મોબાઈલના હપ્તા ભરવા મામલે ભંગારના ધંધાર્થીને જંગલેશ્ર્વરના બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા: હત્યાનો પ્રયાસ - At This Time

મોબાઈલના હપ્તા ભરવા મામલે ભંગારના ધંધાર્થીને જંગલેશ્ર્વરના બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા: હત્યાનો પ્રયાસ


ભાણજીદાદાના પુલ પાસે મોબાઈલના હપ્તા ભરવા મામલે ભંગારના ધંધાર્થીને જંગલેશ્ર્વરના બે શખ્સોએ ઝઘડો કરી છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કોઠારીયા રોડ પર નાડોદા સોસાયટીમાં રહેતા નસીમબેન ઈરફાનભાઈ ઉર્ફે લતીફ કારવા ઉ.37 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાગર ગોસ્વામી, દિનેશ ઉર્ફે બાબરી હકા લીંબડીયા રહે. બન્ને જંગલેશ્ર્વરનું નામ આપતા એ ડીવીઝન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવેલ હતું કે તેણી તેમના પતિ ઈરફાનભાઈ ઉર્ફે લતીફ અને બે દીકરીઓ સાથે રહે છે.
તેમના પતિ ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પતિ ગઈકાલે સવારના નવેક વાગ્યે કામ પર જવા એકટીવા નં. જી.જે.3 એચ.એસ. 8357 લઈ નીકળેલ અને રાત્રીના અગીયારેક વાગ્યે તેમના પતિના મિત્ર હુસેન જુણાચનો ફોન આવેલ અને જણાવેલ કે તમારા પતિને લાગી ગયેલ છે જેમને સીવીલ હોસ્પીટલે લઈ આવેલ છે જેથી તેણી સીવીલ હોસ્પીટલે દોડી ગયેલ તો તેમના પતિને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ હોય જેથી બનાવ અંગે પૂછતા તેમના પતિએ જણાવેલ કે જંગલેશ્ર્વરમાં રહેતા મિત્ર હિતેષ આહિરના નામે હિતો ઉર્ફે ખેંગારે થોડા સમય પહેલા હપ્તેથી મોબાઈલ ફોન લીધેલ હતો. હિતેષ ઉર્ફે ખેંગાર સાથે હપ્તા ભરવા બાબતે તેને બોલાચાલી થયેલ હતી ત્યારે સાગર ગોસ્વામી વચ્ચે પડેલ હતો. બે-ત્રણ દિવસ પહેલા તેમને સાગર ગોસ્વામીને ફોનમાં બોલાચાલી થઈ હતી અને ગાળો આપેલ હતી.
બાદમાં રાત્રીના સમયે ઈજાગ્રસ્ત અને તેનો મિત્ર હુશેન જુણાચ ચુનારવાડ ચોકમાં ભેગા થયેલ અને હાથીખાનામાં નાસ્તો કરવા અલગ અલગ બાઈકમાં જતા હતા ત્યારે રામનાથપરા જુની જેલની સામે ભાણજીદાદાના પુલ પાસે પહોંચતા ત્યાં સાગર ગોસ્વામી, દિનેશ ઉર્ફે બાબરી અને હિતો ઉર્ફે ખેંગાર ઉભા હતા. જેથી હુશેને સાગરને બોલાવેલ અને કહેલ કે તમારે જે કંઈ હોય તમે સમાધાન કરી નાંખો તેમ કહેતા બંને શખ્સો ધસી આવી ગાળો આપવા લાગેલ અને બંનેએ પોતાને ઢીકાપાટુનો માર મારેલ હતો.
દરમ્યાન બંને શખ્સોએ છરી કાઢી મારી નાંખવાના ઈરાદે માર મારવા લાગતા તેનો મિત્ર હુશેન સાગરને પકડી દુર કરવા જતા દિનેશ ઉર્ફે બાબરીએ પગના ભાગે છરીના ઘા ઝીંકયા હતા. બાદમાં માણસો એકઠા થતા બંને શખ્સો ફરીવાર હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ કહી નાસી છુટયા હતા.
બાદમાં તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં 108 મારફતે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી બંને શખ્સોને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.