લો બોલો...અયોધ્યામાં તિરૂપતિ લાડવાનો પ્રસાદ પહોંચ્યો હતો!:મંદિરના પૂજારીએ સ્વીકાર્યું, રામજીની પ્રાણપ્રતિષ્ઠામાં આવેલાં તમામ મહેમાનો માટે તિરૂપતિથી આવ્યા હતા 1 લાખ લાડુ - At This Time

લો બોલો…અયોધ્યામાં તિરૂપતિ લાડવાનો પ્રસાદ પહોંચ્યો હતો!:મંદિરના પૂજારીએ સ્વીકાર્યું, રામજીની પ્રાણપ્રતિષ્ઠામાં આવેલાં તમામ મહેમાનો માટે તિરૂપતિથી આવ્યા હતા 1 લાખ લાડુ


તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદે એક નવો વળાંક લીધો છે. 20 સપ્ટેમ્બરે અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોમાં તિરુપતિ મંદિરનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. હાલમાં જ લેબ ટેસ્ટના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં વપરાતા ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે પુષ્ટિ કરી હતી કે જાન્યુઆરીમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન તિરુપતિ મંદિરમાંથી 1 લાખ લાડુ અંદાજિત 300 કિલો 'પ્રસાદ' ભક્તોને આપવામાં આવ્યો હતો. પ્રસાદ પર રાજનીતિ તિરુપતિ લાડુ પ્રસાદમમાં પશુની ચરબીના કથિત ઉપયોગના વિવાદ વચ્ચે તેમની ટિપ્પણી આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ દાવો કરીને વિવાદ ઉભો કર્યો છે કે ગત સરકારના કાર્યકાળ દરમિયાન તિરુપતિના લાડુમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિપક્ષ YSRCPએ નાયડુ પર રાજકીય લાભ માટે "જઘન્ય આરોપો" કરવાનો આરોપ મૂક્યો, જ્યારે નાયડુની TDP એ દાવાને સમર્થન આપવા માટે એક લેબ રિપોર્ટ પબ્લિશ કર્યો. રામ મંદિરના પૂજારીએ નારાજગી વ્યક્ત કરી શુક્રવારે, અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ આંધ્રપ્રદેશના તિરૂપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના 'પ્રસાદ' (લાડુ) તૈયાર કરવા માટે વપરાતા ઘીમાં પશુની ચરબી મળવાથી નારાજગી વ્યક્ત કરી હતી. PTIએ દાસનો હવાલો આપતા કહ્યું, જો પ્રસાદમાં પશુની ચરબી હોય તો આ એક ગુનો છે. જેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. દાસે કહ્યું કે, આ હિન્દુ આસ્થા સાથે ખિલવાડ છે. આ મામલાની તપાસની માગ કરી અને ગુનેગારો માટે કડક કાર્યવાહીની માગ કરી. મંદિરનું સંચાલન હિન્દુ સમુદાયને સોંપો: VHP વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ પણ આ આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી હતી. જેમાં આંધ્ર પ્રદેશ સરકાર મંદિરનું નિયંત્રણ અને સંચાલન હિંદુ સમુદાયને સોંપવાની માંગણી કરી હતી. VHPના જનરલ સેક્રેટરી બજરંગ બાગરાએ પણ દેશભરના તમામ મંદિરો અને અન્ય હિંદુ ધાર્મિક સ્થળોને સરકારી નિયંત્રણમાંથી "મુક્ત" કરવાની હિમાયત કરી અને તિરુપતિ લાડુ પ્રસાદમની અપવિત્રતામાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી. આ મામલે આક્ષેપો અને રાજકારણ વચ્ચે જાણો અયોધ્યાના સંતોનો અભિપ્રાય... રામ મંદિરના મુખ્ય આરાધક આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું- આંધ્રપ્રદેશથી તિરુપતિના 1 લાખ લાડુ અયોધ્યા લાવવામાં આવ્યા હતા. ટીટીડી પ્રતિનિધિમંડળ આ લાડુઓ મોટા બોક્સમાં પેક કરીને લાવ્યા હતા. આ પ્રસાદ રામ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો. જો તેમાં પશુની ચરબી ભેળવવામાં આવી હતી તો તે ક્ષમાપાત્ર ન હોઈ શકે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કેવી રીતે સામે આવ્યો આ વિવાદ... કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) છેલ્લાં 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યાર બાદ જગન સરકાર (YSRCP)એ 5 કંપનીને સપ્લાયનું કામ આપ્યું હતું. આમાંની એક એઆર ડેરી ફૂડ્સ ડિંડીગુલ, તામિલનાડુ સ્થિત છે, જેની પ્રોડક્ટમાં આ વર્ષે જુલાઈમાં ખામી જોવા મળી હતી. સીએમ નાયડુએ ઘીમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો મુખ્યમંત્રી નાયડુએ પણ ઘી મુદ્દે ફરી નિવેદન આપ્યું. પ્રકાશમ જિલ્લામાં એક સભામાં બોલતાં નાયડુએ કહ્યું હતું કે જ્યારે બજારમાં ઘી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું ત્યારે જગન સરકારે 320 રૂપિયામાં કિલો ઘી ખરીદ્યું હતું. આવી સ્થિતિમાં સપ્લાયર દ્વારા ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવી જોઈએ. જગન સરકાર દ્વારા ઓછી કિંમતના ઘીની ખરીદી અંગે તપાસ થશે. પશુઓની ચરબીવાળા ઘીમાંથી બનેલા લાડુથી તિરુપતિ મંદિરની પવિત્રતાને ડાઘ લાગ્યા છે. સીએમ નાયડુએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ જગન સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ માટે વપરાતા ઘીમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. ટીડીપીએ પણ લેબ રિપોર્ટ બતાવીને પોતાના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડવા અને પ્રખ્યાત તિરુપતિ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળના આરોપો બાદ હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હૈદરાબાદના સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં વકીલે આ ફરિયાદ નોંધાવી છે. આંધ્રપ્રદેશમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)માં લાડુની પવિત્રતા અંગેના વિવાદ વચ્ચે, મંદિર પ્રબંધન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ કહ્યું કે પ્રસાદમ હવે સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર છે. અમે તેને આગળ પણ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ટીડીપીની સરકાર આવી, જુલાઇમાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો, ફેટ કન્ફર્મ TDP સરકારે જૂન 2024માં વરિષ્ઠ IAS અધિકારી જે શ્યામલા રાવને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD)ના નવા કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પ્રસાદમની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ પ્રસાદનો સ્વાદ અને ગુણવત્તા સુધારવા માટે ઘણાં સૂચનો આપ્યાં હતાં તેમજ ઘીના નમૂના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ગુજરાતને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં ફેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી TTD તામિલનાડુના ડિંડીગુલ સ્થિત એઆર ડેરી ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલા ઘીનો સ્ટોક પરત કર્યો અને કોન્ટ્રેક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો. આ પછી TTDએ કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું. જૂના સપ્લાયર પાસેથી 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી ખરીદવામાં આવતું હતું. જ્યારે તિરુપતિ ટ્રસ્ટ હવે કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) પાસેથી 475 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહ્યું છે. NDDB કોલ્ફ, ઘીની શુદ્ધતાનું પરીક્ષણ કરતી પ્રયોગશાળા, ઘીની શુદ્ધતા ચકાસવા માટે તિરુપતિને એક મશીન દાનમાં આપવા સંમત થઈ છે. એની કિંમત 75 લાખ રૂપિયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.