કોર્ટમાં ટેબલ માટે વકીલોએ ફોર્મ ભરવા પડશે, ફી વસૂલવા વિચારણા
શહેરના નવ નિર્મિત કોર્ટ સંકુલમાં વકિલોની વ્યવસ્થાને લઈને ચાલતા વિવાદનો અંત લાવવા આજે બાર એસોસિએશન દ્વારા જૂની કોર્ટના લાયબ્રેરી રૂમમાં સવારે હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં ટેબલ માટેના સૂચિત નિયમો અંગેની માર્ગદર્શિકા ઘડી કાઢવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ જજ સાથેની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે. તેવું બારના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ ખાતે વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ બન્યું. 6 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પછી ટેબલ રાખવા પ્રન વકીલોમાં ભારે વિવાદ ચગ્યો છે. અગાઉ રકઝક થઈ અને તે પછી બારના જનરલ બોર્ડમાં ઉશ્કેરાટ ભર્યા દ્રશ્યો જોવા મળ્યાં. આ પછી મામલો ગૂંચવાયો અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ તમામ હોદ્દેદારો અને આગેવાન વકીલો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે પછી ડિસ્ટ્રીકટ જજ અને બાર એસો. સાથે બેસી મામલાનો ઉકેલ લાવે તેવું નિષ્કર્ષ હાલની સ્થિતિએ નીકળ્યું છે.
ત્યારે આજે સવારે બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સિવિલ કોર્ટના જુના બિલ્ડીંગ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. સૂચિત નિયમો ઘડવામાં આવેલા છે. આ નિયમ મુજબ ટેબલ મેળવવા માંગતા વકીલે ફોર્મ ભરી બાર એસો.ને આપવાનું રહેશે. જે મુજબ વકીલોની નોંધણી થશે. ફોર્મમાં વકીલ ક્યા બારના મેમ્બર છે. સિનિયર સાથે છે કે સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. ઉપરાંત ટેબલ મુકવા અંગે વાર્ષિક ફી નક્કી કરવામાં આવશે. જે મુજબ વકીલોનું રજીસ્ટ્રેશન થશે. ખોટી માહિતી આપનારનું ફોર્મ અને રજીસ્ટ્રેશન રદ થશે. ફોર્મમાં સનદ નંબર તેમજ બારના વાર્ષિક મેમ્બર છે કે, આજીવન મેમ્બર, તે જણાવવું પડશે. આ સૂચિત જોગવાઈ મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ ચર્ચા કરાશે. ભવિષ્યમાં કોઈ પ્રશ્ને ઉદભવે નહીં તે અંગે તમામ પાસા તપાસવામાં આવશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.