ભરતકામ મોતીકામ આપણી સંસ્કૃતિ ની જાળવણી કરવી રહી - At This Time

ભરતકામ મોતીકામ આપણી સંસ્કૃતિ ની જાળવણી કરવી રહી


*ભરતકામ - મોતીકામ ‌આપણી ગામડાઓ ની સંસ્કૃતિ ની જાળવણી કરવી રહી*

*કાઠી ક્ષત્રિય સમાજ ની સંસ્કૃતિ નું એક ખાસ ‌અભિન‌અંગ એ ભરતકામ મોતીકામ રહ્યું*

ભરતકામમાં ટેભો ટાંકો એ પે'લવેલી બાબત હશે. સમયાંતરે આ ભરતકામ ભરતકળા બન્યું. ભરતવર્ષ ભૂમિના આધ્ય રહેવાસી મોહેં-જો-ડેરોના અવશેષો સાથે ત્રાંબાની સોય મળી આવી હતી. તો આપણે કલ્પી શકીએ કે ભરતકામ પ્રાચીન માનવસભ્યતાનથી હારોહાર વિકાસ પામ્યું હશે. આર્ય પ્રજા સૌંદર્યની ઉપાસક અને શોખીન રહી છે. માટીના વાસણો ઉપર ચિતર કાઢતાં, ભીંતચિત્રો ઉપસાવતા, એ જ રીતે ભરતકામનો વિકાસ થયો હશે. ભરેલા ભરતને 'ખચિતમ્' કહે છે. આ શબ્દ તે સોયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ કરે છે. મોર, પોપટ, સિંહ, પોયણાંવેલ વગેરે ભાતો કાપડ પર ઉપસાવવામાં આવતી હશે એવો ખ્યાલ સાંચી ભારદૂત સ્તૂપોના શિલ્પો પરથી મળી આવ્યો છે.

આવી જ ભાતોના ભરત, જૂજ ફેરફાર સાથે સૌરાષ્ટ્ર કચ્છના લોકભરતમાં આજે લગભગ 2200 વર્ષના ગાળા પછી પણ ભરાય છે. દરેક કલા કસબની શરૂઆત બહુજ સાદગીથી થઈ હોય છે. જૂના સમયે સૌરાષ્ટ્રની લગભગ ગ્રામ્ય નારી અભણ હોવા છતાં કસબકાર તો હતી જ, હાલ છે પણ ઓછી સંખ્યામાં. એનો ટેભો ટાંકો સાદો છે, સરળ છે. એમાં આકાર 'ને રંગ ભળે એટલે ઉડીને આંખે વળગે એવું રૂડું બને.

આપણે ત્યાં તોરણ, ટોડલિયા, ચાકડા, મોતીકામ, પછીતપાટી, વસ્ત્ર ભરત વગેરે ભરતકામ થાય છે. પશુ શણગાર માટેના ભરતકામ પાછળથી શરૂ થયા હોવાનું મનાય છે. સમકાલીન કાળમાં દરેક કલાકસબની એકબીજા પર અસર હોય. ચિત્રની અસર ભરતકામ ઉપર વધારે છે. પહેલાં ચિતરવું પડે પછી ભરતકામ થાય. પણ લોકભરતની ભાતો મોટા ભાગે સ્ત્રીઓ પોતે જ મૌલિક રીતે ચિત્રે છે.

સ્ત્રીઓ પહેલાંના સમયમાં ઓઝલ રહેતી. માનવ ઈતિહાસમાં સ્ત્રીઓ હાલના સમય જેટલી સ્વતંત્ર ક્યારેય ન'તી. એ ઓઝલપણાંને ઓગાળીને અસ્તરી જાતે આ કસબ, લોકગીતો, લલગ્નગીતો વગેરેની આપણને ભેટ આપી. ભરતકામ એ સમય માંગી લેતું 'ને સખત ધીરજનું કામ છે. અને ધૈર્ય, સમર્પણ તો સ્ત્રીના નૈસર્ગિક ગુણો છે.

હાલ ઘણાં પુરુષો પણ આ કળાના માહેર છે, આપણું લોકભરત ઉંબરો વટીને વિદેશની બજારુમાં ફેશનની દુનિયામાં પહોંચ્યું છે. હાલ તો મશીનો આવતાં કોંજાણે કેટ કેટલાં પ્રકારનાં ભરતકામ થાય છે. પણ એ બધાં આંખમાં ચમકારો કરે, ટાઢક તો આ અભણ ગ્રામ્ય નારીએ ટેભે ટેભો તૂણીને ભરેલાં ભરત આપે. આ નારીએ અભાવને કસબમાં ઉતાર્યો, ઓરતાંને ટેભે ટાંકે સીવીને બારસાખે ટાંગ્યા. આની તે વય્ડ કોણ કરે!

સાભાર-પ્રિયાંશી_ મધુ

કાઠીભરતનાં નમૂનાની તસવીરો: ગોપીબેન ધાંધલ

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.