જમીન, પાક અને ખેડૂત માટે ફાયદાકારક ગાય આધારીત પ્રાકૃતિક કૃષિપદ્ધતિ - At This Time

જમીન, પાક અને ખેડૂત માટે ફાયદાકારક ગાય આધારીત પ્રાકૃતિક કૃષિપદ્ધતિ


જમીન, પાક અને ખેડૂત માટે ફાયદાકારક ગાય આધારીત પ્રાકૃતિક કૃષિપદ્ધતિ
---------------
જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિને મળી રહ્યું છે સતત પ્રોત્સાહન
---------------
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવામાં સવિશેષ યોગદાન આપી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત હોવાથી કૃષિ સાથે ગાયનું પણ રક્ષણ અને સંવર્ધન થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતી બન્નેને માતાનો વિશેષ દરજ્જો આપવામા આવ્યો છે. પ્રાકૃતિક ખેતીની ખાસિયત એ છે કે તે ધરતીની પોષણક્ષમતાને જાળવી રાખે છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સહાયક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેડૂતોની તાલીમ પણ યોજવામાં આવી રહી છે. પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ કેટલું છે તેનાથી માહિતગાર થઈએ.

દેશી ગાય પ્રાકૃતિક કૃષિ માટે મહત્વની છે. પ્રાકૃતિક કૃષિને ગાય આધારિત ખેતી તરીકે વર્ણવવામાં આવે છે. રાસયણિક ખાતરની જગ્યાએ ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા આ પ્રાકૃતિક પોષક દ્રવ્યોનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં કરવામાં આવે છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે અને ખેડૂતો મોંઘા જંતુનાશકો કે ખાતર વગર લગભગ ઝીરો બજેટમાં ખેતી કરી શકે છે.

ગૌમૂત્રમાં પાકના જીવનચક્ર માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર હોય છે. ઉપરાંત તે પાકના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે જરૂરી દ્રવ્યો પુરા પાડે છે. વધુમાં પાકને નુકસાનકર્તા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, વગેરે સામે રક્ષણ આપે છે. દેશી ગાયનું છાણ પણ સુક્ષ્મ જીવાણુઓનો ખજાનો છે. એક ગ્રામ છાણમાં જુદા-જુદા પ્રકારના કરોડો સુક્ષ્મ જીવાણુ હોય છે જે અનેક પ્રકારે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે.

દેશી ગાયના છાણમાં વિવિધ પ્રકારના સુક્ષ્મ જીવાણું રહેલા હોય છે જે પાકના જીવનચક્રમાં પોતાની ભૂમિકા ભજવે છે. આ જિવાણુઓ જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે તેમજ ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર પુરા પાડે છે. આ તમામ તત્વો પાકના પોષણ માટે ખુબ જરૂરી હોય છે. આ જિવાણુઓ પેસ્ટીસાઈડ અને નુકસાનકારક ધાતુઓનું વિઘટન કરે છે. પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થના વિઘટનમાં પણ ભાગ ભજવે છે. ઉપરાંત આ જિવાણુઓ જંતુઓ અને રોગના કારણરૂપ બેક્ટેરિયા, વગેરેનું જૈવિક નિયંત્રણ કરે છે સાથે પાક વૃદ્ધિમાં પણ મદદરૂપ થાય છે.

આમ, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને બનાવાતાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ બનાવી શકાય છે તેમજ પાક સંરક્ષણ થઈ શકે છે. આ રીતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી રાસાયણિક ખાતરો, જંતુનાશકો, કે જૈવિક ખાતરો/દવાઓ વગેરે ખરીદવાની જરૂર રહેતી નથી.

પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થયેલ પાક/ ઉત્પાદનો ઝેરી રસાયણમુક્ત હોય છે. અને આ ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ પણ સારું રહે છે. આ રીતે ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ જમીન, પાક અને ખેડૂત તમામ માટે ફાયદાકારક કૃષિપદ્ધતિ બની રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.