ભાસ્કર વિશેષ:ઓપન એઆઈ ‘સ્ટ્રોબેરી’ લાવશે, જે માણસોની જેમ વિચારીને જવાબ આપશે, ગણિત-વિજ્ઞાનના જટિલ સવાલોને પણ પળવારમાં હલ કરશે
ચેટ જીપીટી નિર્માતા ઓપન એઆઈ હાલ એક નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે, જેને ‘સ્ટ્રોબેરી’ નામ અપાયું છે. આ પ્રોજેક્ટનો હેતુ એઆઈ મૉડલ્સની એડવાન્સ રિઝનિંગમાં સુધારો કરવાનું છે. હાલ ઉપલબ્ધ એઆઈ મૉડલ્સ ડેટાના આધારે જ સવાલોના જવાબ આપવામાં અથવા કોઈ અન્ય ટાસ્ક કરવામાં સક્ષમ છે. તે મનુષ્યની વિચારસરણી તેમજ તર્કશક્તિ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ છે. તેથી ‘સ્ટ્રોબેરી પ્રોજેક્ટ’નો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ‘સ્ટ્રોબેરી’ મૉડલ એક એવી ટેક્નોલોજી પર આધારિત છે જે એઆઈ મોડલને સવાલોના જવાબ આપવામાં જ સીમિત નથી રાખતું, બલકે તેને એ રીતે સક્ષમ બનાવે છે કે તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કન્ટેન્ટને નેવિગેટ પણ કરી શકે છે અને સંશોધન કરી શકે છે.
હાલમાં ઉપલબ્ધ લાર્જ લેંગ્વેજ મોડલ લાંબા રિપોર્ટનો સારાંશ આપવા માટે સક્ષમ છે, પરંતુ આ મોડલો માણસોની જેમ લેખો લખી શકતા નથી અને માનવીની જેમ ઊંડાણપૂર્વક સંશોધન કરી શકતા નથી. આવી સ્થિતિમાં તાજેતરનાં મોડલો ઘણીવાર ખોટી માહિતી આપે છે. ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું છે કે ‘સ્ટોબેરી’ પ્રોજેક્ટ એઆઈ મોડલ્સને આ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવશે. કંપનીનું કહેવું છે કે અમે ઈચ્છીએ છીએ કે આ એઆઈ મોડલ અમારી જેમ દુનિયાને જોઈ અને સમજી શકે. ‘સ્ટોબેરી’ મોડલ સત્તાવાર રીતે ક્યારે માર્કેટમાં આવશે તે અંગે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. કંપનીએ આ પ્રોજેક્ટને ગુપ્ત રાખ્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે એક આંતરિક બેઠકમાં પ્રોજેક્ટનો ડેમો બતાવવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે માણસ જેવી તર્ક કુશળતા ધરાવે છે. મૉડલના આંતરિક પરીક્ષણે ચૅમ્પિયનશિપ બેન્ચમાર્ક મેથેમેટિક્સ ડેટા સેટમાં ગણિતના કોયડા ઉકેલી 90%થી વધુ સ્કોર હાંસલ કર્યો છે. અન્ય સ્રોત અનુસાર, ‘સ્ટોબેરી’ વર્તમાન એઆઈ મોડલ્સને એવી રીતે ટ્રેન્ડ કરે છે કે તે ભવિષ્ય માટે પ્લાન કરી શકે અને વાસ્તવિક દુનિયાની ઘટનાઓને સારી રીતે સમજી શકે. ‘સ્ટ્રોબેરી’ મોડલ સ્ટેનફોર્ડ ખાતે વિકસિત ‘સેલ્ફ-ટૉટ રિઝનર’ દ્વારા પ્રેરિત
‘સ્ટોબેરી’ જે રીતે કામ કરે છે તે સ્ટેનફોર્ડમાં વિકસિત ‘સેલ્ફ-ટૉટ રિઝનર’ ટેક્નોલોજીથી પ્રેરિત છે. આ પદ્ધતિ એઆઈ મોડલ્સને પોતાને ટ્રેન્ડ કરવા અને ઉચ્ચ બુદ્ધિ સ્તર સુધી પહોંચવાની ક્ષમતા પ્રદાન કરે છે. ‘સ્ટોબેરી’ ખાસ કરીને તાજેતરના એઆઈ મોડલ્સને અનુરૂપ બનાવવા માટે ‘પોસ્ટ-ટ્રેનિંગ’નો ઉપયોગ કરશે. આ સાથે તે આપેલ કાર્યને વધુ સારી રીતે કરી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.