મોરબી રોડ જકાતનાકા પાસે ટ્રકની હડફેટે શિક્ષિકાનું કમકમાટીભર્યું મોત
શહેરમાં માતેલા સાંઢની માફક દોડતા કાળમુખા ટ્રક અવારનવાર લોકોની ઝીંદગીને રોળી નાંખે છે. ત્યારે વધું એક જીવલેણ અકસ્માત સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મોરબી રોડ જકાતનાકા પાસે પુરપાટ ઝડપે આવેલાં ટ્રકના ચાલકે એક્ટીવા સવાર શિક્ષિકાને હડફેટે લઈ તેણીને તોતિંગ વ્હીલ નીચે કચડી નાંખતા શિક્ષિકાનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને કાળો કલ્પાંત મચાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે આવેલ આર.કે. ડ્રીમ લેન્ડ રેસિડેન્સીમાં રહેતાં સ્નેહલબેન બ્રિજેશકુમાર પોપટ (ઉ.વ.42) રેલનગરમાં આવેલ કર્ણાવતી સ્કૂલમાં ઇંગ્લિશ વિષયના શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં.
તેઓ આજે સવારે કર્ણાવતી સ્કૂલે નોકરી પર ગયાં હતાં. જ્યાંથી સાડા બાર વાગ્યાની આસપાસ નોકરી પુરી કરી સ્કુલેથી પોતાના ઘરે જવા એક્ટિવા લઈ નીકળ્યાં હતાં. રસ્તામાં તેઓ મોરબી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઊભાં રહ્યાં હતા.
જે બાદ તેઓ ત્યાંથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે જુના જકાતનાકા વેલનાથપરા નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલા કાળમુખા ટ્રકના ચાલકે શિક્ષિકાને એક્ટિવા સમેત હડફેટે લઈ શિક્ષિકાને ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતાં અને શિક્ષિકાના આઈકાર્ડ પરથી સ્કૂલનો સંપર્ક કરી પરિવારને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને આક્રંદ મચાવ્યો હતો. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક શિક્ષિકાના પતિ અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.