્રાહ્મણ સમુદાયને પોતાની બાજુ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે અખિલેશના આ દાવને માસ્ટર સ્ટોક કહી શકાય, પરંતુ આ રિસ્ક પણ ઓછું નથી. શું સામાન્ય વર્ગ સપાથી દૂર જઈ રહ્યો હતો?
અખિલેશ 2023થી સતત પછાત, દલિત અને અલ્પસંખ્યકને સાથે લઈને આગળ વધતા જોવા મળી રહ્યા છે. પક્ષની છબી પણ પછાત, દલિત, યાદવ અને મુસ્લિમોની આસપાસ બની રહી હતી. અખિલેશના નિવેદનોના કારણે એ સંદેશ પણ જઇ રહ્યો હતો કે સપા સામાન્ય વર્ગથી દૂરી બનાવીને ચાલી રહી છે. વિધાનસભામાં મુખ્ય દંડક રહેલા મનોજ પાંડે જેવા મોટા બ્રાહ્મણ ચહેરાએ સામાન્ય ચૂંટણી દરમિયાન બળવાખોર વલણ અપનાવ્યું હતું. મનોજ પાંડે રાયબરેલીની ઉંચાહર સીટથી ધારાસભ્ય છે. જો કે હવે બ્રાહ્મણ ચહેરા પર નવેસરથી દાવ લગાવીને પાર્ટીએ નવી ચર્ચાઓ જગાવી છે. જો સપાનું બ્રાહ્મણ કાર્ડ કામ કરશે તો 2027માં વિધાનસભાની લડાઈ રસપ્રદ બની શકે છે. છેલ્લા ઘણા સમયથી લોકોને ચોંકાવતા અખિલેશના વધુ એક દાવે ભલભલા રાજકીય પંડિતોની સાથે-સાથે પાર્ટીઓને પણ ચોંકાવી દીધી છે. તેનો અંદાજ તમે એ વાત પરથી પણ લગાવી શકો છો કે અખિલેશના આ નિર્ણય બાદ તરત જ તેમના ધ્રુર વિરોધી ભાજપ અને માયાવતી પણ સક્રિય થઇ ગયા છે. અને તેઓ અખિલેશને ઘેરી રહ્યા છે. 'અખિલેશની અસલિયત આવી સામે...PDA એટલે છેતરપિંડી'
સોમવારે વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા બીજેપી નેતા અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે અખિલેશની વાસ્તવિકતા લોકો સામે આવી ગઈ છે. PDA એટલે બહું મોટી છેતરપિંડી. અમે માતા પ્રસાદ પાંડેનું ખૂબ સન્માન કરીએ છીએ, તેઓ વિપક્ષના નેતા બન્યા છે, તેમને અભિનંદન આપીએ છીએ, પરંતુ અખિલેશનો અસલી ચહેરો સામે આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે હવે જે ફીડબેક આવી રહ્યા છે તે દર્શાવે છે કે તેમણે લોકસભા ચૂંટણીમાં લોકોને ગેરમાર્ગે દોરીને વોટ મેળવ્યા છે. તે વર્ગમાંથી આવતા નેતાઓ ખૂબ જ નિરાશ છે. તેમણે ઘણા સપના જોયા હતા. શિવપાલ યાદવ પર પણ નિશાન સાધ્યું
શિવપાલ યાદવ તરફ ઈશારો કરતા ભાજપના નેતાએ કહ્યું કે કાકાએ પણ સપના જોયા હતા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ મનમાં ઘણી ઈચ્છાઓ લઈને બેઠા હતા, પરંતુ અખિલેશ યાદવે તેમની પીઠમાં છરો મારી દીધો. અગાઉ, તેમણે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, કોંગ્રેસના પ્યાદા સપા બહાદુર અખિલેશ યાદવે વિપક્ષના નેતાને પસંદ કરતા જ વાસ્તવિકતા સામે આવતાં જ PDA ચાલીસા વાંચનારા પછાત દલિતોના સમર્થનથી ચૂંટાયેલા નેતાઓમાં નિરાશા છે. ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ અને સન્માન છે. 2027માં 2017નું પુનરાવર્તન કરવાનું છે. કમળ ખીલ્યું છે અને ફરીથી ખીલવાનું છે. અખિલેશના આ બ્રાહ્મણ કાર્ડને બસપા ચીફ માયાવતીના સોશિયલ એન્જિનિયરિંગ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. એક સમયે BSP પણ બ્રાહ્મણોને સાધવા માટે સતીશ મિશ્રાને પાર્ટીમાં લાવી હતી. બસપાને આનો ફાયદો પણ થયો અને બ્રાહ્મણોની મોટી વોટબેંક પાર્ટી તરફ વળી. માનવામાં આવે છે કે હવે સપાની નજર પણ માયાવતીની તે વોટ બેંક પર ટકેલી છે. માયાવતીએ કહ્યું- બ્રાહ્મણોનો વિકાસ અને ઉત્થાન માત્ર બસપા સરકારમાં જ થયો
બસપાના વડા માયાવતીએ પાંડેને વિપક્ષના નેતા બનાવવા માટે અખિલેશ યાદવની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, સપાના વડાએ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખાસ કરીને બંધારણ બચાવવાની આડમાં અહીં PDAને ગેરમાર્ગે દોરીને તેમના મત તો લઈ લીધા, પરંતુ યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં તેમની જે ઉપેક્ષા કરવામાં આવી તે પણ વિચારવા જેવું છે. જ્યારે સપામાં એક ખાસ જાતિ સિવાય PDA માટે કોઈ સ્થાન નથી. ચોક્કસપણે બ્રાહ્મણ સમુદાય માટે તો નથી જ, કારણ કે સપા અને ભાજપ સરકારોમાં તેમનું જે દમન અને ઉપેક્ષા થઇ છે, તે કોઈનાથી છુપાયેલ નથી. હકીકતમાં, તેમનો વિકાસ અને ઉત્થાન માત્ર બસપા સરકારમાં જ થયો છે. તેથી, આ લોકો ચોક્કસ સાવચેત રહે. માયાવતીના નિવેદનથી સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં બસપા પણ મોટો દાવ રમી શકે છે અને પોતાની પરંપરાગત વોટ બેંકને સાધવા માટે નવી રણનીતિ બનાવી શકે છે. સતીશ મિશ્રાની ચર્ચા કેમ?
