બોટાદનાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પર ઝળુંબતા ગુલમહોરનાં ફૂલ પોતાનું આહલાદક સૌંદર્ય પ્રસરાવી રહ્યા છે
બોટાદનાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પર ઝળુંબતા ગુલમહોરનાં ફૂલ પોતાનું આહલાદક સૌંદર્ય પ્રસરાવી રહ્યા છે
દેખાવડાં રંગીન ફૂલો ધરાવતું ગુલમોહર સ્વાસ્થ્ય માટે છે ગુણકારી
ગુલમહોર પાસેથી એ શીખવાનું છે કે તાપમાં પણ હસીને સૌને હસાવી શકાય
આજે આપણે વાત કરવાના છીએ ઝગમગતાં લાલચટ્ટક ગુલમોહરની, આ વૃક્ષ દેખાવમાં જેટલુ સુંદર દેખાય છે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. આ દેખાવડું વૃક્ષ ઝડપથી વૃદ્ધિ પામે છે.
રંગીન ફૂલોથી શોભતું, ઉજ્જવલ વૃક્ષ એટલે ગુલમોહર. મૂળ તો મડાગાસ્કર દેશનું આ વૃક્ષ ઝડપથી વૃદ્ધિ પામે છે અને હરિયાળી લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. વિયેતનામમાં તે ફોનિક્સ ટેઈલ તરીકે ઓળખાય છે. તો સેન્ટ કિટ્સ દેશનું તે રાષ્ટ્રીય ફૂલ છે. ગુલમહોર તમામ દેશોમાં પ્રસિદ્ધ થયેલું વૃક્ષ છે.
ગુલમોહરના ફૂલ તેના ડાળીના છેક છેડે ઉગે છે અને પોતાના વજનથી થોડા નીચે લચી પડે છે. ફૂલને ૪ પાંખડી હોય છે જે લગભગ ૮ સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે જેમાં સફેદ અને પીળા ટપકા હોય છે, બોલો આટલી બારીકાઈથી ગુલમોહરનું ફૂલ જોયું છે... ગુલમોહર કેસરી રંગના તેમજ પીળા રંગના પણ હોય છે. આ સદાબહાર, ઘટાદાર અને ખુબ છાંયો આપતું વૃક્ષ દુકાળને પણ સારી રીતે સહન કરી લે છે. તેના ફૂલ ઉનાળાની ભારે ગરમીમાં આંખોને નયનરમ્ય ઠંડક આપે છે.
આ વૃક્ષમાં ઘણા બધા આયુર્વેદિક ગુણ સમાયેલા છે જે વિવિધ રોગના ઉપચાર માટે ઉપયોગી છે. બાળપણમાં બહુ લોકોએ આ ફૂલને ખાધા હશે. તેના ફૂલમાં પોષક તત્વો સમાયેલા હોય છે. તે ભૂખ ઉઘાડે છે, તેમાંથી અશક્તિ દૂર કરવાની દવા બને છે, કમળાના રોગનો ઉપચાર થાય છે. તેમાંથી ડાયાબિટીસના રોગની દવા બને છે તેમજ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ડાયેરિયા તેમજ શરીરની અંદર આવતા ઇન્ફ્લેમેશન/ સોજા આવે તેને લગતી દવાઓ પણ તેમાંથી બને છે. આ વૃક્ષ એટલું બધું દેખાવડું છે કે લગભગ દરેક ભાષામાં તેના વિષે ગીત લખાયેલા છે. લેખકો અને કવિઓમાં ગુલમોહર આગવું સ્થાન ધરાવે છે. તેના નામે કાવ્ય સંગ્રહ, વાર્તા સંગ્રહ અને ગીતમાલા પણ પ્રચલિત છે.
ગુલમહોર પાસેથી એ શીખવાનું છે કે તાપમાં પણ હસીને સૌને હસાવી શકાય. ઉનાળાની સંદૂક ખોલો તો ગુલમહોર સાથે આંબલી, કેરી, તરબૂચ સહિત કંઇ કેટલીયે મજાની ચીજ નીકળે.
ઉનાળાનાં આકરા તાપમાં પણ ગુલમહોર અને ગરમાળો સોળે કળાએ ખીલેલા જોવા મળે છે. બોટાદનાં અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપરના વૃક્ષો પર ઝળુંબતા લાલ પીળા ફૂલો પોતાનું આહલાદક સૌંદર્ય પ્રસરાવી રહ્યા છે. દાહક ગરમીથી ત્રસ્ત રાહદારીઓને ખીલેલા ગુલમહોર, ગરમાળાના ફૂલો માનસિક શાતા અર્પી રહ્યા છે
Report, Nikunj Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.