મોડલ બાયલોઝ મારફત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી પેક્સને સક્ષમ બનાવી શકાશે. :- સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા - At This Time

મોડલ બાયલોઝ મારફત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી પેક્સને સક્ષમ બનાવી શકાશે. :- સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા


મોડલ બાયલોઝ મારફત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી પેક્સને સક્ષમ બનાવી શકાશે. :- સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
******
૧૦૩૦૦ થી વધુ પેક્સ મંડળીઓ સાથે અંદાજિત ૨૭ લાખ ખેડૂતો જોડાયેલા છે અને આ મંડળીઓને મોડલ બાયલોઝ વિશે જાગૃત કરવા ૮૦ જેટલા વર્કશોપ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
*****

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં માહિતી આપતા માન. સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પેક્સ મંડળીઓ દ્વારા મોડલ બાયલોઝ અપનાવી ને વિવિધ ૧૮ જેટલા ઉદ્દેશ્યો અંતર્ગત વિવિધ પ્રકારના ધિરાણો આપવાની, કૃષિ ઉત્પાદનો ઉપરાંત પશુપાલન, મત્સ્યોદ્યોગ, ઝીંગા ઉછેર, મરઘાં ઉછેર, મધમાખી ઉછેર, રેશમ ઉત્પાદન વગેરેને લગતી ઉપરાંત પ્રોસેસીંગની કામગીરી, સેવા અને વ્યવસાયિક કામગીરી જેવી કે, સામુદાયિક કેન્દ્ર, હોસ્પિટલ/જન ઔષધિ કેન્દ્ર, વિવિધ પ્રકારની ડીલરશીપ જેવી કે, એલપીજી, ડીઝલ, પેટ્રોલ વગેરેને લગતી કામગીરી, કોમન સર્વિસ સેંટર તરીકેની કામગીરી, નાણાંકીય બેંકિંગ સંસ્થાઓ માટે એજન્ટ/બેંક મિત્ર તરીકે કામગીરી કરી શકશે.
માન. મંત્રીશ્રી એ ઉમેર્યું કે, રાજ્યમાં ૩૩ જિલ્લાઓના ૧૦,૩૦૦ થી વધુ પેકસ મંડળીઓ આવેલી છે. આ મંડળીઓ સાથે અંદાજિત ૨૭ લાખ થી વધુ સભાસદો જોડાયેલ છે. આ માટે ૩૩ જિલ્લાઓમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તરફથી ૮૦ જેટલા સેમિનારોનું આયોજન કરાયું હતુ. પેક્સ દ્વારા મોડલ બાયલોઝ અપનાવવામાં સરળતા રહે તથા મંડળીઓની બાયલોઝ સુધારાની દરખાસ્તો મંજૂર થાય તે માટે તાલુકા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ખાસ કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં આ પેક્સ મંડળીઓ તેમના ઉદ્દેશ્યો મુજબ કામ કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા કોઈ યોજના મૂકવા અંગે પૂછાયેલ પ્રશ્નના સંદર્ભમાં મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશનની યોજના અન્વયે “પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓનુ (પેકસ) કોમ્પ્યુટરાઈઝેશન કરીને તેઓને કોર બેન્કિંગ સિસ્ટમથી” જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે જોડવામાં આવનાર છે. પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન અંતર્ગત પ્રથમ તબક્કામાં રાજ્યની ૫૭૫૪ મંડળીઓને આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ૬૦% અને રાજ્ય સરકાર ૪૦ % ખર્ચ ભોગવનાર છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કેંદ્ર સરકાર તરફથી એક કોમન સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે જે તમામ પેકસને નિ:શુલ્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પેકસને તમામ જરુરી હાર્ડવેર જેવાં કે, કોમ્પ્યુટર, મલ્ટી ફંકશનલ પ્રિંન્ટર, વેબ કેમેરા, યુ.પી.એસ., બાયોમેટ્રીક સ્કેનર પુરા પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત પેક્સ મંડળીઓના ખેડૂત સભાસદોને પોતાનો માલ સંગ્રહ કરવાની ગ્રામ્ય કક્ષાએ સુવિધા મળી રહે તે માટે પેક્સ મંડળીઓ મારફત ગોડાઉન બનવવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની યોજના અમલમાં મૂકેલ છે.
આમ, પેક્સ આર્થિક રીતે સક્ષમ બનતાં ગામનાં યુવાનો માટે ગામમાં જ રોજગારીની તકો પણ વધશે.
અન્ય પ્રશ્નના સંદર્ભમાં મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વિવિધ પહેલો અંતર્ગત ત્રણ નવી મલ્ટી સ્ટેટ સંસ્થાઓ નોંધાયેલ છે. જેમાં નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ (NCOL)નો હેતુ પ્રાકૃતિક ધોરણે થતી ખેતીને પ્રોત્સાહન આપવાનો તથા આવી પેદાશોનું માર્કેટીંગ અને વેચાણ કરવાનો છે. નેશનલ કો-ઓપરેટિવ એક્સ્પોર્ટ લિમિટેડ (NCEL) નો હેતુ કૃષિ પેદાશોનું વેલ્યુ એડિશન કરીને તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે. ભારતીય બીજ સહ્કારી સમિતિ (BBSS) નો હેતુ કૃષિ પેદાશો માટે સારી જાતના બિયારણો સભાસદ મંડળીઓના માધ્યમથી ખેડૂતો સુધી પંહોચાડવાનો છે.

રાજ્યની તમામ પેક્સ મંડળીઓને આ ત્રણ સંસ્થાઓમાં સભાસદ થવા રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરી રહી છે જેથી પેક્સ મંડળીઓ મારફત તેમના સભાસદ ખેડૂતોની ખેતપેદાશોનું પ્રોસેસીંગ થયા પછી આ સંસ્થાઓ મારફત વેચાણની વ્યવસ્થાનો લાભ મળી શકે તમજ ખેડૂતને નાણાંકીય લાભાલાભ મળી શકે તેમ મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.