સતીશ મિશ્રા સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ છે. વર્ષ 2004માં બીSP સુપ્રીમો માયાવતીના સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલાના આધારે સતીશ મિશ્રાની બીSPમાં એન્ટ્રી થઈ હતી. તેઓ પાર્ટીના બ્રાહ્મણ ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. મિશ્રાની એન્ટ્રી વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી. મિશ્રાએ બીSPના સોશિયલ એન્જિનિયરિંગને આગળ વધાર્યું, જેણે વિવિધ જાતિઓમાં સમર્થન વધાર્યું. આનાથી BSPને 2007ની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરવામાં મદદ મળી. મિશ્રાએ પાર્ટીમાં એક સંતુલન પણ સ્થાપિત કર્યું, જેણે બ્રાહ્મણો અને દલિતો વચ્ચે એકતા વધારી. એવું કહેવાય છે કે 2019ની સામાન્ય ચૂંટણી માટે સપા અને બસપા વચ્ચે ચૂંટણી ગઠબંધનમાં પણ મિશ્રાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. યુપીમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બસપાના 'બ્રાહ્મણ સંમેલન'ને 'પ્રબુદ્ધ સંમેલન' તરીકે ફરી શરૂ કર્યું. જો કે, આનાથી રાજ્યમાં બીSPને વધુ ફાયદો થયો નહી અને પાર્ટી માત્ર એક બેઠક જીતી શકી. બસપાની એક મોટી વોટબેંક બીજેપીમાં શિફ્ટ થઈ ગઈ. બાદમાં, BSPની રણનીતિમાં ફેરફાર જોવા મળ્યો અને પાર્ટીએ હવે તેના મૂળ મતદારો (દલિત અને મુસ્લિમ)ને પરત લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. માયાવતીએ સૌથી પહેલા પૂર્વ કેબિનેટ મંત્રી નકુલ દુબેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. જે બાદ અન્ય એક બ્રાહ્મણ નેતા અનિલ પાંડેને પણ બરતરફ કર્યા. નકુલ દુબેને સતીશ મિશ્રાના નજીકના માનવામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ BSPનું સોશિયલ એન્જિનિયરિંગ સદંતર નિષ્ફળ સાબિત થયું. ત્યાં સુધી કે દલિત મતદારો પણ પાર્ટીથી દૂર જતા જોવા મળ્યા. કોંગ્રેસના યુપી પ્રદેશ અધ્યક્ષ તરીકે બ્રાહ્મણની પહેલેથી જ પસંદગી તો આ તરફ યુપીમાં સપાના સહયોગી કોંગ્રેસ પણ પોતાની જૂની અને પરંપરાગત વોટબેંકને સાધવાના પ્રયાસમાં છે. પાર્ટીએ આ માટે પહેલાથી જ પોતાના યુપી પ્રદેશ અધ્યક્ષ તરીકે બ્રાહ્મણ ચહેરા એવા અજય રાયની નિયુક્તિ કરી દીધી છે. આ સાથે પાર્ટીએ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. આ ચૂંટણીમાં તેમણે વડાપ્રધાનને સારી એવી ફાઇટ પણ આપી હતી. તથા રાજ્યસભામાં ઉપનેતા તરીકે કોંગ્રેસે યુપીના બીજા બ્રાહ્મણ અને દિગ્ગજ નેતા પ્રમોદ તિવારીની પસંદગી કરી છે. આમ આવનારા સમયમાં જો કોંગ્રેસ અને સપાનું ગઠબંધન રહ્યું તો પણ ભાજપ માટે જોખમી બનશે. યુપીનું જ્ઞાતિ સમીકરણ શું છે?
યુપીના જ્ઞાતિ સમીકરણ પર નજર કરીએ તો સૌથી મોટી વોટ બેંક પછાત વર્ગ છે. રાજ્યમાં 18 ટકા ઉચ્ચ જાતિઓ છે, જેમાંથી 10 ટકાથી વધુ બ્રાહ્મણો છે. પછાત વર્ગોની સંખ્યા 40 ટકા છે, જેમાં યાદવ 10 ટકા, કુર્મી સેથવાર 8 ટકા, મલ્લાહ 5 ટકા, લોધ 3 ટકા, જાટ 3 ટકા, વિશ્વકર્મા 2 ટકા, ગુર્જર 2 ટકા અને અન્ય પછાત જાતિ 7 ટકા છે. આ ઉપરાંત રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી 22 ટકા અને મુસ્લિમ વસ્તી 18 ટકા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.