રાજકોટ મનપાનું વર્ષ 2024-25નું 2817.81 કરોડનું બજેટ રજૂ કરતા કમિશ્નર : 17.77 કરોડના કરબોજની દરખાસ્ત
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024-25નું રૂા.2817.81 કરોડનું બજેટ આજે મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલે મહાનગરપાલિકાની સ્ટે.કમીટીના ચેરમેન જયમીન ઠાકરને સોંપેલ હતું. મહાનગરપાલિકાના આ બજેટમાં રૂા.17.77 કરોડના કરવેરા વધારવા માટે મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના આ બજેટમાં શહેરના વિકાસને નવી દિશા આપવા માટે અનેક નવી યોજનાઓ-વિકાસ કામોની જોગવાઇ કરવામાં આવી છે. તેની સામે 17.77 કરોડનો નવા કરબોજ માટે દરખાસ્ત મૂકવામાં આવેલ છે. જેમાં મિલ્કત વેરો યથાવત રાખવામાં આવેલ છે. જયારે રહેણાંકમાં પાણી વેરામાં રૂા. 1500નો ચાર્જ હાલ લેવાઇ રહ્યો છે.
તેમાં વધારો કરી રૂા.1600 કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે આવી જ રીતે કોમર્શિયલ પાણી વેરાના દરોમાં પણ વધારો સૂચવવામાં આવેલ છે. કોમર્શિયલ પાણી વેરામાં રૂા.3000નો હાલ ચાર્જ લેવામાં આવી રહ્યો છે તેમાં વધારો કરી 3200નો ચાર્જ લેવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ગાર્બેજ કલેકશનમાં રૂા.365નો વેરો હાલ લેવામાં આવી રહ્યો છે જેના રૂા.730 કરવા, ગાર્બેજ કલેકશન કોમર્શિયલ વેરામાં રૂા.1460ના બદલે 1825કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મિલ્કત, નામ ટ્રાન્સફર, નળ કનેકશન તેમજ જુદી જુદી યોજનાઓની ફીમાં પણ વધારો કરવાની દરખાસ્ત આ બજેટમાં રજૂ કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલનું આ પ્રથમ બજેટ છે. જેમાં શહેરમાં જુદી જુદી નવી યોજનાઓ મૂર્તિમંત કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. જેમાં રૈયાથી સ્માર્ટ સીટી તરફ જતા રોડ પરના બ્રીજ માટે રૂા. 13 કરોડની જોગવાઇ કરાયેલ છે. આ જ રીતે સાંઢીયા પુલને નવો બનાવવા માટે રૂા. 63 કરોડની જોગવાઇ કરાયેલ છે. જયારે નવા 150 ફુટ રીંગ રોડ પર ત્રણ જેટલા બ્રીજને પહોળા કરવા માટે રૂા.10 કરોડ તેમજ કાલાવડ રોડ પરની કટારીયા ચોકડીએ બ્રીજ નિર્માણ માટે રૂા. 165 કરોડ જોગવાઇ કરવામાં આવી છે.
આવી જ રીતે શહેરના પી.ડી.એમ. ફાટક પર બ્રીજના નિર્માણ માટે રૂા. 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથોસાથ શહેરની શાન વધુ વિસ્તરે તે માટે આજી રીવરફ્રન્ટ બનાવવા માટે રૂા. 187 કરોડ, લાલપરી તળાવના ડેવલપમેન્ટ માટે રૂા.120 કરોડ, સ્માર્ટ સીટીમાં શહીદ પાર્ક બનાવવા માટે રૂા. 5 કરોડ ઉપરાંત મોટા મવામાં તળાવના નિર્માણ માટે રૂા.8.50 કરોડ તેમજ માધાપર વિસ્તારમાં સ્પોર્ટ સંકુલના નિર્માણ માટે રૂા. 1.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તેની સાથોસાથ શહેરના વિકસીત અને નવા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો અને લાયબ્રેરીની સુવિધા વિકસાવવા માટે પણ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી પુરવઠા, ડ્રેનેજ, તળાવ, રોડ, રસ્તા સહિતના વિકાસ કામો માટે પણ ખાસ બજેટ અલગથી ફાળવી જોગવાઇ કરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.