ગાય આધારિત ખેતી અને ગૌ આધારિત પ્રોડક્ટ બનાવી જાદવભાઇ બન્યાં લખપતિ
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી રહ્યા છે. જેમાં સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ખેડૂત જાદવભાઇ ભોળાએ છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પોતાની જમીનમાં મગફળી, બાજરી, કઠોળ સહિતના પાકોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. તો સાથો સાથ ગૌ આધારિત પ્રોડક્ટ બનાવી તેનું બજારમાં વેચાણ કરી લાખો રૂપિયા કમાઇ રહ્યા છે.
લોઢવાના ખેડૂત જાદવભાઇ રામભાઇ ભોળાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા બે એકર જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. પ્રાકૃતિક ખેતી કરતા થયાને પાંચ વર્ષ થઇ ગયા છે. પરંતુ પ્રાકૃતિક અનાજ, કઠોળ અને ગૌ આધારિત વસ્તુઓ બનાવી તેનું બજારમાં વેચાણ કરી લાખો રૂપિયાની આવક મેળવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મળે છે. કારણ કે, હું જ્યારે રાસાયણિક ખેતી કરતો હતો. ત્યારે એક વર્ષમાં રૂપિયા ૩૫ થી ૪૦ હજારનો ખર્ચ થતો હતો અને તેની સામે આવક ૯૦ હજારની થતી હતી. પરંતુ જ્યારેથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. ત્યારે ઓછા ખર્ચે વધુ આવક થઇ છે. જેમાં એક વર્ષમાં માત્ર ૫ થી ૭ હજાર રૂપિયાનો ખર્ચે થાય છે. જ્યારે તેની સામે ઉત્પાદન રૂા.૧ લાખથી વધુનું ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતી થકી તૈયાર થયેલા અનાજ, કઠોળ, બાજરીનું વેચાણ તેમના ભાવે ઘરેથી લોકો ખરીદી જાય છે અને લોકોને પણ રાસાયણિક મુક્ત અનાજ, કઠોળ સહિતની વસ્તુઓ મળે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની સાથે ગૌ આધારિત વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. જેમાં ગાયના ગોબરમાંથી દીવડા, ધૂપ, સાબુ, દંતમંજન, ફેસપેક સહિતની વસ્તુઓ બનાવી તેનું બજારમાં વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. તેમજ જાદવભાઇ રામભાઇ ભોળા આ ગૌ આધારિત પ્રોડક્ટનું અન્ય લોકો અને સખી મંડળની બહેનોને માર્ગદર્શન પણ આપી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.