પોલીસ કમિશનર બંગલાના ગાર્ડને કાર હેઠળ કચડવા પ્રયાસ કરનાર ટ્રાફિક વોર્ડનની ધરપકડ : આગવી ઢબે સરભરા કરાઈ
પોલીસ કમિશનર બંગલાના ગાર્ડને કાર હેઠળ કચડવા પ્રયાસ કરનાર ટ્રાફિક વોર્ડનની ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ આગવી ઢબે સરભરા કરાઈ હોવાનું જાણવા મળે છે. વોર્ડન ચાલુ ફરજે દારૂ પી કાર લઇને નીકળ્યો હોવાનો પણ આરોપ છે.
મળતી વિગત મુજબ રાજકોટમાં અમુક અસામાજિક તત્વો પુરપાટ ઝડપે વાહન ચલાવી બીજાની જિંદગીને જોખમમાં મુકતા હોય છે. વધી રહેલા અકસ્માતના બનાવો વચ્ચે પોલીસ કમિશનર બંગલાના ગાર્ડને કાર લઇને નીકળેલા ટ્રાફિક વોર્ડને ઠોકરે લઇ કચડવાનો પ્રયાસ કર્યો હતો. પીકેટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ એસ. ખેરે ફરિયાદ નોંધાવી છે. બનાવ શનિવારે રાતે બન્યો હતો. જ્યાં વિનોદભાઈ ફરજ ઊપર હતા.
ત્યારે કમિશનર બહારથી બંગલે આવવાના હોવાથી બંગલાનો ગેટ ખોલી રોડ પરથી પસાર થતા વાહનોને સાઇડમાં ચલાવવા માટે કહેતા હતા. તેવામાં ટ્રાફિક બ્રાંચ રૂડા ઓફિસ તરફથી એક કાર પૂરઝડપે ધસી આવે છે. તે કારને સ્પીડ ઓછી કરવા ધીમું ચલાવવા વિનોદભાઈ હાથથી ઇશારો કરે છે. ચાલકે ઇશારો જોયો હોવા છતાં કાર સ્પીડમાં ચલાવી ગાર્ડને ઠોકરે ચડાવ્યા હતા. જેથી તેઓ રોડ પર ફંગોળાઇને ગયા હતા. દેકારો મચી જતા કમિશનરના બંગલે રહેલા અન્ય પોલીસ કર્મચારી દોડી આવ્યા હતા.
વિનોદભાઈને હાથમાં ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અન્ય પોલીસ કર્મચારીઓએ કારચાલકને પકડી પૂછપરછ કરતા તે દારૂનો નશો કરેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ કારનો ચાલક પ્રતિક મહેશ વાવેચા(રહે. હરિપર પાળ, સહજાનંદ સોસાયટી-2) હોવાનું તેમજ તે ટ્રાફિક વોર્ડન હોવાનું ખુલ્યું હતું.
આ તરફ પ્રદ્યુમનનગર પોલીસની સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિક વોર્ડન સામે સદોષ માનવ વધ કરવાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીની પોલીસે આગવી ઢબે સરભરા કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.