જામનગરમાં લમ્પિ વાયરસ માટે ની મળેલી 169 ફરિયાદ પૈકી 43 ફરિયાદમાં ફોગટનો ફેરો
જામનગર,તા 1 ઓગષ્ટ 2022,સોમવાર જામનગર મહાનગરપાલિકા દ્વારા લમ્પિગ્રસ્ત ગાયોની સારવાર માટે પશુપાલન વિભાગના સહયોગથી નવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, અને ૯૦૯૯૧૧૨૧૦૧ નંબર પરથી લોકોની ફરિયાદો મેળવીને તે ફરિયાદનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે રવિવારના દિવસે મળેલી ૧૬૭ ફરિયાદો પૈકી ૪૩ ફરિયાદમાં મહાનગરપાલિકાની ટીમને ફોગટ નો ફેરો થયો છે, અને ત્યાં સ્થળ પર આવી કોઈ ગાય જોવા મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. જામનગર શહેરમાં લમ્પિ વાયરસ ના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી જુદી જુદી ટીમ કાર્યરત બની છે, જેના ભાગરૂપે ગઈકાલે એકમાત્ર રવિવારના દિવસે જ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં ૧૬૭ ફરિયાદો આવી હતી, જે ફરિયાદોનો નિકાલ કરવા માટે ટીમને દોડતી કરાવવામાં આવી હતી. અને લમ્પિગ્રસ્ત ગાયને સ્થળપર સારવાર અને વેકશીન મળે તે પ્રક્રિયાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં ૪૩ ફરિયાદ એવી હતી, કે જે ફરિયાદના નિકાલ માટેની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ગાય તે વિસ્તારમાં ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આસપાસના એરિયામાં શોધખોળ કર્યા પછી પણ ગાય નહીં દેખાતાં તંત્રને ફોગટનો ફેરો થઈ રહ્યો છે, અને પશુ ચિકિત્સક સહિતની ટીમનો સમય ફરિયાદના નિકાલ માટે ગાયોને શોધવા માટે વીતી જાય છે. જેથી અન્ય ફરિયાદનો નિકાલ કરવામાં પણ સમય લાગે છે. જેને લઈને જામનગરના જાગૃત નાગરિકોએ આ બાબતે ખાસ તકેદારી રાખવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, ડી.એમ.સી.એ.કે.વસ્તણી તેમજ સીટી ઇજનેર ભાવેશ જાની દ્વારા અનુરોધ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.