ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ન તપાસ, ન ઑડિટ; મોટી ઇમારતોમાં અઢી વર્ષમાં આગથી 1177નાં મોત - At This Time

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ન તપાસ, ન ઑડિટ; મોટી ઇમારતોમાં અઢી વર્ષમાં આગથી 1177નાં મોત


ગત દિવસોમાં ગુજરાતના રાજકોટ અને દિલ્હીના બેબીકેર સેન્ટરમાં થયેલા અગ્નિકાંડે દેશને હચમચાવી દીધો છે. બંને દુર્ઘટનામાં 19 બાળકો સહિત 35નાં મોત થયાં હતાં. બંનેની તપાસમાં એક વાત સમાન મળી. સુરક્ષા વ્યવસ્થા અને સરકારી તંત્રની અવગણના. ભાસ્કરે 1 જાન્યુઆરી, 2022થી 27 મે, 2024 સુધી મોટા, ખાનગી અને સરકારી બિલ્ડિંગો, નર્સિંગહોમ, શૉપિંગ મોલ અને ફેક્ટરીઓમાં લાગેલી આગની મોટી દુર્ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમાં 1,177 લોકોનાં મોત થયાં છે. તેનો તપાસ રિપોર્ટ દર્શાવે છે કે આગ લાગી હતી તે મહત્તમ ઇમારતોમાં ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા જ ન હતી. કેટલીક ઇમારતોનું વાયરિંગ 30 વર્ષથી જૂનું હતું, જ્યારે વાયરિંગ દર 20 વર્ષે બદલવાનો નિયમ છે. અનેક ઇમારતોમાં ફાયર ઓડિટ અનેક વર્ષોથી થયું ન હતું, તે ઉપરાંત સરકારી તંત્રએ પણ આગથી બચવાની વ્યવસ્થાની ચકાસણી કરી ન હતી. આ બધું જારી છે ત્યારે દર વર્ષે આગથી મોતનો આંકડો વધી રહ્યો છે. 2022માં જ્યાં દેશભરમાં 419 લોકોનાં મોત થયાં હતાં ત્યારે 2023માં તે વધીને 573 થયાં હતાં. 2024માં અત્યાર સુધી 185 લોકોનાં મૃત્યુ થયાં છે. બેદરકારી: 99% ઇમારતોમાં ઇમરજન્સી સીડી નથી, જૂનું વાયરિંગ બદલતા નથી નિયમ-કાયદામાં ખામીનો ફાયદો ઉઠાવીને આરોપીઓ છૂટી જાય છે
સુપ્રીમકોર્ટના વકીલ વિરાગ ગુપ્તા અનુસાર આગ માટે જવાબદાર વિરુદ્ધ સખત કાર્યવાહી ન થવાનાં અનેક કારણ છે. જેમ કે અત્યારે તપાસમાં કોઇ ઇમારતની ફાયર સેફ્ટી નિયમોની અવગણના જોવા મળે છે તો બિલ્ડિંગ માલિકને સુધારા માટે નોટિસ અપાય છે. સુધારો ન થાય તો ઇમારત સીઝ કરવાનો અધિકાર છે. તેમાં દંડની જોગવાઇ નથી. જો સુરક્ષા વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાય છે તો માલિક વિરુદ્ધ આઇપીસીની કલમ 336, 304-એ, 304, 308માં અજાણતા હત્યા અને બેદરકારીનો કેસ થાય છે. તેમાં 2થી 10 વર્ષની સજાની જોગવાઇ છે. તે જામીનપાત્ર ગુનો હોવાથી આરોપી છૂટી જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.