રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ.


રાજકોટ શહેર તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગુરૂવારે તા.૧૫-૯-૨૦૨૨ નાં રોજ સાંજે ૫ વાગ્યે રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી મેદાન ખાતે ગુજરાત-એ અને ગુજરાત-બી ટીમ વચ્ચે હોકી મેચ રમાયો હતો. જેમાં માન. મેયરશ્રી પ્રદિપ ડવે ટોસ ઉછાળીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી કમિશનર શ્રી આશિષ કુમાર, શ્રી એ.આર.સિંહ તેમજ ગુજરાતની બંને હોકી ટીમોના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયરશ્રી પ્રદિપ ડવે ગુજરાતની બે ટીમોના પ્રદર્શન મેચમાં રમી રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે મેચમાં હારવું જીતવું એ રમતનો એક ભાગ છે અને હારવા-જીતવા કરતા રમતમાં ભાગ લેવો એ વધુ મહત્વનું હોય છે. છેલ્લે સને-૨૦૧૫માં કેરલ ખાતે નેશનલ ગેમ્સ રમાઈ હતી અને ૭ વર્ષ પછી હવે ગુજરાતને નેશનલ ગેમ્સના યજમાન બનવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો છે. એમાંય અમારા માટે વધુ ગૌરવપૂર્ણ હકિકત એ છે કે સમગ્ર રાષ્ટ્રમાંથી આવનાર ખેલાડીઓ અને ઓફિશિયલ્સ રાજકોટના મહેમાન બનવાના છે. હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ રાજકોટમાં યોજાનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ખેલાડીઓને સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી છે એ આપ સૌ જોઈ શકો છો. દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત રહે તે માટે "ફિટ ઇન્ડિયા" ઝુંબેશ હાથ ધરી હતી એ સૌ જાણે છે અને તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતાં ત્યારે રાજ્ય કક્ષાના રમતોત્સવનાં "ખેલ મહાકુંભ" નાં આયોજનો કર્યા હતાં અને સ્પોર્ટસ યુનિવર્સિટી માટે પણ ઈનીશીએટીવ લીધા છે. ઉપરાંત સરકારી નોકરીઓમાં પણ સ્પોર્ટસ ક્વોટા રાખવામાં આવે છે. હવે તેઓ નેશનલ કક્ષાના આયોજનો કરી સ્પોર્ટ્સને ભરપૂર પ્રોત્સાહન આપી રહ્યા છે. હોકી મેચની ઇવેન્ટ બાદ શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે યોજાયેલ મેઈન સ્ટેજ પ્રોગ્રામનો પ્રારંભ થયો હતો. જેમાં મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ અને મંચ પર બિરાજમાન શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, ડીડીઓશ્રી દેવ ચૌધરી, એડી.કલેક્ટર અને "રૂડા"ના સી.ઈ.એ.શ્રી કેતનભાઈ ઠક્કર, શહેર ભાજપ મહામંત્રીઓશ્રી કિશોરભાઈ રાઠોડ અને શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, મ્યુનિ. શાસકપક્ષના દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના પ્રમુખશ્રી જયદેવ શાહ, ડેપ્યુટી કમિશનરશ્રી આશિષ કુમાર, અન્ય સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરેલ. શ્રી પરેશભાઈ પીપળીયાએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કર્યું હતું. આ અવસરે મેયરશ્રી પ્રદિપ ડવે તેમના પ્રવચનમાં એમ કહ્યું હતું કે એક સમયે આપણે સૌ ટીવી પર ગેમ્સ નિહાળતા હતાં, અને આજે હવે એ ગેમ્સ ઘર આંગણે લાઈવ નિહાળીશું. રાજકોટ માટે ખુબ જ ગૌરવની વાત છે કે, આપણે ૩૬મી નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સનાં યજમાન બન્યા છીએ. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવા વર્ગને સ્પોર્ટસ ક્ષેત્રે ખુબ જ પ્રોત્સાહન મળી રહે તે પ્રકારના અભિગમ સાથે દેશમાં સ્પોર્ટસ ઈવેન્ટ્સ યોજાય છે. નાનામાં નાનો માણસ પણ અત્યારે સ્પોર્ટસ પ્રત્યે આકર્ષિત થઇ રહયો છે. દેશમાં સ્પોર્ટસ ફેસિલીટીઝ પણ વધી રહી છે. જેના પરિણામે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને વધુ ને વધુ સંખ્યામાં મેડલ મળતા થયા છે. જેમાં ગુજરાતના રમતવીરોએ તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવી દેશ અને ગુજરાતનું નામ વૈશ્વિક મંચ પર રોશન કર્યું હતું. મેયરશ્રીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, રાજકોટમાં નેશનલ ગેમ્સના આયોજનને પગલે શહેરના યુવા વર્ગને સ્પોર્ટસ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે. રાજ્ય સરકારશ્રીના સહયોગ સાથે રમતવીરોને એથ્લેટિક્સ, હોકી, સ્વિમિંગ, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટ બોલ વગેરે જેવી રમતો માટે મેદાન સહિતની સુવિધાઓ આપણા શહેરમાં પણ ઉપલબ્ધ બનેલી છે. આપણા ઘરઆંગણે નેશનલ ગેમ્સ આવી છે ત્યારે "રમશે રાજકોટ જીતશે રાજકોટ"...."