નવરાત્રિના પાંચમા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર સમાજના મણિયારા અને રાસડાઓ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. - At This Time

નવરાત્રિના પાંચમા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર સમાજના મણિયારા અને રાસડાઓ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા.


*ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ માં રૂપિયા 25 લાખનું ઈનામ પ્રાપ્ત કરનાર શિશલી ગામની દીકરી જયાબેન ઓડેદરાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.* ગોસા(ઘેડ) પોરબંદર તા. 08 શ્રી મહેર સમાજ – શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – ૨૦૨૪માં પાંચમાં નોરતે છેલ્લા ત્રણ દિવસની જેમ આજે પણ સમગ્ર ગ્રાઉન્ડ સમાજના ખેલૈયાઓ અને તેઓને નિહાળવા પધારેલ જ્ઞાતિજનોથી છલકાઈ ગયું હતું. આજે પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં પ્રસ્તુત મેર લાડાઓના બળકટ ભાવોને રજૂ કરતાં મણિયારા રાસ અને મેરાણીઓના ઉર્મિસભર રાસડાઓના ગુંજરવથી પાસેનો સમંદર પણ જાણે કે થંભી ગયો હોય તેવો ભાસ થતો હતો.
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતીક છે. માતાજીના સ્વરૂપની આ પ્રાસંગિકતા અનુસાર મહેર મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ માતાજીની આરતી સાથે નવરાત્રિના પાંચમા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજે યુકે થી પધારેલ સંસ્થાના પ્રમુખશ્રી અને આ સમગ્ર કાર્યક્રમના પ્રેરક અને માર્ગદર્શક વિમલજીભાઈ ઓડેદરા અને સંસ્થાના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓનો ઉત્સાહ જાણે કે પાસે જ ઘૂઘવતા સમંદરની ગહેરાઈઓને પડકારતો હોય એમ સાતમા આસમાને હતો. તાળી રાસ, દાંડિયા રાસ, મણિયારો રાસ જેવા રાસના લગભગ દરેક સ્વરૂપોને ખેલૈયાઓએ મન ભરીને માણ્યા હતા. એટલું જ નહિ, જ્ઞાતિના લગભગ દરેક કાર્યક્રમોમાં પોતાનું ઇનોવેટીવ પ્રદાન કરતી રહેલી દીકરી નિલ્પાબેન મોઢવાડીયાએ કરેલા સૂચન ધ્યાને લઇ આજે કોઈ પણ જાતના મ્યુઝિક વગર શ્રી મહેર મહિલા મંડળની બહેનો દ્વારા ગવાયેલ લોકગીતના સુરે બહેનો દ્વારા પ્રાચીન રાસડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. માં લીરબાઈની આરતીમાં મોબાઈલની ફ્લેશ લાઈટના સહારે દિવડા ઝગમગ ગીત રજૂ થયું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની જવા પામ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં દેશનાk પ્રખ્યાત ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ માં ફિલ્મી દુનિયાના સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન સાથે હોટ શીટ પર બિરાજમાન થઈ રૂપિયા 25 લાખનું માતબર ઈનામ પ્રાપ્ત કરનાર શિશલી ગામથી જ્ઞાતિની મેઘાવી દીકરી જયાબેન ઓડેદરાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આ સમગ્ર નવરાત્રી કાર્યક્રમમાં જાહેરાતના માધ્યમથી ખાસ્સુ એવું અનુદાન આપનાર ઉપલેટા સ્થિત ડી. ડી.જવેલર્સના માલિકો તેમજ જીટીપીએલના માધ્યમથી સમગ્ર વિસ્તારમાં આપણી નવરાત્રિનું વિનામૂલ્યે પ્રસારણ કરી રહેલા રાજભા જેઠવાનુ સન્માન પણ આગેવાનો દ્વારા કરવામાં આવેલું હતું.
આજે આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં જિલ્લા કલેકટર શ્રી ધાનાણી સાહેબ, આરડીસી શ્રી રાયજાદા સાહેબ, ડી.વાય.એસ.પી. ઋતુરાબા, આઇ.એમ.એ.ના સિનિયર ડોકટરો, પોરબંદર ન્યાયતંત્રમા ફરજમાન વિવિધ જજો તેમજ અન્ય અધિકારીશ્રીઓ પરિવાર સાથે પધારેલ હતા. આ ઉપરાંત શ્રી મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ શ્રી વિરમભાઇ ગોઢાણીયા, શ્રીમતી હીરાંબેન અર્જુનભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, ભુરાભાઈ કારાવદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, પ્રતાપભાઈ બોખીરીયા, મસરીજી ઓડેદરા, અશોકજી ઓડેદરા, રાણાભાઇ સિડા, વિંજાભાઈ ઓડેદરા રામભાઇ જાડેજા, અરજનભાઈ કેશવાલા (રાજકોટ), ભીખુભાઈ સોપારીવાળા, માલદેભાઈ ગરેજા, કરશનભાઈ ઓડેદરા (મહેર આર્ટ પરિવાર), લાખણશી ભાઈ ગોરાણીયા, જ્ઞાતિના ડૉ. રામદેભાઈ રાતાડીયા, ડૉ.મહેન્દ્રભાઈ ઓડેદરા, ડૉ.કરણભાઈ કેશવાલા સહિતના જ્ઞાતિના ડૉક્ટર પરિવાર તેમજ કનુભાઈ ઓડેદરા, અરભમભાઈ ચુંડાવદરા, શાંતિબેન ઓડેદરા, જયભાઈ ઓડેદરા સહિતના જ્ઞાતિના વકીલ પરિવાર તેમજ ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ, ડૉ .સુરેશભાઈ ગાંધી તેમજ પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ભાઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પોતાના વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને સંસ્થાના કાર્યકર્તાઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. દરરોજની જેમ આજના આ કાર્યક્રમનું સુંદર સંચાલન પણ ભાઈ શ્રી પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવેલું હતું.
નવરાત્રી રાસોત્સવના આ સમગ્ર આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા , ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, કન્વીર પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના કાર્યકર્તાઓ તથા મહેર મહિલા મંડળના બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.