મહારાષ્ટ્રમાં 'પવાર પોલિટિક્સ’ શરૂ:હવે કાકા શરદ પવારે ભત્રીજા અજિતની પાર્ટીમાં પલીતો ચાંપ્યો, છગન ભુજબળ શરદ પવારને મળવા પહોંચ્યા - At This Time

મહારાષ્ટ્રમાં ‘પવાર પોલિટિક્સ’ શરૂ:હવે કાકા શરદ પવારે ભત્રીજા અજિતની પાર્ટીમાં પલીતો ચાંપ્યો, છગન ભુજબળ શરદ પવારને મળવા પહોંચ્યા


મહારાષ્ટ્રમાં ફરી એકવાર ‘પવાર પોલિટિક્સ’ શરૂ થઇ ગયું છે. જી...હા રાજકીય તોડફોડ અને ભારે સંઘર્ષ બાદ ફરી એકવાર મહારાષ્ટ્ર અને દેશના દિગ્ગજ નેતા શરદ પવાર ‘સાહેબ’ હવે કોઇ નવા-જૂની કરવાના મૂડમાં છે. લોકસભા ઇલેક્શન પહેલા ભત્રીજા અજિત પવારે ભાજપની મદદથી પહેલા કાકા શરદ પવારના એક પછી એક વિશ્વાસુને તોડ્યા અને પછી આખી પાર્ટી જ કેપ્ચર કરી લીધી. પણ 80 વટાવી ચૂકેલા આ રાજનેતાએ ફરી એકવાર જમીન પર સંઘર્ષ કર્યો અને પોતાની નવી પાર્ટી અને નવા ચૂંટણી ચિહ્ન સાથે પોતાનો દમ બતાવ્યો. હવે કાકા શરદ પવારે ભત્રીજા અજિતની પાર્ટીમાં પલીતો ચાંપ્યો છે. એક સમયે શરદ પવારની નજીક ગણાતા, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજિત પવારની પાર્ટીના મોટા નેતા છગન ભુજબળ શરદ પવારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહા-ઊલટફેરના સંકેત જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ NCP-SCP નેતા શરદ પવારના નિવાસસ્થાનેથી નીકળ્યા મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)થી નારાજ હોવાની ચર્ચાઓ થોડા દિવસોથી સમાચારમાં છે. હવે છગન ભુજબળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના વડા શરદ પવારને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. હવે છગનની તેમના પૂર્વ નેતા સાથેની આ અચાનક મુલાકાતને લઈને અટકળોનું બજાર ગરમાયું છે. મળતી માહિતી મુજબ છગન ભુજબળ સોમવારે અચાનક શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પહોંચ્યા હતા. કહેવાય છે કે ભુજબળે આ બેઠક માટે અગાઉથી કોઈ સમય લીધો ન હતો. હવે શરદ પવારને મળવાથી છગન ભુજબળના પક્ષપલટાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ બેઠક અંગે છગન ભુજબળ કે શરદ પવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. અજિત પવારની પત્ની સુનેત્રા પવારને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા પર છગન ભુજબળ નારાજ હોવાનું કહેવાય છે. સુનેત્રા પવારે એનસીપી (અજિત પવાર)ની ટિકિટ પર બારામતી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ સુપ્રિયા સુલે સામે તેમનો પરાજય થયો હતો. એક દિવસ પહેલાં જ શરદ પર સાધ્યું હતું નિશાન છગન ભુજબળે એક દિવસ પહેલાં જ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતના મુદ્દે સીએમ એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી દૂર રહેવા બદલ છગન ભુજબળે શરદ પવાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે બારામતીથી ફોન આવ્યા બાદ એમવીએના નેતાઓએ બેઠકમાં હાજરી આપી ન હતી. છગન ભુજબળની આ બેઠક અનામત અને સર્વપક્ષીય બેઠકની ચર્ચા સાથે સંબંધિત છે કે પછી પક્ષમાં ચાલી રહેલી ગડમથલ અંગે છે તે જોવું રહ્યું. ભુજબળની ગણતરી પવારના નજીકના લોકોમાં થતી હતી
છગન ભુજબળની ગણતરી એક સમયે શરદ પવારના નજીકના લોકોમાં થતી હતી. અજિત પવારના નેતૃત્વમાં બળવા પછી એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી, ત્યારે ભુજબળ પણ બળવાખોર જૂથમાં સામેલ હતા. અજિતની સાથે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા NCP નેતાઓમાં ભુજબળનું નામ પણ સામેલ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.