વેચાણ હાટ થકી બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને મળ્યું પ્રેરકબળ : પ્રાકૃતિક ખેતપેદાશોનાં ગ્રાહકોને સીધા વેચાણ થકી ખેડૂતોને મળી રહ્યો છે બમણો લાભ - At This Time

વેચાણ હાટ થકી બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને મળ્યું પ્રેરકબળ : પ્રાકૃતિક ખેતપેદાશોનાં ગ્રાહકોને સીધા વેચાણ થકી ખેડૂતોને મળી રહ્યો છે બમણો લાભ


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અન્વયે પ્રાકૃતિક કૃષિને સતત વેગ મળે તે માટે રાજ્ય સરકારશ્રી નિરંતર સુકાર્યરત છે. આપણાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરણા તેમજ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરળતાથી બજાર મળી રહે તે માટે બોટાદ જિલ્લામાં વેચાણ હાટ શરૂ કરાયા છે, જેનું પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા દ્વારા સુપેરે સંચાલન કરવામાં આવી રહ્યું છે. સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં હોય કે બોટાદ જિલ્લા પંચાયત ખાતે ખેડૂતો તેમના દ્વારા ઉત્પાદિત પેદાશોનું વેચાણ સીધું જ ગ્રાહકોને કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાળંગપુર ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે પધરાતા હોય છે. જેનો લાભ ખેડૂતોને પણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કષ્ટભંજન દેવ મંદિર પરિસર ખાતે જ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના સ્ટોલ ઉભા કરાયા જેમાં જિલ્લાભરના ખેડૂતોએ સારી આવક મેળવી છે.

આત્માનાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીનાં જણાવ્યા મુજબ વર્ષ 2023-24માં ખેડૂતોને ગોળ, ઘી, ડ્રેગનફ્રુટ, શાકભાજી, ઘઉં, કઠોળ, ગાયના ગોબરની પ્રોડક્ટ, ફળોના જામ, ખારેક, મસાલા, પેંડા સહિતની વસ્તુઓનું કુલ વેચાણ 32 લાખથી પણ વધુ થયું હતું. આમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર, ક્લસ્ટર બેઝ ખેડૂતો દ્વારા થતું સ્વતંત્ર વેચાણ અને ખેડૂતો દ્વારા ગ્રાહકોને થતાં સીધા વેચાણનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક કૃષિ થકી ખેડૂતોને તો લાભ થઈ જ રહ્યો છે સાથોસાથ જમીન, પર્યાવરણ અને સ્વસ્થ જીવન માટે પણ પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે બોટાદ જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે તથા ખેડૂતો પોતાના પેદાશોનુ વેચાણ કરી શકે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.