સમસ્ત મહાજન દ્વારા રાજધાની દિલ્હીમાં નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર માટે 24-કલાક, 2 એનિમલ એમ્બ્યુલન્સ શરુ કરાશે સમસ્ત મહાજન દ્વારા દિલ્હીમાં પશુઓની સંભાળ અને વ્યવસ્થાપન માટે સમર્પિત ટાસ્ક ફોર્સની રચના થશે
સમસ્ત મહાજન દ્વારા રાજધાની દિલ્હીમાં નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર માટે 24-કલાક, 2 એનિમલ એમ્બ્યુલન્સ શરુ કરાશે
સમસ્ત મહાજન દ્વારા દિલ્હીમાં પશુઓની સંભાળ અને વ્યવસ્થાપન માટે સમર્પિત ટાસ્ક ફોર્સની રચના થશે
રાજકોટ વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજન દ્વારા રાજધાની દિલ્હીમાં નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર માટે 24-કલાક, 2 એનિમલ એમ્બ્યુલન્સ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર માટે બે એમ્બ્યુલન્સની સેવા શરૂ થશે, જેમાં એક પશુ ચિકિત્સક અને એક ડ્રાઈવર હશે જેથી તેઓ મુશ્કેલીમાં રહેલા પશુ, પક્ષીઓનો તાત્કાલિક બચાવ કરી શકે અને તેમને સારવાર આપી શકે.
સમસ્ત મહાજન દ્વારા પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધનની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે દિલ્હીમાં ધર્મ, મૂલ્યો અને સંસ્કૃતિના રક્ષણ માટે આદરણીય ઋષિ-મુનિઓ, મહંતો, સમાજના પ્રતિનિધિઓ, ઉમદા લોકો અને પ્રાણીપ્રેમી સજ્જનો સાથે એક વિશેષ રાષ્ટ્રીય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી ખાતે એમ્બ્યુલન્સ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં મેટ્રોપોલિટન વિસ્તારોમાં ઈજાગ્રસ્ત પશુ, પક્ષીઓ માટે બચાવ કામગીરીની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે જણાવ્યું હતું કે પ્રાણી કલ્યાણ માટે વર્તમાન પરિસ્થિતિઓને બદલવાની તાતી જરૂરિયાત છે. તેમણે સૌ પશુ પ્રેમીઓ, કાર્યકરો અને પશુ કલ્યાણ સંસ્થાઓ વચ્ચે એક મજબૂત, સહયોગી નેટવર્ક સ્થાપિત કરવા માટેની વાત કરી હતી. મહારાષ્ટ્રની સફળતાનું ઉદાહરણ આપતાં ડૉ. ગિરીશ શાહે જણાવ્યું હતું કે સમસ્ત મહાજન 28 મહિનાથી મુંબઈમાં 11 એમ્બ્યુલન્સ ચલાવે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ અને પશુચિકિત્સકોનો સ્ટાફ ધરાવતી, આ એમ્બ્યુલન્સે 110 કિલોમીટરની ત્રિજ્યામાં 74,000 થી વધુ પશુ, પક્ષીઓની સારવાર કરી છે. દરેક એમ્બ્યુલન્સને સજ્જ કરવા માટે ₹25 લાખ અને ચલાવવા માટે દર વર્ષે ₹30 લાખનો ખર્ચ થાય છે.
ડો. ગિરીશ શાહે જાહેરાત કરી હતી કે હવે આ મિશનમાં નવી દિલ્હીને પણ શામેલ કરવામાં આવશે. બે દાતાઓ દ્વારા સમસ્ત મહાજનને બે એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે. જેમણે દવાઓ અને અન્ય ઓપરેશનલ જરૂરિયાતો માટે સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ તકે ડો. ગિરીશ શાહે નવી દિલ્હીમાં સમસ્ત મહાજનનાં આંતરરાષ્ટ્રીય કાર્યાલયની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય મુંબઈની જેમ સમગ્ર દેશમાં પશુ બચાવ કામગીરી માટેના કાર્યો કરવાનો છે, જેનાથી "પ્રાણી ક્રૂરતા મુક્ત ભારત"નું નિર્માણ થઇ શકે.આ રાષ્ટ્રીય ચિંતન બેઠકની શરૂઆત પ્રસિદ્ધ જૈન સાધ્વી ડૉ. કુંદન રેખા શ્રીજી દ્વારા પ્રાર્થનાથી થઈ હતી, જેમણે જીવ દયા (સર્વ જીવો માટે કરુણા) પ્રત્યે સમસ્ત મહાજનના સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે સૌ ને ઇકોસિસ્ટમ જાળવવા અને તમામ જીવો માટે શાંતિપૂર્ણ અસ્તિત્વ સુનિશ્ચિત કરવા સહ-અસ્તિત્વ અને સંવાદિતા અપનાવવા વિનંતી કરી હતી. સેમિનાર દરમિયાન, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના સહભાગીઓએ તેમના મંતવ્યો શેર કર્યા હતા.
બેઠકના અંતે ડૉ. ગિરીશ શાહે નવી દિલ્હીમાં પશુઓની સંભાળ અને વ્યવસ્થાપન માટે સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી. સમસ્ત મહાજનના ટ્રસ્ટી અને મુંબઈમાં કાર્યરત એનિમલ એમ્બ્યુલન્સ પ્રોગ્રામના સંયોજક પરેશભાઈ શાહની પણ નવી દિલ્હી કાર્યક્રમના સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શાંતિલાલ જૈન, દિનેશ દોશી, લલિત નાહટા, વિનય જૈન, કિશોર કોચર, શુભકાંત જૈન, સોહન ગીરી, રઘુરામ નાથ, દિલીપભાઈ સખીયા અને અભય જૈન જેવા મહાનુભાવો સહિત ઘણા પરોપકારી અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ ઐતિહાસિક રાષ્ટ્રીય ચિંતન બેઠકમાં 105 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો.
ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય મિત્તલ ખેતાણીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમસ્ત મહાજનના મીડિયા અને શિક્ષણ સલાહકાર ડૉ.આર.બી. ચૌધરીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.