રાજકૉટ:શ્વાનો ભુરાયા : 1006 લોકોને કરડયા - At This Time

રાજકૉટ:શ્વાનો ભુરાયા : 1006 લોકોને કરડયા


રાજકોટના લગભગ તમામ વિસ્તારમાંથી શ્વાનોના ત્રાસની ફરિયાદો આવતી રહે છે. પરંતુ શ્વાનોને પકડવા અને તેને ઓપરેશન બાદ મુળ જગ્યાએ જ છોડવા સહિતના આકરા કાયદાના કારણે કાયમી ત્રાસ દુર થતો નથી.
તે દરમ્યાન કડકડતી ઠંડીમાં શ્વાનો કરડવાના કિસ્સા વધ્યાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં જ કોર્પો.ના ચોપડે એક હજારથી વધુ લોકોને શેરી-ગલીઓમાં રખડતા શ્વાનોએ બચકા ભર્યાનું બહાર આવ્યું છે.
રાજકોટ મહાપાલિકા તંત્ર શ્વાનની વસ્તી ન વધે તે માટે વ્યંધિકરણના ઓપરેશન તેમજ રખડુ શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળ વર્ષે મોટો ખર્ચ કરે છે છતાં શ્વાન કરડવાના કેસ સતત વધી રહ્યા છે. શ્વાનોની વસતી વધી રહી છે કે પછી હિંસક બની રહ્યા છે તે બાબત તપાસનો વિષય છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરી-2025ના પ્રારંભે તા.1થી 14 સુધીમાં શહેરમાં 1006 શહેરીજનોને કૂતરા કરડ્યા છે.
આ આંક તો જેમણે કૂતરૂ કરડ્યા બાદ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ઇન્જેક્શન અને સારવાર લીધી છે તેમના જ છે, જો અન્ય હોસ્પિટલોમાં સારવાર લેનારનો આંક સામે આવે તો આ કેસની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે.
મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા 14 દિવસમાં કૂતરૂ કરડ્યાના પ્રતિ દિવસના સરેરાશ 72 કેસ આવ્યા છે અને આ મુજબ કુલ કેસ 1006 થયા છે. હાલ તમામ આરોગ્ય કેન્દ્રોમાં શ્વાન કરડ્યા બાદ અપાતા ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેક્શનના રૂ.3000થી 3500 વસુલાતા હોય છે, જ્યારે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં તદ્દન વિનામૂલ્યે ઇન્જેક્શનનો કોર્સ કરાવાય છે જેના લીધે મ્યુનિ. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ધસારો વધુ રહે છે.
જોકે રેસકોર્સ, પુજારા પ્લોટ, 80 ફુટ રોડ, નિર્મલા રોડ, મઢી ચોક, મવડી, કુવાડવા રોડ, જંગલેશ્વર, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં રહેલો ત્રાસ લગભગ કયારેય ઓછો થતો નથી. બાળકો અને વડીલોની ચિંતા પરિવારોને ડરાવતી હોય છે.
આવા વિસ્તારોમાં શ્વાનપ્રેમીઓ દુધથી માંડી બિસ્કીટ વિતરણના કાયમી પરબના પોઇન્ટ દુર કરે તો શ્વાનોના અડ્ડા બંધ થાય તેમ છે. અન્યથા અન્ય લોકોના ઘર અને વિસ્તાર પાસે આવો શ્વાન પ્રેમ અન્ય લોકો માટે જોખમી બને છે તેવી ફરિયાદ કાયમ આવે છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image