દેશમાં પહેલી વાર રાજકોટમાં 3 હજાર કૅન્સરગ્રસ્ત દર્દી અને તેની સારવાર કરનારા તબીબો એકસાથે ગરબાની રમઝટ બોલાવશે
યુવા ખેલૈયાઓ અને તંદુરસ્ત લોકોને તો ગરબે ઘૂમતા આપણે જોયા હશે, પરંતુ દેશમાં પહેલીવાર 3 હજાર જેટલા કૅન્સરગ્રસ્ત દર્દીઓ, તેમની સારવાર કરનાર ડોક્ટરો અને નર્સ રાજકોટમાં એકસાથે ગરબે ઘૂમશે. કૅન્સર ક્લબ ફાઉન્ડેશન અને યુવી ક્લબના સંયુક્ત ઉપક્રમે કૅન્સરના દર્દીઓની હિંમત વધારવા આગામી 2 ઓક્ટોબરે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6થી 11 કલાક દરમિયાન આવું અનોખું આયોજન કરાયું છે. કૅન્સર વોરિયર માટે એક દિવસીય નવરાત્રિ મહોત્સવના કરાયેલા આયોજનમાં રાજકોટ સહિત ગુજરાતભરમાંથી કૅન્સરગ્રસ્ત અને તેમાંથી સાજા થયેલા દર્દીઓ દુઃખ-દર્દ ભૂલીને ગરબે ઘૂમશે. સાથે સાથે કૅન્સરગ્રસ્ત દર્દીના પરિવારને પણ આ કાર્યક્રમમાં સામેલ કરાયા છે. 3 હજાર કૅન્સરગ્રસ્ત દર્દીઓ, તેમના પરિવારજનો અને 250થી વધુ કૅન્સરના નિષ્ણાત ડોક્ટરો કે જેમણે આ તમામ દર્દીઓની સારવાર કરી છે, તેમના સહિત આશરે 9 હજાર જેટલા લોકો આ કાર્યક્રમનો હિસ્સો બનશે. કૅન્સરના દર્દીઓ માટે મોટિવેશન અને હિંમત વધે એટલે ઇનામી મદદરૂપ થઈ શકે એવી જાહેરાતો અને દવાઓ કે અન્ય પ્રકારના સહયોગ માટેની માહિતી અને માર્ગદર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજકોટમાં કૅન્સરના દર્દીઓ માટે રાજકોટમાં ફેશન શો પણ યોજાયો હતો, જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવાઈ હતી. તે જ સંસ્થાએ હવે કૅન્સર અંગે જાગૃતિ કેળવવા અને દર્દીઓની હિંમત વધારવા માટે આવું જાજરમાન આયોજન કર્યું છે. માત્ર કૅન્સર જ નહીં કૅન્સરગ્રસ્ત દર્દીઓને પ્રોત્સાહિત કરવા માટે એમના કુટુંબીજનો, કૅન્સર હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે. યુવી ક્લબના બિપીનભાઈ બેરા અને તેની ટીમે મેદાન સહિતની વ્યવસ્થા નિ:શુલ્ક કરી આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.