કરિયાણાનો સામાન લેવા જતી વૃદ્ધાને વાહને અડફેટે લેતા મોત
વડોદરા,જે.પી.રોડ પર કરિયાણાનો સામાન લેવા માટે જતી વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યારે તરસાલી બ્રિજ પાસે વાહનની અડફેટે શ્રમજીવીનું મોત થયું છે.સુરત થી અમદાવાદ જતા હાઇવે પર તરસાલી બ્રિજ ચડતા પહેલા રોડ પર ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે ચાલતા જતા રતિલાલ જેઠાભાઇ રોહિત (રહે.દીવાળીપુરા તરસાલી શાક માર્કેટ પાસે) ને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથા અને શરીર પર ગંભીર ઇજા થઇ હતી.ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે આવેલી એમ્બ્યુલન્સના એટન્ડન્ટે તેઓને મૃત જાહેર કર્યા હતા.મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.જ્યારે અન્ય એક બનાવમાં ઓલ્ડ પાદરા રોડ પર ટયૂબ કંપનીમાં પતિ રણજીતભાઇ સાથે રહેતા જમનીબેન (ઉ.વ.૬૦) ગત તા.૧ લી એ સાંજે પાંચ વાગ્યે ચાલતા કરિયાણાનો સામાન લેવા માટે ગયા હતા.તે દરમિયાન એક વાહન ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બીજી તરફ જમનીબેન ઘરે પરત નહી આવતા તેમના પુત્ર તથા અન્ય સગાઓએ તેઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, તેઓની કોઇ ભાળ મળી નહતી.જેથી,ગત તા.૭ મી એ તેઓ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરવા ગયા હતા.ત્યારે પોલીસ દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી કે,જમનીબેનને અકસ્માતમાં ઇજા થઇ છે.અને તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ગઇકાલે સવારે તેઓનું અવસાન થયું હતું.જે.પી.રોડ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.