રમશે ગુજરાત જીતશે ગુજરાત"...અને "રમશે ભારત જીતશે ભારત" નાં નારા સાથે સૌ નાગરિકો "સ્પોર્ટસ કાર્નિવલ" માં યોજાઈ રહેલી વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાગલે અને અન્ય સૌ નાગરિકો આ ઈવેન્ટ્સનાં સાક્ષી બને તેવી અપીલ છે. દરમ્યાન આ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપતા એમ કહ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં રાજકોટને હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ આપવામાં આવેલ છે એ આપણા સૌનું સદભાગ્ય છે. ૭ વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે અને એ પણ આપણા આંગણે, ત્યારે આજ તા.૧૫ થી ૧૮ સુધી રેસકોર્સમાં અહીં સવારે અને સાંજે વિવિધ ગેમ્સ અને એકટીવીટીઝ યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થઈને રમતવીરોને પ્રોત્સાહન આપે અને સમગ્ર ગેમ્સની મજા માણે તેવી અપીલ કરૂ છું. આ પ્રસંગે જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ પ્રાસંગિક ઉદબોધન કરતા એમ કહ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ કોઈ ઇવેન્ટ યોજાય છે ત્યારે તેનું ખુબ સારૂ આયોજન થાય છે. આજે સવારે સાઈકલોથોનનું પણ ખુબ સારૂ આયોજન થયું હતું. રેસકોર્સ આપણા રાજકોટનું હાર્ટ સમાન સ્થળ છે અને સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. હવે નેશનલ ગેમ્સ જેવી રાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન રેસકોર્સ ખાતે થઇ રહ્યું છે ત્યારે મને આશા છે કે હજારો લોકો તેમાં ઉમટી પડશે, અને આપણે સૌ સાથે મળીને આ આયોજનને શાનદાર સફળતા અપાવીશું. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયાએ આભાર વિધિ કરી હતી. ડાયસ ફંકશન બાદ વિવિધથીમેટીક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશનમાં જીમ્નાસ્ટીક (ફલોર એકટીવીટી, હુલાહુપ, પીરામીડ, ફોરવર્ડ રોલ, કાર્ટ વીલ, ફ્રન્ટ-બેક,રીધમીક રીંગ, રીબન્ટ બોલ), એરોબીકસ (ઝુમ્બા, બોકવા, કાર્ડિયો, પ્લેક્સસ, ફીટનેસ ગેમ, બોકસીંગ, પાઇલેટસ, બોલ વર્ક આઉટ), મેઇન સ્ટેજ કલ્ચરલ ઇવેન્ટમાં બેન્ડ પર્ફોમન્સ (કલાસિક બેન્ડ), ગરબો (સરોજીની નાયડુ સ્કુલ), લોક સંગીત તથા લોક સાહિત્ય (શ્રી રાજુભાઇ ગઢવી), ફન ગેમ્સમાં લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ અને ત્યારબાદ ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિજેતા હોકી ટીમના ખેલાડીઓનું મહાનુભાવોના હસ્તે ટ્રોફી ગીફ્ટ વાઉચર વડે સન્માન કરવામાં આવ્યું હતું. સાથો-સાથ અન્ય વિવિધ રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી ચુકેલા ખેલાડીઓમાં ક્રીકેત્સ જયદેવ શાહ, વુસુ ખેલાડી મયુર જગદીશભાઈ, ફીન્સ સ્વીમીંગમાં બાસુરી મકવાણા, એથ્લેટિક્સમાં હેમાલી વ્યાસ, પિસ્ટલ શૂટિંગમાં તિશા લીમ્બડ, દર્શિતા જોગટીયાં, અને રાઈફલ શૂટિંગમાં ધ્રુવી નિલેશભાઈ વોરા, હીના જયેશભાઈ ગોહેલ, ઠુંમર શ્રધ્ધા મનસુખભાઈ અને સંસ્કૃતિ જગદીશભાઈ ભાલારાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દરમ્યાન આજે તા.૧૫મીએ સવારે ૬:૩૦ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે Rajkot Randonneurs નાં સહયોગથી સાયક્લોથોન ઇવેન્ટ યોજાઈ હતી. જેનો મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવએ ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, શ્રી એ.આર.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આ સાયકલોથોન માટે કુલ ૬૫૦થી વધુ શહેરીજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે વહેલી સવારે આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે જોડાયા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.