સોની બજારમાં આંગડિયા પેઢીમાં લૂંટને અંજામ આપનાર રાજકોટના લૂંટારું સહિત ત્રણ દબોચાયા
શુક્રવારે સમી સાંજે સોનીબજારમાં આવેલી પી.મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના મેનેજર પાસેથી બંદૂકની અણીએ રૂા.19.56 લાખની લૂંટ ચલાવવાના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર રાજકોટના લૂંટારું સહિત ત્રણને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા સાંજ સુધીમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઘટનાની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શુક્રવારે સાંજે પી.મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના મેનેજર પેઢીનો હિસાબ લઈને ઘેર આવ્યો ત્યારે આ ઘટના બની હતી. આંગડિયા પેઢીના મેનેજર રજનીકાંતભાઈ ગોવિંદલાલ પંડ્યા (ઉ.વ.62)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સોનીબજાર માંડવી ચોક, મોદી શેરીના ખુણા પાસે આવેલી પી.મગનલાલ એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આ આંગડીયા પેઢીની રાજકોટમાં બે બ્રાન્ચ છે જેમાં એક સોનીબજારની બ્રાન્ચ છે જે હું તેમજ ચંદનસિંહ ભરતજી વિહોર બન્ને સંભાળીયે છીએ અને બીજી બ્રાન્ચ ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં આવેલી છે
જેનું સંચાલન અરવિંદભાઈ કાનજીભાઈ પટેલ તેમજ તેમનો દીકરો સચિન પટેલ સંભાળે છે. દરમિયાન શુક્રવારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં હું મારી સોની બજારની પેઢીએ હતો તે વખતે અમારી બીજી પેઢી સંભાળતા અરવિંદભાઈ પટેલ ત્યાં આયા હતા અને અમે બન્ને અમારી પેઢીનો હિસાબ પૂર્ણ કરી હિસાબ પેટેના રૂા.19,56,000 એક થેલીમાં ભરીને નીકળ્યા બાદ અરવિંદભાઈ તેમના સ્કૂટર ઉપર મને મારા ફ્લેટ સુધી મુકવા આવ્યા. આ પછી જ્યારે હું મારા ખત્રીવાડમાં આવેલા કેશવકુંજ એપાર્ટમેન્ટના પગથીયા ચડી રહ્યો હતો ત્યારે પહેલા માળે પહોંચતાથી સાથે જ બે શખ્સો મારી પાસે ધસી આવ્યા હતા અને પીસ્તલ તેમજ છરી બતાવી ‘થેલી અમને આપી દે નહીંતર તારું પુરુ કરીશ નાખશું’ કહીને પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બન્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટારુઓનું પગેરું દબાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન આરોપીઓ મોરબી તરફ નાસી ગયા હોવાનું ધ્યાન પર આવતાં ત્યાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ લૂંટમાં સંડોવાયેલા ત્રણ જેટલા આરોપીઓ હાથમાં આવી ગયા છે અને હાલ તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસે આ મામલે વધુ કંઈ કહેવાનો ઈનકાર કરીને ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયાની વાતને સમર્થન આપ્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે મોડી સાંજ સુધીમાં પોલીસ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આખરે આ લૂંટને અંજામ આપવાનું કાવતરું કોનું હતું, કોણે ટીપ આપી હતી, લૂંટ કર્યા બાદ આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતા તે સહિતના મુદ્દે અત્યારે તપાસ ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.