વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરૂધ્‍ધ મહિલા આગેવાન પર હુમલાનો ગુનો દાખલ થયો - At This Time

વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરૂધ્‍ધ મહિલા આગેવાન પર હુમલાનો ગુનો દાખલ થયો


રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ તિરૂપતિ સોસાયટી-૧૨માં રહેતાં વોર્ડ નં. ૧૮ના ભાજપ આગેવાન અને રાજકોટ શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ પ્રકાશબા લખધીરસિંહ ગોહિલ (ઉ.વ.૫૯) પર ઓગણીસ દિવસ પહેલા ગત તા. ૨૦/૭/૨૨ના રાતે નવેક વાગ્‍યે કોઠારીયા રોડ રણુજા મંદિરના પુલ પર વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર સંજયસિંહ ગુલાબસિંહ રાણાએ હુમલો કર્યો હતો અને ગાળો દીધી હતી. જે તે વખતે પોલીસે એનસી ગુનો નોંધ્‍યો હતો. પરંતુ પ્રકાશબાએ જી. ટી. શેઠ હોસ્‍પિટલમાં સારવાર કરાવતાં અંગુઠામાં ફ્રેકચરનો રિપોર્ટ આવ્‍યો હોઇ ઇજાનું સર્ટીફિકેટ પોલીસમાં રજૂ કરતાં પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો છે.

પ્રકાશબાની ફરિયાદ પરથી કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે. પ્રકાશબાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૨૦/૭ના રોજ હું તથા મહિલા કાર્યકર કાંતાબેન નસીત, ઉર્મિલાબેન ગોંડલીયા વોર્ડની કારોબારીની મિટીંગ પુરી કરી દેવાયતભાઇ હોલથી પગપાળા અમારા ઘર તરફ જતાં હતાં ત્‍યારે પાછળની સંજયસિંહ ટુવ્‍હીલર લઇને આવ્‍યા હતાં અને જાણી જોઇને મારી સાથે તેનું વાહન અથડાવી ‘મારા વિરૂધ્‍ધ મિટીંગમાં રજૂઆત કેમ કરો છો?' કહી ગાળો દીધી હતી અને એક્‍ટીવા પાછળ લઇ ફરીથી ભટકાવી મને પછાડી દેતાં જમણા હાથના અંગુઠામાં ઇજા થઇ હતી. હું ગભરાઇ જતાં સાથેના કાંતાબેન અને ઉર્મિલાબેન તથા બીજા લોકોએ મને છોડાવી હતી.
ત્‍યારે સંજયસિંહે મારી નાંખવાની ધમકી પણ આપી હતી. એ પછી તે ભાગી ગયેલ. ૧૦૮ બોલાવી સિવિલમાં સારવાર લીધી હતી. તે વખતે પોલીસે એનસી ફરિયાદ લીધી હતી. પણ વધુ દુઃખાવો થતો હોઇ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લેતાં અંગુઠામાં ફ્રેકચરનો રિપોર્ટ આવ્‍યો હતો. તેના આધારે પોલીસે વધારાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. હેડકોન્‍સ. એચ. એમ. ધરજીયાએ ગુનો દાખલ કર્યો છે. તિરૂપતી સોસાયટી વિસ્‍તારની ગંદકી બાબતે પ્રકાશબાએ રજૂઆત કરી હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયાનું જે તે વખતે જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.