સ્વેચ્છાએ મજાર દૂર કરનાર મૂજાવર સહિતના નાગરિકોનું જાહેર સન્માન કરતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા* - At This Time

સ્વેચ્છાએ મજાર દૂર કરનાર મૂજાવર સહિતના નાગરિકોનું જાહેર સન્માન કરતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*


*સ્વેચ્છાએ મજાર દૂર કરનાર મૂજાવર સહિતના નાગરિકોનું જાહેર સન્માન કરતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
----------
*શાંતિપૂર્વક અને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દરગાહના ટ્રસ્ટીઓએ વિકાસ આડેનો દરવાજો ખોલી આપ્યો છે*
*-કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
----------
ગીર સોમનાથ, તા.૧૯: વેરાવળ શહેર અને જિલ્લામાં કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈણાજ, જમજીર, ઘૂસિયા સહિતના સ્થળોએ વિકાસ અને જાહેર પરિવહનમાં નડતરરૂપ અનઅધિકૃત દબાણો ખુલ્લા કરવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેમાં નાગરિક સમાજનો પણ સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે.

કલેક્ટરશ્રીએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કરેલી અપીલનો સાનૂકુળ પ્રતિભાવ આપતા સોમનાથ બાયપાસ પાસે રોડ પર આવેલી દરગાહના ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરીને આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમની આ કામગીરીને બીરદાવતા જિલ્લા કલેક્ટરશ્રીએ આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં દરગાહના મૂજાવર અને ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડી જાહેર સન્માન કર્યું હતું. નેશનલ હાઈવે પર આવેલી 90 ફૂટની આ જગ્યા ખુલ્લી થવાથી ભવિષ્યમાં રોડ બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે.

જિલ્લા કલેક્ટરશ્રીની અનધિકૃત દબાણ દૂર કરવાની અપીલનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં નિઝામુદ્દીન દરગાહના ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ છેલ, ઓલિયાદિન કમિટિના પ્રમુખ ઈસાભાઈ નુરમહમદ બાવલા (પટેલ), ઘાંચી સમાજના પ્રમુખ યુસુફભાઈ હુસેનભાઈ કચરા અને મધ્યસ્થી કરનાર પૂર્વ નાયબ મામલતદાર શ્રી જહાંગીર બલોચનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

કલેક્ટરશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે, સોમનાથ જતા સોમનાથ સર્કલ બાયપાસ પાસે નિઝામુદ્દીન બાબાની જૂની મજાર/દરગાહ હતી. જેનું સંપાદન થઈ ગયેલું છે અને રોડ બનવાનું કામ અટકી ગયું હતું. આ વર્ષો જૂનો પ્રશ્ન હતો અને સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો અને મૂજાવર સાથે નિવૃત નાયબ મામલતદાર શ્રી બલોચે આ અંગે સમજૂતી આપી નડતરરૂપ દબાણ દૂર કરવા સમજાવ્યા હતાં. આ સમજૂતી બાદ દરગાહ આસપાસના દબાણને સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થી દ્વારા શાંતિપૂર્વક અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની પહેલ બીરદાવવા લાયક છે. અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં કુલ 3 હિંદુ અને 3 મુસ્લિમ એમ છ ધાર્મિક જગ્યાઓ પર લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું છે. જિલ્લામાં જ્યાં જ્યાં પણ આવા ધાર્મિક દબાણો હશે. તેને આ રીતે જ પરસ્પર સહમતિથી અને મંત્રણાથી દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ખાસ કરીને કોઈની ધાર્મિક આસ્થા દુભાય નહીં અને છતાં પણ કરવાપાત્ર કામ થાય અને વિકાસના કાર્યો રોકાય નહીં તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ વેળાએ અધિક કલેકટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી, મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.