તાલાલા પંથકનું હિર,પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત હિરબાઈબેન લોબી નું નિધન:અંતિમવિધિ માં સ્થાનિક પ્રશાસન જોડાયું
|| તાલાલા પંથકનું હિર,પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત હિરબાઈબેન લોબી નું નિધન:અંતિમવિધિ માં સ્થાનિક પ્રશાસન જોડાયું ||
•••••••••••••••••••••••••••••••••••••••••••••••
માત્ર બે ચોપડી ભણેલા હિરબાઈ બેન લોબી મહિલા ઉત્કર્ષ ની મિશાલ હતાં:અનેક મહિલાઓની તકદીર બદલનાર ગીર નાં હીર ની વિદાય થી તાલાલા પંથક શોકમય
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
તાલાલા પંથકની અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવનાર,પદ્મ શ્રી એવોર્ડ સાથે રાષ્ટ્રીય સન્માન મેળવનાર જાંબુર ગીર ગામના આદિવાસી સિદી બાદશાહ મહિલા અગ્રણી હિરબાઈબેન ઈબ્રાહિમભાઈ લોબી ઉ.વ.૭૦ નું વહેલી સવારે હૃદયરોગ નો તિવ્ર હુમલો આવતા નિધન થયું છે.
તાલાલા ગીરથી આઠ કિ.મી.દુર જાંબુર ગીર ગામના માત્ર બે ચોપડી ભણેલા આદિવાસી સિદી બાદશાહ મહિલા અગ્રણી હિરબાઈબેન સાસણગીર રેલ્વે સ્ટેશન માં ટ્રેન આવે ત્યારે ટ્રેનમાં કરમદા અને રાવણા વેચતા હતા.પિતાની વારસાઈ ની થોડી જમીન મળતા પરિવાર સાથે જાંબુર ગીર ગામે આવતા રહ્યા હતા.જાંબુર ગીર ગામે ગરીબ આદીવાસી સિદી બાદશાહ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલા મંડળની સ્થાપના કરી મહિલા ઉત્કર્ષની કામગીરી શરૂ કરી હતી.ગીરનું હિર હિરબાઈબેને જાંબુર ગીર સહિત ગરીબ આદિવાસી સિદી બાદશાહ સમાજની અનેક મહિલાઓને પગભર કરી મહિલાઓની તકદીર બદલી નાખી હતી.નિષ્ઠા થી કરેલ સેવા કદી ફોગટ જતી નથી..મહિલા ઉત્કર્ષની મિશાલ હિરબાઈબેન ની પરોપકારી સેવાની નોંધ લઈ સ્વિત્ઝર્લેન્ડ સ્થિત વિમેન્સ વર્લ્ડ કમિટી ફાઉન્ડેશન જીનીવા દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓનાં ઉત્કર્ષ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વની ૩૨ મહિલાઓને જે તે વખતે ૫૦૦ ડોલર(રૂ.૨૫ હજાર)નો એવોર્ડ આપી સન્માનિત કરેલ જેમાં ભારતના ગુજરાતના એક માત્ર હિરબાઈબેને એવોર્ડ મેળવ્યો હતો.એવોર્ડ સાથે આવેલ રૂ.૨૫ હજાર ની રકમ ધાર્મિક કાર્યો તથા બાલવાડી માં ભણતા આદિવાસી ભુલકાઓ નાં વિકાસ માટે આપી દીધાં..આ ઉપરાંત ૨૦૦૬ માં મુંબઈ ખાતે જયા બચ્ચન નાં વરદહસ્તે જાનકી દેવી એવોર્ડ તથા તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જુનાગઢ ખાતે સમાજસેવા તથા મુંબઈ ખાતે પ્રિયા દત્ત નાં હસ્તે મહિલા ઉત્કર્ષ સહિત હિરબાઈબેન વિવિધ ૧૬ એવોર્ડ થી સન્માનિત થયા હતા.અનેક એવોર્ડ થી સન્માનિત મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવનાર હિરબાઈબેન ની સેવાની નોંધ લઈ કેન્દ્ર સરકારે ૨૦૨૩ માં પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ નાં વરદહસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ શ્રી એવોર્ડ થી સન્માન કર્યું હતું.
રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ સ્વિકારતી વખતે હિરબાઈબેને નિષ્ઠા થી કરેલ સેવા કદી ફોગટ જતી નથી તેવા શબ્દો ઉદગાર્યા હતા.શુક્રવારે વહેલી સવારે હિરબાઈબેન ને હૃદયરોગ નો તિવ્ર હુમલો આવતા તાલાલા દવાખાને લાવેલ જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.બપોર બાદ જાંબુર ગીર નગારચી પીર દરગાહે થી અંતિમયાત્રા નીકળી હતી જેમાં તાલાલા મામલતદાર સતિષકુમાર જાંબુચા,તાલુકા વિકાસ અધિકારી કે.બી.પરમાર,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસ,પી.આઈ.જે.એન.ગઢવી તથા પોલીસ સ્ટાફ વિગેરે સ્થાનિક પ્રશાસન નાં અધિકારી ઉપરાંત માધુપુર-જાંબુર ગીર ગામના સરપંચ વિમલભાઈ વાડોદરીયા,જાવંત્રી ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચ વિગેરે ગામના સરપંચો,સિદી આદીવાસી સમાજના પટેલ સુલતાનભાઈ,દરગાહ ટ્રસ્ટના પ્રમુખ સોહિલભાઈ મજગુલ,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બારડ વિગેરે અગ્રણીઓ બહોળી સંખ્યામાં લોકો જોડાઈ ગીરના ગૌરવ હિરબાઈબેન ને અંતિમ વિદાય આપી હતી.
|| હિરબાઈબેન નું સ્વપ્ન અધુરૂં રહ્યું ||
••••••••••••••••••••••••••••••••••••••••••••••
દેશ-વિદેશમાં તાલાલા પંથકનું ગૌરવ વધારનાર ગીરનું હિર હિરબાઈબેન નું સ્વપ્ન જાંબુર ગીર ગામમાં રમતગમત મેદાન સાથે સ્પોર્ટ્સ સ્કુલ માટે જમીન પ્રાપ્ત કરવાનું હતું.અગાઉ જમીન મળી હતી પરંતુ આ જમીન ગૌચર ની હતી માટે નામંજૂર થઈ..ગામના ખડતલ યુવાનો અત્યારે રમતગમત ક્ષેત્રે આગળ ધપી રહ્યા છે.ગામને જમીન મળી જાય તો સિદી સમુદાયના બાળકો માટે સ્પોર્ટ્સ સ્કુલ ની સુવિધા મળે..બાળકોના સર્વાંગી વિકાસ માટે જમીન મેળવવાનું હિરબાઈબેન નું સ્વપ્ન અધુરૂં રહી ગયું...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
