રાજકોટ સિટી બસના 11 કંડક્ટરોને પાણીચું: 20 ખુદાબક્ષો પકડાયા - At This Time

રાજકોટ સિટી બસના 11 કંડક્ટરોને પાણીચું: 20 ખુદાબક્ષો પકડાયા


રાજકોટ મહાનગર પાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા આજે સિટી બસ અને બીઆરટીએસનો સાપ્તાહિક કામગીરીનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. કામમાં બેદરકારી બદલ 11 કંડક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બસ ઓપરેટર એજન્સી, ફેર કલેક્શન એજન્સી અને સિક્યુરિટી એજન્સીને આકરો દંડ ફટકારાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત સપ્તાહે સિટી બસ-93945 કિલોમીટર સુધી ચાલી હતી. જેમાં 1,87,981 મુસાફરોએ લાભ લીધો હતો. સિટી બસની ઓપરેટર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 5,975 કિ.મી.ની પેનલ્ટી મુજબ 2.09 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોર્ડનને રૂ.23 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી છે. ગેરરિતી સબબ આઠ કંડક્ટરોને હંગામી ધોરણે જ્યારે ત્રણ કંડક્ટરોને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સિટી બસમાં 20 મુસાફરો ટિકિટ લીધા વિનાના પકડાતા તેઓની પાસેથી 22,00 રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. છેલ્લાં એક સપ્તાહમાં બીઆરટીએસ બસ 48,700 કિલોમીટર ચાલી હતી અને તેમાં 1,84,331 મુસાફરોએ લાભ લીધો હતો. કામમાં ગેરરિતી સબબ એક્સ આર્મીમેન અને સિક્યુરિટી સેવા પૂરી પાડતી રાજ સિક્યુરિટીને રૂ.300ની પેનલ્ટી ફટકારવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.