દુનિયામાં જે સત્ય છે એ મુહૂર્ત વગર જ થાય છે, જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ - At This Time

દુનિયામાં જે સત્ય છે એ મુહૂર્ત વગર જ થાય છે, જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ


દુનિયામાં જે સત્ય છે એ મુહૂર્ત વગર જ થાય છે,
જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ

માનવ જીવનની ઘટમાળ સતત ફર્યા કરતું એક ચક્ર છે. તો બીજી રીતે જોઈએ તો જન્મ થી મૃત્યુ સુધી જીવનપર્યત અવિરત વહ્યા કરતી એક નદી છે. આ જ નદી રૂપી જીવનમાં માણસ ઘણું મેળવે છે, ગુમાવે છે, વાપરે છે અને માણે છે. સતત જવાબદારીના બોજમાં જીવતો માણસ જિંદગીમાં વચ્ચે વચ્ચે પ્રસંગ કે તહેવારની ઉજવણી કરી ખુશી મેળવવાની કોશિશ કરતો રહે છે. વળી પાછો કામમાં લાગી જાય છે. કમાવવામાં વ્યસ્ત બની જાય છે.અરે ક્યારેક તો પોતે પોતાના માટે ઈચ્છિત જિંદગી જીવવાનું પણ ભૂલી જાય છે. કારણ કે એ સત્યને સ્વીકારી શકતો નથી.પરંતુ આ જગતમાં જે સત્ય છે તે અચલ છે. એના ઉદ્દભવ માટે મુહૂર્ત જોવામાં નથી આવતા. દુનિયામાં જે સત્ય છે એ મુહૂર્ત વગર જ થાય છે.
જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ....
          જન્મ ક્યારેય મુહૂર્ત જોઈને નથી થતું. એ એના સમયે થઈને જ રહે છે. ચાહે ચોઘડિયું ગમ્મે તે હોય, ચાહે તારીખ, વાર કે તિથિ ગમ્મે તે હોય, અરે એને રાત અને દિવસ પણ નડતા નથી.જન્મનો સમય થાય ત્યારે કોઈ વિજ્ઞાન કે ટેકનોલોજી દ્વારા એને રોકી શકતા નથી. જન્મ એના પોતાના કાળે થઈને જ રહે છે. જો કે આજ કાળ માનવ જીવનની એક ફેશનની વાત કરીએ તો કોઈ ચોક્કસ તારીખના સેટિંગ માટે પોતાના બાળકની ડિલિવરી પોતાની ઈચ્છા પ્રમાણે ના દિવસે કરાવે છે. પણ આ બાબત ખૂબ જ ગંભીર છે. કુદરતથી ઉપરવટ જવાનું વિચારવા વાળાએ એ ભૂલની સજા ભોગવવા તૈયાર જ રહેવું પડશે એ ચોક્કસ છે.
     બીજું છે *મૃત્યુ*......
મૃત્યુ પણ સત્ય છે. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત જ છે એ આપણે સૌ જાણીએ છીએ. ને એ પણ ક્યારેય મુહૂર્ત જોઈને નથી આવતું. આપણે જોયું કે સાંભળ્યું છે કે પૂરા ઉત્સાહથી ગરબે ઘુમતા યુવાનનું હૃદય રોગનો હુમલો આવતા મૃત્યુ થયું. પોતાની જ દીકરી કે દીકરા ના લગ્ન ની કંકોત્રી આપવા જતા બાપનું હૃદય બેસી ગયું. પોતાના સંતાનને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ભણવા મોકલનારા પિતાનું કાર્ડિયાક એટેક આવતાં મૃત્યુ થયું. ચિંતા, ટેન્શન કે ડિપ્રેશન માં માણસને હુમલો આવે એ હજુ થોડું માનવામાં આવે પણ ઉપરની બધી જ ઘટનામાં માણસ ખુશખુશાલ જ હોય અને છતાં જો મૃત્યુ આવી જાય છે તો વિચારવું રહ્યું કે જો એ માં મુહૂર્ત જોવાતું હોત તો ઉપરની એક પણ ઘટનામાં એ મુહૂર્ત કોઈ ના લે. તો એ સહજ સત્યને સ્વીકારવું જ રહ્યું.
ત્રીજું છે પ્રેમ........ પ્રેમ પણ સત્ય છે. આપણી જિંદગીની ત્રણ પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ પછી કોઈ મહત્વની જરૂરિયાત હોય તો એ છે પ્રેમ.
       માણસ સંવેદનાઓથી સભર એક સામાજિક પ્રાણી છે. એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી જીવનના દરેક તબક્કે પ્રેમની ઝંખના હોય છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ હોય દરેકની એવી ઈચ્છા હોય કે જિંદગીની સફરના દરેક તબક્કે કોઈ પોતાનું હોય જે કોઈપણ જાતના સ્વાર્થ વિના તેને પ્રેમ કરે, તેની સાથે રહે, આ સફરમાં તેનો સહકાર બને.
પ્રેમ શબ્દ નામ(noun) પણ છે ને ક્રિયાપદ (verb) પણ છે. ક્રિયાપદ બને છે ત્યારે ક્યારેય મુહૂર્ત જોવામાં આવતું નથી. સહજ જ થઈ જતી ક્રિયા છે. ક્યારે થઈ જાય છે. કોની સાથે થઈ જાય છે એ વ્યક્તિને ખુદને પણ એ સમયે ખ્યાલ રહેતો નથી. પ્રેમ પામવા ને પ્રેમ અર્પવા માણસ ક્યારેય સમય, વાર, તારીખ કે ચોઘડિયું જોતો નથી.
  આથી જ કહી શકાય......
' દુનિયામાં જે સત્ય છે એ મુહૂર્ત વગર જ થાય છે,
જેમ કે જન્મ, મૃત્યુ અને પ્રેમ

- પારૂલ એમ ખડદિયા
Pearl of Mann sarovar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.