ચિંતન શિબિર-૨૦૨૪ - રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર - At This Time

ચિંતન શિબિર-૨૦૨૪ —— રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર


ચિંતન શિબિર-૨૦૨૪
------
રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર
------
રમત અને ફિટનેસ જાગૃતિ માટે અધિકારીઓ જિલ્લા કક્ષાએ એક્શન પ્લાન બનાવે તે જરૂરી
--------
એક જિલ્લો-એક રમતને પ્રોત્સાહિત કરવી જરૂરી
--------
રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર
------
ગીર સોમનાથ તા.૨૧:
સોમનાથ ખાતે યોજાઇ રહેલી ૧૧મી ચિંતન શિબિરમાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાં તથા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે રમત-ગમતને પ્રોત્સાહન આપવા શું કરી શકાય તે અંગે ઉપસ્થિત સૌને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે વર્ષ- ૨૦૧૦માં તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.

જિલ્લાઓમાં જિલ્લા રમત સંકુલ, તાલુકા રમત સંકુલ, ખેલ સહાય યોજના, ખેલો ઇન્ડિયા, શાળાઓમા બિન નિવાસી તાલીમ વગેરે રમતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા રાજ્યના યુવાનો પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવી રમત-ગમત ક્ષેત્રે આગળ આવી રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેની વિગતો તેમણે આપી હતી.

વર્ષ: ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક માટે દેશમાં થઈ રહેલી તૈયારીઓ અંગેનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરતા તેમણે રમત-ગમત ક્ષેત્રે વિજેતા રહેલાં ત્રણ રાજ્યો તેમ જ ત્રણ દેશોની ખાસિયતો, તેની સફળતા તથા તેઓના રમત ક્ષેત્રના મોડલ કઈ રીતે વિકસિત થયાં તેની સામે ગુજરાત રાજ્યનું રમત ક્ષેત્રોનું મોડલ અને ગુજરાતના રમત ક્ષેત્રના આ મોડલને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકાય તે અંગેનો રોડ મેપ તેમણે રજૂ કર્યો હતો.

અગ્ર સચિવશ્રીએ 'એક જિલ્લો-એક રમત'ની પહેલ, મહિલાઓને રમત ક્ષેત્રે પ્રોત્સાહન, રમત સાથે ફિટનેસને પ્રોત્સાહન, દરેક વ્યક્તિ રમત અને ફિટનેસ બાબતે જાગૃત થાય તે માટે પ્રયાસો વગેરે બાબતે માર્ગદર્શન આપવાની સાથે જિલ્લાના અધિકારીઓ રમત-ગમતનું જિલ્લા કક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરે તે માટે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ તકે ડીની સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. શ્રી રાજેશે 'લર્નિંગ ફ્રોમ ટાર્ગેટ' ઓલમ્પિક સ્કીમ અંગે માર્ગદર્શન આપી ઓલમ્પિકમાં જીતવા સક્ષમ ખેલાડીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.
આ સત્રમાં રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.