વાઘોડિયા ગ્રા . પંચા . ના ગુલ્લેબાજ તલાટી કમ મંત્રીઓની પોલ ખુલી .
વાઘોડિયા તાલુકામાં કામ કરતા તલાટી કમ મંત્રીઓ પહેલેથી જ અધિકારીઓને ગાંઠતા નથી . એ વાત અનેકવાર પુરવાર થયા બાદ ગેરરીતી કરનાર તલાટીઓની ગેરરીતી બાદ પણ ભાજપના રાજકીય નેતાઓ દ્વારા તપાસ દબાવી દેતા હતા . હવે તલાટી કમ મંત્રીઓ પ્રજાને પણ ગાંઠતા નથી . સતત પોતાની ગ્રામ પંચાયત કચેરી પર ગેરહાજર રહી સરકારી પગારની લીજ્જત માનતા હોય છે . ગ્રામ પંચાયતોના વિકાસના કામો છેલ્લા આઠ મહિનાથી અટકી પડેલા હોવા છતાં પણ તેઓ અધિકારીઓની અવહેલના કરતા હોય છે . સતત પોતાની ગ્રામ પંચાયતો પર ગેરહાજર રહેતા તલાટી કમ મંત્રીઓની અનેક ફરિયાદો વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને મળતા આજે તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પરમારે ઓચિંતી ગ્રામ પંચાયતોની મુલાકાત લેતા ગ્રામ પંચાયતો પર ખંભાતી તાળા જોવા મળ્યા હતા .સાથે જ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી કે તલાટીઓ મન ફાવે ત્યારે આવે છે અને મન ફાવે ત્યારે જાય છે . નિયમિત ગ્રામ પંચાયત કચેરી પર આવતા નથી અને કામ હોય ત્યારે બહાના બતાવે છે . ત્યારે આવા ગુલ્લેબાજ તલાટી કમ મંત્રીઓ માટે તાલુકા વિકાસ અધિકારીએ આજે ઓચિંતી ગ્રામ પંચાયતોની મુલાકાત લેતા ગુલ્લેબાજ તલાટીઓનો ભાંડો ફૂટ્યો હતો . જેમાં ભણીયારા , ગણેશપુરા , રસુલાબાદ , જુના રામપુરા , માડોધર , ગોરજ અને રાયણ તલાવડીની પંચાયતો પર ખંભાતી તાળા લટકતા જોઈ તાલુકા વિકાસ અધિકારી પણ આશ્ચર્યમાં મુકાયા હતા . જોકે ગુલ્લેબાજ તલાટી પર શિક્ષાત્મક પગલાં ભરવા માટે તાલુકા વિકાસ અધિકારીએ બિન પગારનો હુકમ કરતા ગુલ્લેબાજ તલાટીઓને નોટિસ ઈસ્યુ કરવા માટે ફરમાન કર્યુ હતું . વાઘોડીયા ગુલ્લેબાજ તલાટીઓના કારણે ગ્રામીણ વિકાસના કામો તેમજ પ્રજાના અગત્યના કામો અટકી પડતા હોય છે . ત્યારે આવા ગુલ્લેબાજ તલાટી કમ મંત્રીઓ ઉપર ઉચ્ચ અધિકારીઓ દ્વારા શિક્ષણાત્મક પગલાં ભરાય તેવી તાલુકાની જનતાની માંગ છે . જોકે તાલુકા વિકાસ અધિકારીની ઓચિંતી મુલાકાતે તલાટી કમ મંત્રીઓમાં ફફડાટ ફેલાયો હતો . રાજકીય નેતાના ચારો હાથ માથા પર હોવાથી તલાટી અધિકારી અને પ્રજાને ગાંઠતા નથી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.