યેદિયુરપ્પા સામે POCSO કેસમાં બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ જાહેર:પૂર્વ મુખ્યમંત્રી પર સગીરના યૌનશોષણનો આરોપ, રેપ કેસમાં મદદ માગવા ગઈ હતી છોકરી - At This Time

યેદિયુરપ્પા સામે POCSO કેસમાં બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ જાહેર:પૂર્વ મુખ્યમંત્રી પર સગીરના યૌનશોષણનો આરોપ, રેપ કેસમાં મદદ માગવા ગઈ હતી છોકરી


બેંગલુરુની એક અદાલતે ગુરુવાર, 13 જૂને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું. પૂર્વ મુખ્યમંત્રી સામે સગીર છોકરીની છેડતી કરવા બદલ FIR નોંધવામાં આવી હતી. મામલો 2 ફેબ્રુઆરીનો બેંગલુરુનો છે. યેદિયુરપ્પાએ આ કેસમાં કર્ણાટક હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી શુક્રવારે થશે. બુધવારે CIDએ તેમને હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા, જેના જવાબમાં તેમના વકીલે એક સપ્તાહનો સમય માગ્યો છે. તેમણે કહ્યું હતું કે તે 17 જૂને પૂછપરછમાં જોડાશે, કારણ કે તેઓ હાલમાં દિલ્હીમાં છે. સગીરની માતાની ફરિયાદના આધારે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO અને 354 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. FIR નોંધાવનાર મહિલા (પીડિતાની માતા)નું 26 મેના રોજ અવસાન થયું હતું. તે ફેફસાના કેન્સરની દર્દી હતી. જોકે કર્ણાટક DIGએ આ કેસ CIDને સોંપી દીધો હતો. આરોપ- યુવતી મદદ માગવા ગઈ હતી, યેદીએ બળજબરી કરી
FIR મુજબ પીડિત સગીરા 2 ફેબ્રુઆરીએ તેની સામે થયેલા યૌન ઉત્પીડનના કેસમાં મદદ માગવા બેંગલુરુમાં ડોલર્સ કોલોનીમાં યેદિયુરપ્પાના ઘરે ગઈ હતી. ત્યારે તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિતા રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેણે તેની માતાને કથિત છેડતી વિશે જણાવ્યું. પીડિતાની માતાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. જોકે મામલો સામે આવ્યા બાદ યેદિયુરપ્પાની ઓફિસે કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે FIR દાખલ કરાવનાર મહિલાએ અત્યારસુધીમાં જુદા જુદા લોકો વિરુદ્ધ 53 કેસ દાખલ કર્યા છે. પીડિતાની માતાએ કહ્યું- યેદિએ ચૂપ રહેવા કહ્યું હતું
FIR અનુસાર, મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો કે જ્યારે તેણે યેદિયુરપ્પાને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે છોકરી પર બળાત્કાર થયો છે કે નહીં એની તપાસ કરી રહ્યા છે. બાદમાં યેદિયુરપ્પાએ કથિત રીતે માફી માગી હતી અને મહિલાને આ બાબત વિશે કોઈને ન કહેવા કહ્યું હતું. યેદિએ કહ્યું- મેં જ કમિશનરને મહિલાની મદદ કરવા કહ્યું હતું, તે મારી વિરુદ્ધ બોલવા લાગી
પોતાના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર યેદિયુરપ્પાએ કહ્યું હતું - 'થોડા દિવસો પહેલાં એક મહિલા મારા ઘરે આવી હતી અને રડી રહી હતી અને કહી રહી હતી કે કોઈ સમસ્યા છે. મેં તેને પૂછ્યું કે મામલો શું છે અને મેં જાતે પોલીસને બોલાવી, કમિશનરને આ બાબતની જાણ કરી અને તેમને મદદ કરવા કહ્યું. બાદમાં મહિલા મારા વિરુદ્ધ બોલવા લાગી. યેદિએ કહ્યું- 'હું આ મામલો પોલીસ કમિશનર પાસે લઈ ગયો છું. ગઈકાલે પોલીસે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જોઈએ આગળ શું થાય છે. હું એમ ન કહી શકું કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે. મેં પીડિતાને પૈસા આપી મદદ કરી હતી. FIRનો સમય શંકાસ્પદ છે, કારણ કે એ ચૂંટણી પહેલાં જ બન્યો છે." બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના 19મા મુખ્યમંત્રી રહ્યા છે
બીએસ યેદિયુરપ્પાએ 2007માં સાત દિવસ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ તેમણે 2008થી 2011 સુધી, મે 2018માં ત્રણ દિવસ અને પછી જુલાઈ 2019થી જુલાઈ 2021 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે અઠવાડિયાના ડ્રામા અને અનિશ્ચિતતા પછી 2021માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું હતું કે કર્ણાટકના લોકોનો તેમની સરકાર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. રાજ્ય કોંગ્રેસ સરકારે કહ્યું- મામલો સંવેદનશીલ છે
અહીં આ મામલે પ્રતિક્રિયા આપતાં કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું હતું કે એક મહિલાએ અમારા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રીની છેડતી કરવામાં આવી છે, જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યાં સુધી આપણે સત્ય જાણતા નથી ત્યાં સુધી આપણે કંઈપણ ઉજાગર કરી શકતા નથી. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કારણ કે એમાં પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે. જોઈએ રિપોર્ટ શું કહે છે. જી પરમેશ્વરે કહ્યું- મને નથી લાગતું કે આમાં કોઈ રાજકીય એન્ગલ છે. અમે મહિલાને ઓળખતા નથી. તેણે પોલીસમાં જઈને ફરિયાદ કરી. પોલીસે તેને ના પાડી નહિ અને કેસ નોંધ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.