વૈશ્વિક સ્તરે જીવદયા, ગૌસેવા, માનવતાનું કાર્ય કરતાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાત - At This Time

વૈશ્વિક સ્તરે જીવદયા, ગૌસેવા, માનવતાનું કાર્ય કરતાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાત


વૈશ્વિક સ્તરે જીવદયા, ગૌસેવા, માનવતાનું કાર્ય કરતાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાત

 પ્રધાનમંત્રીશ્રીએ પ્રવૃતિઓ પેટે ખબર અંતર પૂછ્યા, પ્રસન્નતા વ્યક્ત કરી

સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. 1996નાં દાયકાનાં અંતમાં ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્ત મહાજને ઓગસ્ટ, 2002માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું, "સેવા અને રક્ષણ કરો". 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – 2020 સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 300થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે. 

સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે.

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહની પાલીતાણા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે મુલાકાત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ગિરીશભાઈ શાહને એમના સેવા કાર્યો વિષે પૂછ્યું. ગિરીશભાઈએ ઈશ્વરની કૃપાથી અને સૌની શુભેચ્છાથી સેવાકાર્ય ખુબ જ સારું થાય છે તે જણાવ્યું હતું. વર્તમાન સમયમાં ઘણા કાર્યોની વ્યસ્તતા હોવા છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને સમસ્ત મહાજન અને ગિરીશભાઈનાં સેવા કર્યો વિષે યાદ હતું એ સમગ્ર સંસ્થા માટે આનંદની વાત બની છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.