પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત બેઠક યોજાઈ
ગોધરા
"ઘૃણાના કલંકનો અંત લાવીએ,ગૌરવને સ્વીકારીએ"રક્તપિત્ત નિર્મૂલન - સૌની જવાબદારી,આવો સાથે મળીને રક્તપિત્તને નાબૂદ કરીએ.
ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને "રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ" અંતર્ગત સ્પર્શ લેપ્રેસી અવરનેસ કેમ્પેનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આ અભિયાનને સફળતાપૂર્વક પાર કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,ઘરે ઘરે જઈને રક્તપિત્ત અંગેનો સર્વે કરવા માટે આશાવર્કર અને અન્ય આરોગ્ય કર્મચારીઓ/કાર્યકરોને તાલીમ આપવામાં આવે. રક્તપિત્તને લગતુ સાહિત્ય વહેચવામાં આવે તથા લોકોને રક્તપિત્તની સાચી સમજણ આપી જાગૃતિ ફેલાવવામાં આવે તે મુજબ કાર્ય કરવા સૂચનો કર્યા હતા. તેમણે વિવિધ પ્રત્યાયનના માધ્યમો થકી યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. તેમણે ગ્રામ્ય કક્ષાની વિલેજ હેલ્થ સેનીટેશન એન્ડ ન્યુટ્રીશન કમીટી અને ગ્રામ પંચાયત સાથે મળીને રક્તપિત્ત અંગે જાગૃતિ ફેલાવવા આહવાન કર્યું હતું.
જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ.ગિરવર બારીઆએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” ની કામગીરી પંચમહાલ જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન હાથ ધરાનાર છે. જેમાં ગ્રામ્ય અને તાલુકા લેવલે રક્તપિત્ત નિર્મૂલન સબંધિત જિલ્લા કલેકટરશ્રીનો સંદેશ, સરપંચશ્રીનો સંદેશ, પ્રતિજ્ઞા અને પ્રશ્નોત્તરીનું આયોજન કરી ગ્રામજનોને રક્તપિત્ત રોગ અંગે સમજણ અપાશે.
આ અભિયાન દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ કો-ઓર્ડીનેશન કમીટીની મીટીંગ-તાલીમ, હાઉસ-ટુ-હાઉસ ઝુંબેશ, મોનીટરીંગ અને અભિયાન દરમિયાન ઘરે-ઘરે ફરીને લેપ્રસીના શંકાસ્પદ કેસની તપાસ કરશે. તમામ શંકાસ્પદ કેસનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી દ્વારા લેપ્રસીનું નિદાન કરીને, નિદાન કરેલ તમામ દર્દીઓને તરત જ લેપ્રસીની સારવાર કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મહેશ ચૌધરી, તમામ તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યશ્રીઓ હાજર રહ્યાં હતા.
રક્તપિત્તની બીમારીના ચિન્હો-લક્ષણો
રક્તપિત્તની બિમારીના લક્ષણોમાં આછું ઝાંખુ રતાશ પડતું સંવેદના વગરના ચાઠા શરીરના કોઈ પણ ભાગ પર થાય છે. હાથ પગમાં બહેરાશ (સંવેદનાનો અભાવ) સહિતના છે. જોકે રક્તપિત્તનું સમયસર નિદાન નહીં થવાથી હાથ પગ, આંખમાં વિકૃત્તિ જેમ કે આંગળીઓ વળી જવી, આંખો પૂરી બંધ થાય નહી સહિતની જોવા મળે છે. તમામ સરકારી દવાખાનામાં રક્તપિત્તની સારવાર વિના મૂલ્યે મળે છે. જેને સમયસર નિદાન અને નિયમિત સંપૂર્ણ સારવાર કરવાથી આ રોગ મટી શકે છે અને વિકૃતિ અટકાવી શકાય છે.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.