રાજકોટનાં કલેકટર પ્રભવ જોશીનો જીવદયા પ્રેમી અભિગમ - At This Time

રાજકોટનાં કલેકટર પ્રભવ જોશીનો જીવદયા પ્રેમી અભિગમ


રાજકોટનાં કલેકટર પ્રભવ જોશીનો જીવદયા પ્રેમી અભિગમ

વરસાદી પાણીમાં નદીમાં બે દિવસ સુધી ફસાયેલી ગાયને બચાવવા સમગ્ર તંત્ર અને એનિમલ હેલ્પલાઈનની ટીમને કામે લગાડી

સતત ૪ કલાક સુધી ૬ વખત ગાયને બચાવવાનો પ્રયાસ કર્યા બાદ તેનો જીવ બચ્યો

રાજકોટ દર વખતે કુદરતી આપત્તિઓ આવે ત્યારે એનિમલ હેલ્પલાઈનની ટીમ પશુ, પક્ષીઓનાં રક્ષણ માટે તૈયાર જ હોય છે. રાજકોટમાં પડેલા અનરાધાર વરસાદના કારણે માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ અબોલ જીવોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળ્યો હતો. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનની કર્મયોગી ટીમ દ્વારા હરહંમેશની જેમ જ ચાર દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૫૦૦ થી વધારે અબોલ જીવોનું રેસ્કયુ કરી સારવાર આપવામાં આવી હતી.
અતિભારે વરસાદના પગલે પશુ-પક્ષીઓની પણ કફોડી હાલત થઈ હતી. જેના કારણે સંસ્થાના તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, ડ્રાઈવર્સ અને સભ્યો છેલ્લા ચાર દિવસથી રાત-દિવસ ખડેપગે રહ્યા હતા. આ સાથે પશુ, પક્ષીઓ માટે સારવાર, દવા, ચણ, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જરૂરી લાગતા પશુ-પક્ષીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. ઘણા વિસ્તારોમાં બાઈક લઈને અથવા તો કેટલાક કિલોમીટર ચાલીને પણ પશુ, પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા.
રાજકોટથી ૧૦૧ કિલોમીટર દુર વિછીયા તાલુકામાં આવેલા ગૌરૈયા ગામ ખાતે બે દિવસથી સતત વરસતા વરસાદમાં વરસાદી પાણીમાં વહેતી નદીમાં એક ગાય ફસાઈ ગઈ હતી. રાજકોટનાં જીવદયાપ્રેમી કલેકટર પ્રભવ જોશીને જાણ થતા તેમણે પ્રાંત અધિકારી ભીષ્માબેન રાઠવાને ગાયનું રેસ્ક્યુ કરવા માટે સૂચના આપી હતી એ પછી તેમણે એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો. ફાયર બ્રિગેડ, એનિમલ હેલ્પલાઈનની ટીમ, જસદણનાં મામલતદાર, તલાટી, સરપંચ અને ગામલોકો થઈને કુલ ૧૫૦ જેટલાં લોકોએ ૬ વખત ગાયને બચાવવાનો પ્રયત્ન કરી, ૪ કલાકનાં રેસ્ક્યુ ઓપરેશન બાદ ગાયને બચાવવામાં આવી હતી. એક ગાયને બચાવવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું હતું. એક સમયે ગાયને બચાવવા માટે હેલિકોપ્ટરની સહાય લેવા માટે પણ તંત્રએ તૈયારી બતાવી હતી.
અત્રે ઉલેખ્ખનીય છે કે રાજકોટમાં છેલ્લા ૨૧ વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. સંસ્થાની ૨૧ વર્ષની સેવા યાત્રાની સફળતામાં સંસ્થાના કર્મયોગી ડોકટર્સ તેમજ અન્ય ૭૦ જેટલા કર્મયોગી કર્મચારીઓની રાત-દિનની જહેમત પણ રંગ લાવી છે. છેલ્લા ૨૧ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું 'મોબાઇલ પશુ ચિકિત્સાલય', 'એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ' સ્વરૂપે સેવારત કરાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.