રાજ્યો આત્મનિર્ભરતા અને ટ્રેડ, ટુરિઝમ, ટેક્નોલોજીના ૩ટી પર ભાર આપે : મોદી
નવી દિલ્હી, તા.૭નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ૭મી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતા પર ભાર મુકતાં રાજ્યોને લોકોને દેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. આ સાથે તેમણે રાજ્યોને આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની તકો શોધવા તેમજ ટ્રેડ, ટુરિઝમ અને ટેક્નોલોજીના થ્રી-ટી પર ફોકસ કરવા પણ જણાવ્યું હતું.નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યોને જણાવ્યું કે જીએસટી સંગ્રહમાં વધારો થયો છે, પરંતુ તેમાં હજુ વધારો થઈ શકે તેમ છે. જોકે, તેના માટે કેન્દ્ર અને રાજ્યો બંનેના પારસ્પરિક સહયોગની જરૂર છે. દેશને પાંચ લાખ કરોડનું અર્થતંત્ર બનાવવા માટે આપણે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવી જરૂરી છે. તેના માટે આપણે આત્મનિર્ભરતા પર વધુ ધ્યાન આપવું પડશે.પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાંથી બહાર નિકળવામાં ભારતે વિકાસશીલ દેશોને ઓછા સંસાધનો છતાં આ પ્રકારના પડકારોનો સામનો કરી શકાય છે તેવો મજબૂત સંદેશ આપ્યો છે અને તેનું શ્રેય રાજ્યોને જાય છે, જેમણે જાહેર સેવાઓને છેક નીચે સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રવિવારે યોજાયેલી આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત ૨૩ રાજ્યોના મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.આ બેઠકમાં મુખ્યરૂપે દાળથી લઈને કઠોળના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા, સ્કૂલના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ તથા શહેરી વહીવટની પદ્ધતિઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં ભારતે હજુ પણ તેની જરૂરિયાતના ૬૦ ટકા ખાદ્ય તેલની આયાત કરવી પડે છે. તેથી આયાત નિર્ભરતા ખતમ કરવા માટે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ હતી.દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેની નીતિઓ રાજ્યો પર થોપવી જોઈએ નહીં તેમજ રાજ્ય સરકારોની માગણીઓ અંગે કેન્દ્ર સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. આ સાથે મમતાએ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સહકાર વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.